નવી દિલ્હી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારનું કુલ દેવું (જવાબદારી) માર્ચ 2024ના અંત સુધીમાં 3.4% વધીને રૂ.171.78 લાખ કરોડ નોંધાયું છે જે ડિસેમ્બરના અંતે રૂ.166.14 લાખ કરોડ રહ્યું હતું. તેમાં વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 3.4%નો વધારો થયો છે. પબ્લિક ડેટ મેનેજમેન્ટ રિપોર્ટ અનુસાર આ ક્વાર્ટર દરમિયાન કુલ દેવામાં જાહેર દેવાનો હિસ્સો 90.2% હતો.
વચગાળાના બજેટમાં જાહેર કરાયેલી અંદાજિત ઉધાર યોજના ઓછી હોવાને કારણે ભારતીય સ્થાનિક બોન્ડ પર યિલ્ડ નબળી રહી હતી. નાણાકીય વર્ષ 2026 સુધીમાં રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના 4.5% અથવા તેનાથી પણ વધુ નીચે લાવવાનો લક્ષ્યાંક છે. તેના માટે એફપીઆઇ પ્રવાહ જળવાયેલો રહે તેમજ ફુગાવો પણ સ્થિર રહે તે જરૂરી છે.
યુએસમાં ફેડરલ રિઝર્વના નિર્ણયો, ફુગાવો તેમજ રોજગાર ડેટાની અસરને કારણે ક્વાર્ટર દરમિયાન યુએસ ટ્રેઝરી યિલ્ડમાં વોલેટિલિટી જોવા મળી હતી. યુએસમાં 10 વર્ષની યિલ્ડ ક્વાર્ટર દરમિયાન 4.33% સાથે સર્વાધિક સ્તરે નોંધાઇ હતી. વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર દરમિયાન એવરેજ યિલ્ડ ઘટીને 7.19% રહી હતી જે વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન 7.37% હતી.
ડેટ સિક્યોરિટીઝની સરેરાશ પાકતી મુદત પણ ઘટીને વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 18.75 વર્ષ થઇ છે. કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝની માલિકી પેટર્ન દર્શાવે છે કે કોમર્શિયલ બેન્કનો હિસ્સો માર્ચ 2024ના અંતે વધીને 37.7% થયો છે જે માર્ચ 2023ના અંતે 36.6% હતો. જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓનો હિસ્સો માર્ચ 2024 દરમિયાન 26% રહ્યો છે.
નાની બચત યોજનાઓ પરના વ્યાજદરો યથાવત્
સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોને યથાવત્ રાખ્યા છે. આગામી 1 જુલાઇ, 2024થી શરૂ થતી નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોને આગામી 30 સપ્ટેમ્બર, 2024 સુધી યથાવત્ રાખવામાં આવ્યા છે. નોટિફિકેશન અનુસાર, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાવાયેલી ડિપોઝિટ પર 8.2% વ્યાજ મળે છે. જ્યારે ત્રણ વર્ષની ડિપોઝિટ પર 7.1% વ્યાજદર છે. જ્યારે પીપીએફ અને પોસ્ટ ઓફિસની બચત પરના વ્યાજદરોને પણ અનુક્રમે 7.1% અને 4% પર યથાવત્ રાખવામાં આવ્યા છે.