નવી દિલ્હીએક દિવસ પેહલા
- કૉપી લિંક
- પાક પરિવર્તન, ગરમી-કમોસમી વરસાદ સહિતના પરિબળોની અસર
છેલ્લા 6 મહિનામાં લોટ, દાળ, ચોખા અને ખાંડના ભાવ 14.55% સુધી વધ્યા હોવાથી ભોજનની થાળી મોંઘી થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. દેશની અર્થવ્યવસ્થા પર ચાંપતી નજર રાખનારી એજન્સી સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (સીએમઆઇઈ) અને કેટલીક સરકારી એજન્સીઓના અનુમાન પ્રમાણે આગામી 3 મહિના સુધી આ ખાદ્યાન્નોના ભાવ 14.55% સુધી મોંઘા રહેવાની આશંકા છે. નબળું ચોમાસું, ખેડૂતોનું પાકપરિવર્તન અને વધુ ગરમીને કારણે ઉત્પાદનને અસર પડતાં ખાદ્યાન્નોના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
પાણીની અછતને કારણે ખેડૂતોને ચણાનો પાક લેવાની ફરજ પડતાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સીએમઆઇઈના મતે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. સાથે જ આ વર્ષે શેરડીના પાકમાંથી 3.32 કરોડ ટન ઇથેનોલમાં જતાં ખાંડના ભાવ વધશે. વરસાદના તાજેતરના રાઉન્ડને કારણે તુવેરની દાળનો પાક 15-20 દિવસ પાછળ જઈ રહ્યો છે. આગામી પાક આવતાં હજી એક મહિનો થશે. તુવેર દાળનો છૂટક ભાવ 150 રૂપિયાથી વધુ થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ઘઉંનું ઉત્પાદન 41 લાખ ટન ઓછું થવાની આશંકા
- શેરડી : 2023-24માં ઉત્પાદન 44.5 કરોડ ટનનું અનુમાન જે 2022-23માં 49 કરોડ ટન હતું.
- ચોખા : ઉત્પાદન 10.63 કરોડ ટન રહેવાનું અનુમાન છે જે ગત વર્ષ કરતાં 3.8% ઓછું છે.
સરકારી ગોડાઉનમાં 1.38 કરોડ ટન ઘઉં ઓછા
કેન્દ્ર સરકારે વાર્ષિક ભાવોને નિયંત્રિત કરવા માટે પોતાના ગોડાઉનમાંથી મુક્ત બજારમાં ઘઉં વેચ્યા હતા. પરિણામે ઘઉંનો રિઝર્વ જથ્થો માત્ર 2.39 કરોડ ટન જ વધ્યો છે, જે ગત વર્ષે 3.77 કરોડ ટન હતો. એટલે કે સરકારી ગોડાઉનમાં ઘઉંનો જથ્થો 36.60% સુધી ઘટી ગયો છે.
રશિયાથી ઘઉંની આયાતની શક્યતા : રશિયાથી ઘઉંની આયાત થઈ શકે છે. છેલ્લા થોડા દિવસોમાં ઘઉં પર આયાત દર 15%થી 20% સુધી ઘટાડાયા હતા. પ્રથમ તબક્કામાં 10 લાખ ટન ઘઉંની આયાત થવાની શક્યતા છે.