21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ઈલોન મસ્ક તેની “રોબોટ ગર્લફ્રેન્ડ” સાથે દેખાઈ રહ્યા છે. આ તસવીરો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇલોન મસ્કે તેની પહેલી રોબોટ ગર્લફ્રેન્ડની જાહેરાત કરી છે. કેટલાક યુઝર કહી રહ્યા છે કે મસ્ક રોબોટને ડેટ કરી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો તો તેને મસ્કની પત્ની કહી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી સમયાંતર ઈલોન મસ્કની આવી તસવીરો વાઇરલ થતી રહી છે. જેને લોકો અલગ-અલગ દાવા સાથે શેર કરી રહ્યા છે. ખરેખર આ તસવીરનું સત્ય શું છે? શું દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાચેમાં રોબોટને ડેટ કરી રહ્યો છે? મસ્ક રોબોટ સાથે લગ્ન કરશે? આ સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કરે ફેક્ટ ચેક કર્યું. તપાસમાં અમને શું મળ્યું વાંચો અહેવાલમાં…
સૌથી પહેલા ફેસબુક યુઝર મુનીર અહમદની પોસ્ટ જોઈએ…
યુઝર મુનીર અહમદે 8 ડિસેમ્બર, 2024ના રોજ આ ફોટો શેર કર્યો
વાઇરલ તસવીરનું સત્ય શું છે? આ દાવાને ચકાસવા માટે, અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. સર્ચ કરતા અમને ફેક્ટ ચેક કરતી વેબસાઈટ વિશ્વાસ ન્યૂઝનો અહેવાલ મળ્યો. તેમાં બહાર આવ્યું છે કે ઈલન મસ્કે 22 જુલાઈ,2024ના રોજ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું ટેસ્લા આગામી વર્ષથી પોતાના આંતરિક ઉપયોગ માટે મર્યાદિત સંખ્યામાં હ્યુમનોઈડ રોબોટ્સ રજૂ કરશે અને 2026 સુધી અન્ય કંપનીઓ માટે મોટી સંખ્યામાં ઉત્પાદનની યોજના છે. ટેસ્લાની વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે આ રોબોટ્સનું નામ ટેસ્લા બોટ અથવા ઓપ્ટિમસ છે, જે કાર્યસ્થળે ખતરનાક, રિપિટ થતા અથવા કામચલાઉ કામ કરવામાં મદદ કરશે.
15 જાન્યુઆરી, 2024ના રોજ, મસ્કએ X પર એક વીડિયો શેર કર્યો, જેમાં એક હ્યુમનોઇડ શર્ટ ફોલ્ડ કરી રહ્યો હતો. મસ્કએ કહ્યું હતું કે “ઓપ્ટિમસ” હજી સુધી તે સંપૂર્ણપણે સ્વાયત્ત રીતે કરી શકતું નથી, પરંતુ તે ભવિષ્યમાં કરશે. 16 મેના રોજ ટેસ્લા શેરધારકોની મીટિંગમાં, મસ્કએ એક વીડિયો બતાવ્યો જેમાં આ રોબોટ્સ ચાલી શકે છે અને વસ્તુઓ ઉપાડી શકે છે. આ રોબોટ્સ સૌપ્રથમ 2022માં રજૂ કરવામાં આવ્યા હતા.
જો કે, તપાસ દરમિયાન અમને ક્યાંય પણ આવા કોઈ સમાચાર મળ્યા નથી જેમાં મસ્કની રોબોટ ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ હોય. અમે ઈલોન મસ્કના સોશિયલ મીડિયા હેન્ડલ્સની પણ શોધખોળ કરી. અમને અહીં પણ આવી કોઈ તસવીર મળી નથી. અમને શંકા છે કે આ ફોટા AI ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે.
અમે AI ઇમેજ ડિટેક્શન ટૂલ્સ પર એક પછી એક વાયરલ તસવીરોની તપાસ કરી.
પહેલી તસવીર અમે આ તસવીરને AI ઇમેજ ડિટેક્શન ટૂલ હાઇવ મોડરેશન વડે ચેક કરી, જેમાં AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 99.9 ટકા હોવાનું કહેવાયું હતું.
જ્યારે અમે રિવર્સ-ઇમેજ સર્ચ કર્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે X એકાઉન્ટ @iamnot_elonએ 23 જુલાઈ, 2024ના રોજ આ તસવીર પોસ્ટ કરી હતી. ફોટોને કેપ્શન આપવામાં આવ્યું હતું: “શું તે ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે?” આ એકાઉન્ટ પેરોડી હતું. આ એકાઉન્ટે અન્ય AI દ્વારા બનાવેલી તસવીરો પણ પોસ્ટ કરી છે, જેમાં ઈલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, જેફ બેજોસ, માર્ક ઝકરબર્ગની તસવીરો સામેલ છે.
બીજી તસવીર અમે આ તસવીરને AI ઇમેજ ડિટેક્શન ટૂલ હાઇવ મોડરેશન વડે પણ ચેક કરી, જેમાં AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 95.9 ટકા હોવાનું કહેવાયું હતું.
ત્રીજી તસવીર AI ઇમેજ ડિટેક્શન ટૂલ હાઇવ મોડરેશન સાથે તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું કે AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 90.3 ટકા હોવાનું કહેવાય છે.
આના પરથી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય કે ઈલોન મસ્કની રોબોટ ગર્લફ્રેન્ડ હોવાનો દાવો ખોટો છે. વાઇરલ તસવીર ઓરિજિનલ નથી, પરંતુ AI દ્વારા બનાવવામાં આવી છે.