- Gujarati News
- Utility
- Commercial Cylinder Cheap, Car Expensive To Buy; Sukanya Yojana Will Get More Interest
નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવું વર્ષ એટલે કે 2024ની શરૂઆત થઇ ચુકી છે. આ સાથે જ અનેક ફેરફાર પણ થયા છે આ ફેરફારો તમારા જીવન અને ખિસ્સા પર પણ અસર કરશે. આજથી એટલે કે 1 જાન્યુઆરીથી મારુતિ સુઝુકી, હોન્ડા, એમજી અને ટાટા સહિત અન્ય કંપનીઓની કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે.
હવે તમને નાની બચત યોજનામાં રોકાણમાં પહેલાં કરતાં વધુ વ્યાજ મળશે. આ સિવાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થોડો ઘટાડો કર્યો છે. જોકે, ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે.
અહીં અમે તમને એવા ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ જે આજથી થયા છે
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
વર્ષના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થોડો ઘટાડો થયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 1.5 રૂપિયા ઘટીને 1755.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 પૈસાનો નજીવો વધારો થયો છે અને તેની કિંમત 1869 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં તે 1.50 રૂપિયા સસ્તું થયું છે અને કિંમત ઘટીને 1708.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં ભાવમાં સૌથી વધુ 4.5 રૂપિયાનો ઘટાડો થયો છે અને સિલિન્ડરની કિંમત 1924.50 રૂપિયા થઈ ગઈ છે.
જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં તે દિલ્હીમાં 903 રૂપિયા, ભોપાલમાં 908 રૂપિયા અને જયપુરમાં 906 રૂપિયામાં ઉપલબ્ધ છે.
2. તમને સુકન્યા યોજના પર વધુ વ્યાજ મળશે
સરકારે 1 જાન્યુઆરીથી નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20%નો વધારો કર્યો છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર હવે 8%ની જગ્યાએ વાર્ષિક 8.20% વ્યાજ આપવામાં આવશે.
આ સ્કીમ દ્વારા તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ સરળતાથી તૈયાર કરી શકો છો. આ સિવાય 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ રેટમાં 0.10%નો વધારો કરવામાં આવ્યો છે. હવે વાર્ષિક 7.10% વ્યાજ આપવામાં આવશે.
3. મારુતિ, ઓડી, હોન્ડા, MG અને ટાટાની કાર થશે મોંઘી
મોટાભાગની કાર કંપનીઓ નવા વર્ષથી તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે છે. લક્ઝુરિયસ કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઓડી ઈન્ડિયાએ તેમના વાહનોની કિંમતમાં 2%નો વધારો કર્યો છે.
આ સિવાય મારુતિ, હોન્ડા, એમજી અને ટાટાએ પણ વાહનોના ભાવમાં વધારો કર્યો છે. જોકે, કંપનીઓએ હજુ સુધી તેમની સાઇટ પર નવી કિંમતો અપડેટ કરી નથી. ટાટા મોટર્સે તેમના તમામ કોમર્શિયલ વાહનોના ભાવમાં 3%નો વધારો કર્યો છે.
4. હવે સિમ માત્ર ડિજિટલ KYC દ્વારા જ મળશે
હવે નવું સિમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહકોએ માત્ર ઈ-કેવાયસી કરવાનું રહેશે. એટલે કે પેપર આધારિત KYC પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સિમ કાર્ડનો નવો નિયમ 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવ્યો છે. હવે ટેલિકોમ કંપનીઓ માત્ર ડિજિટલ KYC કરશે.
5. UPI એકાઉન્ટ બંધ કરવામાં આવશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Google Pay, Paytm અને PhonePe જેવી પેમેન્ટ એપ અને બેંકોને આવા UPI ID ને ઇનએક્ટિવ કરવા કહ્યું હતું જે એક વર્ષથી વધુ સમયથી એક્ટિવ નથી. આ માટેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2023 રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં જેનું UPI ID એક વર્ષ કે તેથી વધુ સમયથી એક્ટિવ નથી તેમને ઇનએક્ટિવ કરવામાં આવશે.
6. સેકન્ડરી માર્કેટ માટે UPI આજે લોન્ચ થશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 જાન્યુઆરી, 2024ના રોજ સેકન્ડરી માર્કેટ માટે UPI લોન્ચ કરશે. આ પછી રોકાણકારો UPI દ્વારા પેમેન્ટ કરીને શેર ખરીદી શકશે. શરૂઆતમાં આ સેવા થોડાક યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે.
હાલમાં રોકાણકારો IPO બિડિંગમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકે છે. જ્યારે રોકાણકારો IPO માટે અરજી કરે છે, ત્યારે નાણાં તેમના બેંક એકાઉન્ટમાં બ્લોક કરવામાં આવે છે અને જ્યારે શેર ઇસ્યુ કરવામાં આવે છે, ત્યારે આ રકમ ખાતામાંથી ડેબિટ કરવામાં આવે છે.
એ જ રીતે, સેકન્ડરી માર્કેટમાં આ સર્વિસ શરૂ થયા પછી ખરીદેલ સ્ટોકની રકમ તમારા ખાતામાં બ્લોક થઈ જશે. આ પછી જ્યારે તે જ દિવસે સેટલમેન્ટ થશે, ત્યારે રોકાણકારોના ખાતામાંથી પૈસા ડેબિટ કરવામાં આવશે.
પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. છેલ્લા દોઢ વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.