16 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ અને કાશ્મીરમાં પણ સારો એવો પ્રતિસાદ મળવા ઉપરાંત આરબીઆઈ દ્વારા જીડીપી ગ્રોથ પોઝિટિવ હોવાની જાહેરાત સાથે શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં ગત સપ્તાહે કરેક્શન નોંધાયા બાદ હવે ફરી સ્થિર બન્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખ્યા છતાં વ્યાજ દરમાં હવે પછી ઘટાડાના સંકેત આપતાં બેંકિંગ શેરોમાં આરંભિક આકર્ષણ સાથે ફંડોએ તેજી કરી હતી.
શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વિજયી હેટ્રિકના પગલે ફંડો, મહારથીઓએ મોટું શોર્ટ કવરિંગ કરતાં બાઉન્સ બેક થયું હતું. બીજી તરફ ચાઈનામાં આર્થિક વિકાસને વેગ આપવા વધુ સ્ટીમ્યુલસ જરૂરી હોવાના અહેવાલે એશીયાના અન્ય બજારોની તેજીને બ્રેક લાગ્યા સાથે ચાઈનાના અઠવાડિયા બાદ ખુલેલા બજારોમાં તેજી છતાં હોંગકોંગના હેંગસેંગમાં 2173 પોઈન્ટનો કડાકો અને જાપાનના નિક્કીમાં 395 પોઈન્ટના ઘટાડાથી વિપરીત ભારતીય બજારોમાં ચૂંટણી પરિણામના પોઝિટીવ પરિબળે અને ઓવરસોલ્ડ બજારમાં શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોનું ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોએ ખરીદી કરી હતી.
સપ્તાહના અંતે ઈઝરાયેલ દ્વારા તેના પર ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલાનો સમય પર જવાબ આપવાની એ સમયે પ્રતિક્રિયા બાદ હવે ઈઝરાયેલ દ્વારા આ હુમલા પર નિર્ણય લેવાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ચાઈનામાં નવા મેગા સ્ટીમ્યુલસની માંગ વચ્ચે વોલેટીલિટી રહી હતી. ઈરાન પર ઈઝરાયેલના વળતાં પ્રહારની તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ચાઈનામાં પાછલા દિવસોમાં સ્ટીમ્યુલસ પેકેજ બાદ આવેલી રિકવરી છતાં ચાઈનાના બજારોએ આર્થિક રિકવરી માટે હજુ મોટું સ્ટીમ્યુલસ-રાહત પેકેજ જરૂરી હોવાની માંગ કરતાં ચાઈનીઝ બજારોમાં ફરી કડાકા વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ઉછાળે ફરી આંચકા આવ્યા હતા. ચાઈના ગમે તે ઘડીએ પેકેજ જાહેર કરે એવી એક શકયતા અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા પણ ગમે તે ઘડીએ ઈરાનને તેના પરના મિસાઈલોના હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવે એવી શકયતાએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો રહયો હતો.
બજારની ભાવી દિશા… મિત્રો, કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી 7% કર્યો છે. ભારતમાં ઉપભોગતાઓનો શ્રેષ્ઠ વર્ગ ઊભરી રહ્યો છે જે અર્થતંત્રને આગળ લઈ જઈ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષ માટેની ફુગાવાની ધારણાંને પણ રિઝર્વ બેન્કે 4.50% યથાવત રાખી છે. 2024 માટે દક્ષિણ એશિયા માટેના અંદાજને 6% પરથી વધારી વર્લ્ડ બેન્કે 6.40% કર્યો છે. ભારતમાં મજબૂત માગ અને શ્રીલંકા તથા પાકિસ્તાનમાં ઝડપી રિકવરીને ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો આવી પડયો છે. આગામી બે વર્ષમાં પણ દક્ષિણ એશિયામાં આર્થિક વિકાસ દર 6.20% જેટલો મજબૂત જોવા મળશે એમ વર્લ્ડ બેન્ક દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરને જાળવી રાખવા દક્ષિણ એશિયાના દેશોએ આર્થિક સુધારા કાર્યક્રમોને વળગી રહેવું પડશે.
વિશ્વ જીઓપોલિટીકલ ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ રશીયા અને યુક્રેન વચ્ચેનું યુદ્વ હજુ શમ્યું નથી, ત્યારે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈનમાં હમાસનો ખાતમો બોલાવ્યા બાદ લેબનોનમાં હિઝબુલ્લાને જમીનદોસ્ત કરવાની બતાવેલી આક્રમકતાં બાદ હવે ઈરાન પણ ઈઝરાયેલની આક્રમકતાને જોઈ હિઝબુલ્લાના સમર્થનમાં ઈઝરાયેલ પર ગત સપ્તાહમાં કરેલા બેલેસ્ટિક મિસાઈલોના મારાના પરિણામે ઈઝરાયેલ હવે ગમે તે ઘડીએ ઈરાન પર વળતો પ્રહાર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે.અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે. ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નથી. એમાં પણ અમેરિકામાં ચૂંટણી નજીક હોઈ બાઈડન સરકાર ઈચ્છશે નહીં મિડલ ઈસ્ટમાં ન્યુક્લિયર યુદ્ધ થાય. આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે. ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે. જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા ઝરૂરી બન્યું છે. વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
એનબીસીસી (ઈન્ડિયા) લિ. ( BSE CODE – 534309 ) NBCC (ઇન્ડિયા) લિ. ની સ્થાપના ભારત સરકારની સંપૂર્ણ માલિકીના ઉપક્રમ તરીકે હાઉસિંગ એન્ડ સપ્લાય મંત્રાલય (MoWHS) હેઠળ કરવામાં આવી હતી જે હવે શહેરી વિકાસ મંત્રાલય (MoUD) તરીકે ઓળખાય છે. નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (NBCC) લિમિટેડને 15 નવેમ્બર 1960ના રોજ પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. NBCC (ઇન્ડિયા) અગાઉ નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ એ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની ભારત સરકારની નવરત્ન એન્ટરપ્રાઇઝ છે. વર્ષ 1977માં NBCCએ વિદેશી બજારમાં સાહસ કર્યું અને લિબિયા, ઇરાક, યમન, નેપાળ, માલદીવ્સ, મોરિશિયસ, તુર્કી અને બોત્સ્વાના જેવા દેશોમાં વિવિધ અને જટિલ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કંપનીની સરકારી મિલકતોનો પુનઃવિકાસ, રસ્તાઓ, હોસ્પિટલો અને મેડિકલ કોલેજ, સંસ્થાઓ, ઓફિસો, એરપોર્ટ્સ તેમજ બ્રિજ બનાવતી અગ્રણી કંપની છે. એનબીસીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં તેમજ ઇપીસી તરીકે ઓળખાતી કામગીરી કરી રહી છે જેમાં તે ચીમની, કૂલિંગ, ટાવર અને વિવિધ પ્રકારના પાવર પ્લાન્ટ વર્ક્સ જેવા પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરી રહી છે. એનબીસીસી (ઈન્ડિયા) લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.01 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.30,807.00 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.4.87 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.139.90 અને ઘટીને રૂ.40.52 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : જુન – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 61.75% અને પબ્લિકનું હોલ્ડીંગ 38.25% આવેલ. બોનસ શેર : વર્ષ 2024 માં 1:2 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.0.1350, વર્ષ 2021માં શેરદીઠ રૂ.0.47, વર્ષ 2022માં શેરદીઠ રૂ.0.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.0.54 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.0.63 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.5546.62 કરોડની તુલનાએ વધીને રૂ.6736.31 કરોડ મેળવીને એનપીએમ 3.43% થકી ચોખ્ખો નફો રૂ.182.86 કરોડની તુલનાએ વધીને રૂ.231.14 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.28 નોંધાવી છે. (2) ચોથું ત્રિમાસિક જાન્યુઆરી 2024 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1918.60 કરોડથી વધીને રૂ.3031.90 કરોડ મેળવીને એનપીએમ 3.37% થકી ચોખ્ખો નફો રૂ.93.67 કરોડની તુલનાએ વધીને રૂ.102.29 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.57 નોંધાવી છે. (3) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.3031.90 કરોડથી ઘટીને રૂ.1627.34 કરોડ મેળવીને એનપીએમ 5.32% થકી ચોખ્ખો નફો રૂ.102.29 કરોડની તુલનાએ ઘટીને રૂ.86.63 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.48 નોંધાવી છે. સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.114 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.103 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.127 થી રૂ.134 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.137 ઉપર તેજી તરફી ધ્યાન.
આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લિ. ( BSE CODE – 539437 ) આઈડીએફસી ફર્સ્ટ બેન્ક એ આઈડીએફસી લિમિટેડની પેટાકંપની છે. આઈડીએફસી લિ. ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 22 હેઠળ ખાનગી ક્ષેત્રમાં નવી બેંક સ્થાપવા માટે 9 એપ્રિલ 2014ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈમાં મુખ્યમથક ધરાવતી આઈડીએફસી ફર્સ્ટ બેન્ક એક સાર્વત્રિક બેંક છે જે તેની દેશવ્યાપી શાખાઓ ઈન્ટરનેટ અને મોબાઈલ દ્વારા નાણાકીય ઉકેલો ઓફર કરે છે. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બચત ખાતા, એનઆરઆઈ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, હોમ લોન અને પર્સનલ લોન જેવી મૂળભૂત સેવાઓ પ્રદાન કરે છે અને બેંકિંગને કોઈપણ સમયે અને ગમે ત્યાંથી સરળ અને સુલભ બનાવવા માટે સેવાલક્ષી અભિગમનો ઉપયોગ કરે છે. બેંક કોર્પોરેટ વ્યક્તિઓના નાના અને સૂક્ષ્મ સાહસો (SMEs) સાહસિકો નાણાકીય સંસ્થાઓ અને સરકારને કસ્ટમાઇઝ્ડ નાણાકીય ઉકેલો પ્રદાન કરે છે. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લિ. પ્રાઈવેટ બેન્ક સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.54,160.01 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.12.89 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.93.13 અને ઘટીને રૂ.70.43 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 35.37% અને પબ્લિકનું હોલ્ડીંગ 64.63% આવેલ. નાણાકીય પરિણામ : (૧) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.22,727.54 કરોડની તુલનાએ વધીને રૂ.30,322.50 કરોડ મેળવીને એનપીએમ 9.75% થકી ચોખ્ખો નફો રૂ.2437.13 કરોડની તુલનાએ વધીને રૂ.2956.51 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.32 નોંધાવી છે. (૨) ચોથું ત્રિમાસિક જાન્યુઆરી 2024 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.7879.40 કરોડથી વધીને રૂ.8219.21 કરોડ મેળવીને એનપીએમ 8.81% થકી ચોખ્ખો નફો રૂ.715.68 કરોડની તુલનાએ વધીને રૂ.724.35 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.02 નોંધાવી છે. (૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ 2024 થી જુન 2024 : ચોખ્ખું વેચાણ રૂ.8219.21 કરોડથી વધીને રૂ.8788.60 કરોડ મેળવીને એનપીએમ 7.74% થકી ચોખ્ખો નફો રૂ.724.35 કરોડની તુલનાએ ઘટીને રૂ.680.65 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.96 નોંધાવી છે. પ્રાઈવેટ બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.72 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.67 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.83 થી રૂ.90 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.93 ઉપર તેજી તરફી ધ્યાન…!!