નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
વિશ્વની સૌથી જૂની, સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બિટકૉઇનનો ભાવ 1 લાખ ડૉલર એટલે કે 86.68 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે. પહેલીવાર બિટકૉઇન આ સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે બિટકૉઇનના ભાવમાં 100 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા એ પછીનાં ચાર સપ્તાહમાં તેનો ભાવ 45 ટકા વધ્યો છે. સાથે જ બિટકૉઇનની માર્કેટકેપ પહેલીવાર 2 ટ્રિલિયન ડૉલરને પાર થઈ છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પ શપથ લેશે એ પછી એક બિટકૉઇનનો ભાવ 1 કરોડ રૂપિયાના ઐતિહાસિક માઇલસ્ટોનને સ્પર્શી શકે છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બિટકૉઇનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોકાણકારોને આશા છે કે ટ્રમ્પ સરકાર ક્રિપ્ટોને અનુકૂળ નીતિ બનાવશે. આ જ કારણોસર ક્રિપ્ટો કરન્સી ઊંચકાઈ રહી છે.
ભાવ ક્યાં સુધી જઈ શકે છે ટ્રમ્પે ચૂંટણી અભિયાન દરમિયાન ડિજિટલ એસેટ્સને સપોર્ટ કર્યો હતો. અમેરિકાને વિશ્વના ક્રિપ્ટો કેપિટલ તરીકે સ્થાપિત કરવા અને એક રાષ્ટ્રીય બિટકૉઇન રિઝર્વ બનાવવાની વાત તેમણે કરી હતી. હોંગકોંગના સ્વતંત્ર ક્રિપ્ટો કરન્સી નિષ્ણાત જસ્ટિન ડીએનેથને કહ્યું છે કે બિટકૉઇનની કિંમત 100,000 ડૉલરને પાર થવી એ એક માત્ર માઇલસ્ટોન નથી પણ તે ફાઈનાન્સ, ટૅક અને જીઓ-પોલિટિક્સમાં ફેરફારનું પ્રમાણ છે. થોડા સમય પહેલાં જેને કલ્પના તરીકે નકારવામાં આવી હતી એ આજે વાસ્તવિકતા બની છે.