નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
- એક વર્ષમાં બિનસુરક્ષિત રકમ વધીને 46.3 ટકા
બેન્કોમાં બિનસુરક્ષિત જમા રકમ એક વર્ષમાં 44.2 ટકાથી વધીને 46.3 ટકા થઇ ગઇ છે. બિનસુરક્ષિત રકમ હોવાનો અર્થ એ છે કે બેંન્કોએ આ રકમનો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીસીજીસી)માં વીમો કરાયો નથી. આવી સ્થિતિમાં જો આ નાણાંકીય સંસ્થાઓ દેવાળુ ફુંકે તો તમારી રકમ ડુબી શકે છે. ડીસીજીસી વીમાનો અર્થ ગેરંટેડ વાપસી છે. આ બાબતોનો ઉલ્લેખ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગુરૂવારના દિવસે જારી ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ વધુ સારી સુવિધા આપવાનુ વચન આપનાર વિદેશી બેન્કોમાં 94.5 ટકા જમા રકમ આ જોખમમાં આવે છે. પ્રીમિયમ બચાવવા માટે આ વિદેશી બેન્કોએ માત્ર 5.5 ટકા રકમનો જ વીમો કરાવ્યો છે. સરકારી બેન્કોથી વધુ સારી બેલેન્સ શીટ ધરાવનાર દેશની ખાનગી બેન્કોમાં પણ જમા કરનાર લોકોની આશરે બે તૃતીયાંશ રકમ (65.8 ટકા) બિનસુરક્ષિત છે. સૌથી વધારે 53.43 ટકા રકમ 12 સરકારી બેંકોમાં છે. તેમાં પણ અડધાથી વધુ રકમનો વીમો નથી.
નાની પેમેન્ટ બેન્કોમાં જમા 99.5 ટકા રકમનો વીમો, બે તૃતીયાંશ સહકારીમાં
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અસ્તિત્વમાં આવેલી પેમેન્ટ બેન્કોમાં જમા લગભગ સંપૂર્ણ નાણાંનો વીમો છે. સરકારી માલિકીની પ્રાદેશિક ગ્રામીણ બેન્કોમાં જમા 80.8% રકમ સુરક્ષિત છે. બેન્કો પડી ભાંગે તો સહકારી મંડળીમાં જમા રકમમાંથી માત્ર બે તૃતીયાંશ જ પરત મળવાની ગેરન્ટી છે.
ત્રણ મહિનામાં 17 કરોડ બેન્ક ખાતા બંધ | આરબીઆઈના રિપોર્ટ અનુસાર 23 માર્ચ સુધી દેશમાં કુલ 304.9 કરોડ સક્રિય ખાતા હતા. સપ્ટેમ્બર-23 સુધીમાં સંખ્યા ઘટીને માત્ર 287.1 કરોડ થઈ, એટલે કે ત્રણ મહિનામાં કુલ 17.8 કરોડ બેન્ક ખાતા બંધ થયા છે.