નવી દિલ્હી59 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજૂસના સ્થાપક બાયજુ રવીન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે. એક વર્ષ પહેલાં એટલે કે 4 એપ્રિલ, 2023ના રોજ બાયજુની નેટવર્થ $2.1 બિલિયન (ત્યારે લગભગ ₹17,545 કરોડ) હતી. ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સ 2024માં આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક વર્ષ પહેલાં બાયજૂસને ફોર્બ્સની બિલિયોનરની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ગત વર્ષની યાદીમાંથી 4 લોકોને બહાર કરવામાં આવ્યા છે, જેમાં રવીન્દ્રન પણ સામેલ છે.
તાજેતરમાં, બ્લેકરોકે બાયજૂસની વેલ્યુએશન ઘટાડીને $1 બિલિયન કરી હતી, જે 2022માં તેના હાઇએસ્ટ $22 બિલિયનના વેલ્યુએશનનો માત્ર એક ભાગ છે.
ગણિતના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી
બાયજુ રવીન્દ્રને પોતાની કારકિર્દી ગણિતના શિક્ષક તરીકે શરૂ કરી હતી. 2011માં, જ્યારે તેમણે Byju’sની સ્થાપના કરી, તે સૌથી ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ બન્યું.
કંપનીએ 2022માં તેનું મૂલ્યાંકન $22 બિલિયન, અંદાજે રૂ. 1.84 લાખ કરોડ હોવાનું જણાવ્યું હતું. બાયજુ પ્રાથમિક સ્તરથી એમબીએ સુધીના વિદ્યાર્થીઓને સર્વિસ પૂરી પાડે છે.
ઇડી પણ કાર્યવાહી કરી રહી છે
ઇડી બાયજુને મળેલા વિદેશી રોકાણની પણ તપાસ કરી રહી છે. તાજેતરમાં જ EDએ રવીન્દ્રન વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. આ સિવાય બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના ઉલ્લંઘન બદલ ‘કારણ બતાવો’ નોટિસ જારી કરવામાં આવી હતી.
બાયજૂસના રવીન્દ્રને પગાર ચૂકવવા ઘર ગીરવી મૂક્યું
થોડા સમય પહેલાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે રોકડની તંગીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજૂસના સ્થાપક રવીન્દ્રને કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમનું ઘર તેમજ તેમના પરિવારના સભ્યોનાં ઘર ગીરવી રાખ્યાં છે. તેમણે બેંગલુરુમાં બે મકાન મોર્ગેજ કરીને લગભગ 100 કરોડ રૂપિયા એકઠા કર્યા અને લગભગ 15,000 કર્મચારીને પગાર ચૂકવ્યો. આ દાવો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં BYJU’S સાથે આવી કેટલીક વધુ ઘટનાઓ બની છે, જે તેમની સતત બગડતી પરિસ્થિતિ દર્શાવે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાયજૂસ સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી. બાયજૂસ પર 158 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ કરવાનો આરોપ છે. આ ચુકવણી અંગેની નોટિસ 6 જાન્યુઆરીએ બાયજૂસને મોકલવામાં આવી હતી.