કોલકાતા19 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવે ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામની કોઈ ફેરનેસ પ્રોડક્ટ હવે નહીં મળે. કારણ કે, કલકત્તા હાઈકોર્ટે તેને બનાવનાર કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ને એક મહિનાની અંદર તેને હટાવવાનો આદેશ આપ્યો છે. ટ્રેડમાર્ક નિયમોના ઉલ્લંઘનને કારણે કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.
આ કેસ 2020નો છે, જ્યારે HULએ તેની મેન્સ ફેરનેસ બ્રાન્ડ ‘મેન્સ ફેર એન્ડ લવલી’નું નામ બદલીને ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ કર્યું હતું. આ નામ લોકલ FMCG કંપની ઈમામીની ફેરનેસ બ્રાન્ડ ‘ફેર એન્ડ હેન્ડસમ’ જેવું જ હતું. ઈમામીએ 2020માં HUL વિરુદ્ધ તેના ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો.
હિન્દુસ્તાન યુનિલિવરે 2020માં ‘મેન્સ ફેર એન્ડ લવલી’નું નામ બદલીને ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ કર્યું હતું.
કોર્ટે કહ્યું- HULએ પ્રખ્યાત બ્રાન્ડના નામનો દુરુપયોગ કર્યો
કેસ પરના તેના ચુકાદામાં, કોર્ટે કહ્યું, ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામ ઇમામીના રજિસ્ટર્ડ પ્રોડક્ટ ‘ફેર એન્ડ હેન્ડસમ’ જેવું જ છે, જે ભ્રામક છે. કોર્ટે કહ્યું- પ્રખ્યાત અને અગ્રણી પ્રોડક્ટના નામના મહત્વના ભાગનો ઉપયોગ કરીને તે જ નામ રાખવું યોગ્ય નથી.
‘ગ્લો એન્ડ હેન્ડસમ’ શબ્દો પસંદ કરીને HUL એ ઈમામીની પ્રોડક્ટ ‘ફેર એન્ડ હેન્ડસમ’ના બ્રાન્ડિંગનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. આમાં છેતરપિંડી થવાની સંભાવના છે.
HULએ કહ્યું- ‘હેન્ડસમ’ એક સામાન્ય શબ્દ છે, બધા તેનો ઉપયોગ કરે છે
આ કેસમાં HULએ એવી દલીલ કરીને ઈમામીના આરોપોનો પ્રતિકાર કર્યો હતો કે ‘હેન્ડસમ’ શબ્દ સંપૂર્ણપણે સામાન્ય શબ્દ છે, જેનો ઉપયોગ ઉદ્યોગમાં અન્ય સ્પર્ધકો દ્વારા પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ એકલ ચિહ્ન તરીકે થતો નથી.
HULએ 2018માં ‘ગ્લો એન્ડ લવલી’ના ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી
HULએ 2018 માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્ક્સના નિયંત્રક પાસે ‘ગ્લો એન્ડ લવલી’ માટે ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી, પરંતુ નિયંત્રક દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી.
ઇમામીની 20થી વધુ બ્રાન્ડ્સ
કંપનીની વેબસાઈટ અનુસાર, તેની પાસે વિશ્વભરના 70થી વધુ બજારોમાં 20થી વધુ બ્રાન્ડ્સ અને 450થી વધુ ઉત્પાદનો છે. કંપનીમાં 3,200થી વધુ કર્મચારીઓ કામ કરે છે. નાણાકીય વર્ષ 2023માં ઈમામીનું ટર્નઓવર 3460 કરોડ રૂપિયા હતું.
ઈમામીની ફેર એન્ડ હેન્ડસમ, કંપનીએ તેને 2005માં લોન્ચ કરી હતી.
ઈમામી વાર્ષિક 150 કરોડ રૂપિયાની કમાણી કરતી હતી
ઈમામીએ 2005માં ‘ફેર એન્ડ હેન્ડસમ’ લોન્ચ કરી હતી. 2005માં લોન્ચ થયા પછી ‘ફેર એન્ડ હેન્ડસમ’નો આ સેગમેન્ટમાં 65% માર્કેટમાં હિસ્સો હતો. આનાથી કંપનીને વાર્ષિક 150 કરોડ રૂપિયાની આવક પણ થતી હતી. 2019-20 સુધીમાં તે વધીને 2,430 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી.