ત્રણ દિવસથી સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે. અલગ અલગ શહેરો મુજબ 10 ગ્રામે 3 હજારથી લઈ 5 હજાર સુધી ભાવ ઘટ્યા. કારણ એક જ છે, કેન્દ્ર સરકારે સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકાનો ઘટાડો કર્યો. 15 ટકામાંથી 6 ટકા કર્યા. આના કારણે થયું એવું કે, 24 અને 22 કેરેટ સ
.
ઈન્ટરનેશનલ માર્કેટના આધારે સોનાના ભાવ ગમે ત્યારે વધી શકે છે
અમદાવાદના તનિષ્કના ફ્રેન્ચાઈસી ઓનર જતીનભાઈ પારેખ કહે છે, બજેટમાં સોના પરની ડ્યુટીમાં 9 ટકાનો ઘટાડો થયો છે. આની ઈફેક્ટ ચાર હજાર રૂપિયા આસપાસ પડી શકે છે. સોનાનો ભાવ જે વધવાના ટ્રેન્ડ પર હતો કે લોકો ખરીદતાં અટકી જતા હતા. તેમના માટે આ સારો સમય છે કે લોકો સોનું ખરીદી શકે છે. સોનાના ભાવ વધી શકે તેવા ચાન્સ પહેલાં હતા, એવા અત્યારે પણ છે. ગમે ત્યારે ભાવ વધી શકે છે. કારણ કે, ફોરેન કરન્સી પર લોકોનો ટ્રસ્ટ ઓછો થતો જાય છે. કરન્સી પ્લસ-માઈનસ થયા કરે પણ ગોલ્ડ એવું છે જે ખરીદી કરવાની તક આપે છે ને પછી ભાવ વધે ને વેચો ત્યારે સારો ફાયદો થાય છે. પહેલાં જે પ્રોબેબિલિટી હતી તે આજે પણ છે ને સોનાના ભાવ વધે તેવા ચાન્સ છે જ.
ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી સોનાની દાણચોરી અટકશે? જવાબમાં જતીનભાઈ કહે છે, ચોક્કસ. જે બીજા સોર્સથી સોનું આવતું હતું તે અટકશે. કારણ કે ઓછી ડ્યુટી બચાવવા માટે કોઈ બીજા રસ્તા નહીં અપનાવે. હું માનું છું કે જે જેન્યુઈન માણસો છે જે ઓફિસિયલી ઈમ્પોર્ટ કરીને ડ્યુટી ભરે છે તેના માટે સારી સ્થિતિ પેદા થશે. સોના પર સરકાર જીએસટી વધારશે તો શું થશે? જવાબમાં જતીનભાઈ કહે છે, જુઓ, જીઅસટી વધશે તો ખરીદીમાં ઈફેક્ટ પડવાની જ છે. કારણ કે જીએસટી વધશે તો પણ સોનાનો ભાવ વધી શકે છે. તે સલાહ આપતાં કહે છે, ઘરમાં પ્રસંગ આવતો હોય તો 50 કે 60 ટકા સોનું ખરીદી લેવાનો આ સારો સમય છે. ખરીદીમાં ઉતાવળ કરવી સારી છે. એમાં નુકસાન તો નથી જ. અહીંયા ડ્યુટી ઘટી પણ ઈન્ટરનેશલ માર્કેટમાં ભાવ વધી જશે તો સોનું જૂના ભાવે આવીને ઊભું રહી શકે છે.
લોકોએ હવે સોનું લેવા દુબઈ જવાની જરૂર નથી
અમદાવાદના કે.કે. જ્વેલર્સના ડાયરેક્ટર-પાર્ટનર રૂપલભાઈ શાહ કહે છે, ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી થઈ ને તેનાં કારણે સોનાના ભાવ ઓછા થયા છે એટલે હમણાં હમણાં લોકોનો ખરીદીનો પ્રવાહ ગોલ્ડ તરફ જ વળશે. કારણ કે ગોલ્ડ એવી ધાતુ છે જેની ખરીદી ને સંગ્રહ આદિકાળથી ચાલતા આવે છે. દુબઈ કરતાં પણ અહીં સસ્તું થઈ ગયું છે ને દુબઈ જે લોકો લોવા જતા હતા તે બંધ થઈ જશે. લોકો વિદેશથી પોતાના સગાં માટે લગડી, સિક્કા લાવતા હતા તે બધું બંધ થઈ જશે. તેના બદલે ભારતમાં સોનું વધારે વેચાશે ને સરકારની આવક વધશે. દાણચોરી સદંતર બંધ થઈ જશે.
અત્યારે ખરીદી કરવાનો સારો સમય છે. ઓગસ્ટ સુધીનો સારો સમય છે જેને દાગીના કે સોનું લેવું હોય તેના માટે. હજી પણ થોડા ભાવ ઘટે એવું લાગે છે. દિવાળીએ સોનાંના 10 ગ્રામનો ભાવ 80 હજાર ક્રોસ કરી જશે એવી સંભાવના હતી. તો શું લાગે છે? રૂપલભાઈ કહે છે, મને નથી લાગતું કે હવે આટલા બધા ભાવ વધે. પહેલાં એવી સંભાવના હતી પણ સરકારના આ નિર્ણય પછી આ વર્ષની દિવાળીએ તો ભાવ આકાશને નહીં જ આંબે. સરકાર સોનાં પર જીએસટી વધારશે તો શું થશે? જવાબમાં તે કહે છે, માનો કે ગોલ્ડ પર જીએસટી વધે તો તેનાથી ભાવમાં કોઈ ફેર નથી પડવાનો. જો સરકાર જીએસટી વધારશે તો લોકો રોકડેથી બિલ વગરનું સોનું લેતા થઈ જશે. જીએસટી વધશે તો ખરીદી સાવ ઘટી જશે પણ જો આ જ ભાવ ને આ જ જીએસટી રહેશે તો સરકારને સોલિડ ઈન્કમ થવાની છે. કસ્ટમ ડ્યુટી 15 ટકાના બદલે 6 ટકા થઈ ગઈ એટલે લોકો દાણચોરીનું સોનું જ લેતા બંધ થઈ જવાના છે. અત્યારે બિલથી લો તો સસ્તું મળે છે ને બિલ વગર મોંઘું મળે છે. અત્યારે બિલથી સોનું લેવું હોય તો સારો સમય છે. અઠવાડિયામાં લઈ શકાય એટલું લઈ લેવાય.
સોનામાં ચાર હજાર ઘટ્યા છે તો બીજા ચાર હજાર ઘટવાના નથી, પણ વધી શકે છે
રાજકોટના શ્રદ્ધા જ્વેલર્સના ડાયરેક્ટર ચેતનભાઈ કોટક કહે છે, અત્યારે ખરીદી કરી લેવી એ ગ્રાહકોના ફાયદામાં છે. માની લો કે પાંચસો-સાતસો ભાવ ઘટે પણ બીજા ચાર હજાર તો ઘટવાના જ નથી. પણ ચાર હજાર ઘટ્યા છે તે ગમે ત્યારે વધી શકે છે. એટલે જેટલી જલ્દી ખરીદી થાય એટલું ફાયદામાં છે. વેપારીઓને આનાથી કોઈ નુકસાન નથી પણ ઓછા ભાવના કારણે લોકોને ફાયદો ચોક્કસ છે. જેમની પાસે પૈસાની વ્યવસ્થા હોય તેમણે તક માનીને પણ સોનું લઈ લેવું જોઈએ. હું તો એમ કહું છું કે, ઘરમાં લગ્ન પ્રસંગ આવવાનો હોય, પછી ભલે વર્ષ પછી પ્રસંગ હોય પણ અત્યારે થોડું તો થોડું સોનું લઈ લેવું જોઈએ. પછી ભાવ વધી જાય ત્યારે પસ્તાવો થાય કે, આપણે ત્યારે લઈ લીધું હોત તો સારું થાત. ચેતનભાઈ કહે છે, સરકાર માનો કે જીએસટીમાં ફેરફાર કરતી નથી. એ જ રહે છે તો આવનારા સમયમાં સોનાની ખરીદી ખૂબ વધશે. ખરીદી વધશે એટલે આમ પણ ભાવ વધવાના છે. હા, ઈન્પોર્ટ ડ્યુટી ઘટવાથી સ્મગલિંગનું સોનું આવતું હતું તે બંધ થઈ જશે. 6 ટકા માટે કોઈ સ્મગલિંગની દોડાદોડી ન કરે.
સોનામાંથી કમાણી કરવાનો સરકારનો ગેમ પ્લાન સમજો
સોનીબજારના નિષ્ણાતોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, સરકારે સોના પર એકાએક 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરી એટલે 9 ટકાની ખોટ પૂરી કરવા વચલો રસ્તો કાઢવો પડે. સરકાર 9 ટકા ખોટ કરે શા માટે? એટલે ગુજરાતની સોનીબજારના જાણકારો માને છે કે, આવતા મહિને ઓગસ્ટમાં જીએસટી કાઉન્સીલની મિટિંગ છે. તેમાં સોના પર વધારાનો 9 ટકા જીએસટી લાગૂ કરી શકે. અત્યારે સોના પર 3 ટકા જીએસટી છે. તેમાં 9 ટકા જીએસટી વધારશે એટલે સોના પર 12 ટકા જીએસટી લાગૂ પડશે. જો આવું થશે તો સોનાના ભાવ હતા ત્યાં ને ત્યાં આવી જશે. અથવા ઘણા વધી જશે. એટલે સરકારનો ગેમ પ્લાન એવો છે કે, ઈમ્પોર્ડ ડ્યુટી ઘટાડીને સ્મગલિંગ રોકવું ને જીએસટી વધારીને ટેક્સથી વધારે કમાણી કરી લેવી.
સોનું સેઈફ ઈન્વેસ્ટમેન્ટ છે લોકો વધારે રોકાણ કરે છે
અમદાવાદના વસ્ત્રાલના ભૂમિ ગોલ્ડ પેલેસના માલિક મુકેશભાઈ મોદી કહે છે, અત્યારે ભાવ ઘટવાથી માર્કેટમાં ખરીદીનો ટ્રેન્ડ વધશે. સોનાનો ભાવ 10 ગ્રામના 75થી 77 હજારે પહોંચ્યો હતો. ત્યારે પણ સોનાની ડિમાન્ડ હતી જ. નહોતી એવું નહોતું. કારણ કે લોકો સોનામાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા લાગ્યા છે. આમ જુઓ તો સોનાનું માર્કેટ ઘટ્યું નથી પણ ડ્યુટી ઘટાડાની અસર દેખાય છે. સોનું એ સેઈફ ઈન્વેસ્ટમેન્ટ છે. સોનું એ અડધી રાતે કામ આવે એવી ધાતુ છે. પહેલાના જમાનામાં વડીલો સોનું ભેગું કરી રાખતા હતા, એ જ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. મને યાદ છે, કોરોનામાં ઘણાને સોનું કામ આવ્યું હતું. ત્યારે સોનું કાઢીને ઈલાજ કરાવ્યો હતો. સોનાના ભાવ હજી ઘટશે? મુકેશભાઈ કહે છે, એવી ગણતરી છે કે 10 ગ્રામે 1500થી 2 હજાર રૂપિયા ઘટશે પણ માર્કેટ અનસર્ટેન છે. સોનું ઈન્ટરનેશનલ માર્કેટ પર અને ડોલર પર વધારે આધાર રાખે છે. સોનું 75 હજાર રૂપિયા આસપાસ હતું ત્યારે ડોલરનો ભાવ 2350થી 2400 ચાલતો હતો. આજના દિવસે (25 જુલાઈએ) ડોલર 2375 આસપાસ ચાલે જ છે. એટલે અત્યારે ભાવમાં ઘટાડો ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જ થયો છે.
શેર બજારમાં રોકાણ કરાય કે સોનામાં?
શેરબજારમાં રોકાણ કરનારા લોકો પણ મુંઝાયા છે કે, હવે શેર બજારમાં રોકાણ કરાય કે સોનામાં? તેનો જવાબ એ છે કે, સોનામાં રોકાણ કરવું વધારે હિતાવહ છે. કારણ કે એક તો એ સેઈફ ઈન્વેસ્ટમેન્ટ છે. તેમાં કોઈ રિસ્ક નથી. શેરબજાર માટે બજેટમાં એવી તે શું જોગવાઈ આવી કે, રોકાણકારોએ વિચારવું પડે? જવાબમાં સ્ટોક માર્કેટ એક્સપર્ટ હિતેશ સોમાણી કહે છે, શેરબજારમાં લોન્ગટર્મ કેપિટલ ગેઈનમાં 10 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ થઈ ગયો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનમાં 15 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ થઈ ગયો. સામે એક ફાયદો એ છે કે, 75 હજારની આવક પર ટેક્સ નહોતો લાગતો તે સવા લાખની આવક પર નહીં લાગે. આનાથી ઈન્વેસ્ટર્સ શેર બજારમાં રોકાણ કરતાં વિચાર કરશે. એક બીજી વાત એ છે કે, જે લોકો ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હતા તેમાં STD (સ્ટાન્ડર્ડ ડિવિએશન) વધારી દીધો છે. પહેલાં 0.10% હતો તે 0.20% કરી દીધો છે. એનાથી થોડો ફેર પડશે. માનો કે, તમે 50 હજારના શેર ખરીદ્યા. તે વેચ્યા તો તમને 1.50 લાખ રૂપિયા મળ્યા તો પહેલાં આ દોઢ લાખ પર 10 ટકા ટેક્સ લાગતો તેના પર હવે 15 ટકા આપવો પડશે. એટલે મોટા રોકાણકારોને નુકસાન છે. 10-20-25 હજારના નાનાં રોકાણકારોને કોઈ ફેર પડશે નહીં. આનો સાર એ છે કે, 2- 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય અથવા તો એનાથી વધારે રકમનું રોકાણ કરવું હોય તો શેર બજાર કરતાં સોનું સારું.
સરકાર સોના પર જીએસટી વધારશે તો સોનું રોકડેથી લેનારા વધી જશે
અત્યારે લોકો સોનું ‘વ્હાઈટ’ના પૈસાથી ખરીદી રહ્યા છે તે કુલ બિલના 3 ટકા જીએસટી ચૂકવે છે. હવે આવતા મહિને જીએસટી કાઉન્સીલની મિટિંગમાં સોના પર જીએસટી વધારવાનો નિર્ણય લેવામાં આવે તો સોનાની ખરીદી પર ચોક્કસ અસર થશે. લોકો બિલ લઈને સોનું ખરીદતાં વિચારશે અને જેમની પાસે બ્લેકના રોકડા પૈસા પડ્યા હશે તેવા લોકો સોનું ખરીદી લેશે. સીધી વાત છે કે, જીએસટી વધવાથી સોનાની ખરીદી એકદમ ઘટી જશે. આ જ વાસ્તવિકતા છે. સરકાર સોના પર જીએસટી યથાવત રાખે તો વાંધો નથી, તો સવાલ એ થાય કે, સરકારનો ગેમ પ્લાન જીએસટી વધારવાનો નથી તો સોનામાંથી સરકાર 9 ટકા ડ્યુટીની ખોટ કેવી રીતે ભરશે?