મુંબઈ46 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી છે. આજે એટલે કે 3જી ઓક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં લગભગ 900 પોઈન્ટનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે ઓટો, એનર્જી અને બેન્કિંગ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M, ટાટા મોટર્સ અને મારુતિ લગભગ 2% નીચે છે. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં બજારમાં લગભગ 2,500 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે.
બજારના ઘટાડા માટેનાં 3 કારણો
- ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.
- ભારતીય શેરબજારના વર્તમાન વેલ્યુએશનમાં વધારો થયો છે. ખાસ કરીને મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં. આ કારણે બજારમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળી શકે છે.
- અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરનાં બજારોમાં જોવા મળી રહી છે.
એશિયન માર્કેટમાં તેજી રહી હતી
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 2.24% ઊંચો છે. તે જ સમયે, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 2.43% અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.22% નીચે છે.
- 2 ઓક્ટોબરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.09% વધીને 42,196 અને Nasdaq 0.08% વધીને 17,925 પર પહોંચી. S&P 500 પણ 0.01% વધીને 5,709 પર છે.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 1 ઓક્ટોબરે રૂ. 5,579 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 4,60 કરોડના શેર ખરીદ્યા હતા.
મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલાં મંગળવારે એટલે કે 1 ઓક્ટોબરે સેન્સેક્સ 33 પોઈન્ટ ઘટીને 84,266ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 15 પોઇન્ટ ઘટીને 25,796ના સ્તરે બંધ થયો હતો. 2 ઓક્ટોબરે ગાંધીજયંતી પર બજાર બંધ હતું.