14 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. ત્યારે તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની સીધી અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પડશે તેવી આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચતા આઈટી – ટેકનોલોજી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે બજાર ખુલ્યું ત્યારે ડોલર સામે રૂપિયો 60 પૈસાથી વધુ ઘટીને 87ના સ્તરને પાર કરી 87.29 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોચી ગયો હતો, જયારે ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.71% વધીને 76.21 ડોલર પ્રતિ બેરલના ભાવ પર ટ્રેડ થઇ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.89% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.77% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડયુરેબલ, ફોકસ્ડ આઇટી, ટેક, આઇટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4184 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2877 અને વધનારની સંખ્યા 1139 રહી હતી, 168 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23442 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23202 પોઈન્ટના પ્રથમ અને 23088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23533 પોઈન્ટ થી 23606 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49505 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49180 પોઈન્ટ પ્રથમ અને 49009 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49575 પોઈન્ટ થી 49636 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ લુપિન લિ. ( 2040 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2008 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1980 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2062 થી રૂ.2074 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2080 ઉપર તેજી તરફી ધ્યાન…!! એચસીએલ ટેક્નોલોજી ( 1701 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1680 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1655 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1733 થી રૂ.1740 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
મુથુત ફાઈનાન્સ ( 2181 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.2208 આસપાસ વેચવાલી થકી રૂ.2160 થી રૂ.2144 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2230 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઓબેરોય રિયલ્ટી ( 1800 ) :- રૂ.1844 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1850 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1787 થી રૂ.1773નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1855 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, અમેરિકન પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો.
આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. અને આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.