- Gujarati News
- Business
- Investment Point Significant Rise In Indian Stock Market On The Second Day Of The Week
9 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં આજે પણ ટેરિફવૉરમાં 90 દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આકરી ટેરિફ નીતિના નિર્ણયોને પરિણામે કોર્પોરેટ અમેરિકા અને સ્થાનિક લોકોના આકરાં વિરોધનો સામનો કરવાનો વખત આવતાં હવે રોલબેક કરવાની પડી રહેલી ફરજના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુધારા સાથે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતી સામે ટેરિફવૉરના કારણે ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીએ નોંધાતા અને યુએસ બોન્ડ માર્કેટમાં પણ કડાકો થતાં વિદેશી રોકાણ વધવાની શક્યતા સાથે સ્થાનિક સ્તરે આરબીઆઇ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ રજુ કરતા આજે ભારતીય શેરબજાર અંદાજીત 2%થી વધુના ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 3.02% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.21% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કોમોડિટીઝ, મેટલ અને સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4257 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 785 અને વધનારની સંખ્યા 3302 રહી હતી, 170 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 15 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. 0.36% અને હિન્દુસ્તાન યુનીલીવર 0.23% ઘટ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 6.84%, ટાટા મોટર્સ 4.50%, લાર્સેન લિ. 4.50%, એકસિસ બેન્ક 4.18%, અદાણી પોર્ટ 4.02%, એચડીએફસી બેન્ક 3.23%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.86%, એચસીએલ ટેકનોલોજી 2.61% અને મહિન્દ્રા & મહિન્દ્રા 2.42% વધ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23340 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23088 પોઈન્ટના પ્રથમ અને 23008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23404 પોઈન્ટ થી 23474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52383 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52188 પોઈન્ટ પ્રથમ અને 52008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 52505 પોઈન્ટ થી 52570 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 52606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ સન ફાર્મા ( 1708 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1680 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1663 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1724 થી રૂ.1730 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1737 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1571 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1534 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1518 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1588 થી રૂ.1600 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1592 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1623 આસપાસ વેચવાલી થકી રૂ.1573 થી રૂ.1560 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1630 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1429 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1454 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1408 થી રૂ.1390 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે.
ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા 90 દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી 90 દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.