નવી દિલ્હીએક કલાક પેહલા
- કૉપી લિંક
દેશમાં રોકાણકારોમાં હવે રોકાણ માટે પરંપરાગત માધ્યમો ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ પણ ઝડપી ગતિએ વધી રહ્યો છે. વર્ષ 2023ના પહેલા 11 મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં SIP મારફતે કુલ રોકાણ વધીને રૂ.1.66 લાખ કરોડ નોંધાયું છે. બીજી તરફ સેબીની ટિકિટ સાઇઝને ઘટાડીને રૂ.250 કરવાના નિર્ણયથી રોકાણને વધુ વેગ મળશે. વર્ષ 2022ના પહેલા 11 મહિના દરમિયાન એસઆઇપી મારફતે કુલ રૂ.1.5 લાખ કરોડનું રોકાણ નોંધાયું હતું.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) અનુસાર વર્ષ 2021, 2020માં એસઆઇપી મારફતે રોકાણ અનુક્રમે રૂ.1.14 લાખ કરોડ અને રૂ.97,000 કરોડ નોંધાયું હતું. મજબૂત ઇકોનોમિક આઉટલુક અને માર્કેટ ભાગીદારીમાં વૃદ્ધિથી, રોકાણકારો આગણ પણ SIPમાં રોકાણ કરવાનું યથાવત્ રાખશે. માર્કેટમાં મજબૂતી, પોઝિટિવ રિટર્ન દર્શાવે છે કે SIPsમાં વર્ષ 2024 દરમિયાન પણ રોકાણનો ગ્રાફ સતત ઉપર તરફ જોવા મળશે. આ વર્ષે નવેમ્બર સુધીમાં એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રૂ.1.66 લાખ કરોડ રહ્યું છે.
માર્કેટ નિષ્ણાતોના મતે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાગૃતિ માટેના કાર્યક્રમો, ઇક્વિટી રોકાણ પર મજબૂત રિટર્ન તેમજ રોકાણ માટેની સરળ પ્રક્રિયા જેવા પરિબળોને કારણે એસઆઇપી હવે રોકાણ માટેનું લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે.
SIPમાં ટિકિટ સાઇઝને ઘટાડીને રૂ.250 કરવાની કવાયત
મ્યુચ્યુઅલ ફંડનો વધતા ચલણ વચ્ચે હવે સેબી SIPમાં લઘુતમ રોકાણ માટેની રકમ એટલે કે ટિકિટ સાઇઝ ઘટાડીને રૂ.250 કરવાની કવાયત કરી રહી છે. જેનાથી ઓછી આવક ધરાવતા લોકો માટે પણ SIPમાં રોકાણ કરવાનો માર્ગ મોકળો બનશે અને એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં લોકોની ભાગીદારીમાં પણ વૃદ્ધિ શક્ય બનશે.