52 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતોના જણાતા તેમજ રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતા ગત સપ્તાહે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો.
અમેરિકા દ્વારા ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
બજારની ભાવી દિશા….
મિત્રો, આ વર્ષે જે આર્થિક ઘટનાઓ બની છે તેના પરિણામોને લઈને વિશ્વભરમાં ઘણી ચિંતા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે તેમના આર્થિક અંદાજો જાહેર કર્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે કે 2025માં વિશ્વની અર્થવ્યવસ્થા 3.3%ના દરે વૃદ્ધિ પામશે, જ્યારે વિશ્વ બેંકે 2.7% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. સ્થાનિક સ્તરે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના પ્રથમ અંદાજ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.4%ના દરે વૃદ્ધિ પામશે. ગત નાણાકીય વર્ષમાં હાંસલ કરાયેલ 8.2%ની ગતિ કરતાં આ ઘણી ધીમી છે.
માત્ર મધ્યમ ગાળામાં વૃદ્ધિની આગાહીઓ જ પડકારજનક નથી, નજીકના ભવિષ્યમાં પણ ઘણા જોખમો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સંકેત આપ્યો છે કે ટેરિફના નવા નીતિનિયમોઓ વેપાર તણાવમાં વધારો કરી શકે છે, રોકાણમાં ઘટાડો કરી શકે છે, બજારની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. સંરક્ષણવાદી નીતિઓ સાથે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી જે પ્રકારની નાણાકીય નીતિની અપેક્ષા છે તે નજીકના ભવિષ્યમાં અમેરિકાના વિકાસ દરમાં વધારો કરી શકે છે. પરંતુ આનાથી રાજકોષીય અને નાણાકીય નીતિઓમાં ભારે ફેરફારો થઈ શકે છે જે સમગ્ર વિશ્વમાં નાણાંની અસર અને ડોલરની મજબૂતાઈને કારણે રૂપિયા પર દબાણ ચાલુ રહેવાની સંભાવના છે.
યુએસ ફેડરલ રિઝર્વે તેના અંદાજમાં સુધારો કર્યા બાદ અને રેટ કટની ગતિ ધીમી રહેશે તે પછી સમગ્ર વિશ્વમાં બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો. જો કે ઘણા લોકો ફેડના વલણને બદલવાની વાત કરી રહ્યા નથી, પરંતુ જો અમેરિકામાં નબળી રાજકોષીય નીતિની સાથે ટેરિફમાં વધારો થશે, તો ફેડને તેના વલણ પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. જો દરમાં વધારો થશે તો વૈશ્વિક બજારોમાં ભારે અફડાતફડી થઈ શકે છે તેથી સ્થાનિક સ્તરે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ( BSE CODE – 530965 ) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના વર્ષ 1959માં ઈન્ડિયન ઓઈલ કંપની લિમિટેડ તરીકે થઈ હતી. વર્ષ 1964માં ઈન્ડિયન રિફાઈનરીઝ લિ. નું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સાથે વિલીનીકરણ થયું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ ભારતની મુખ્ય મહારત્ન રાષ્ટ્રીય ઓઈલ કંપની છે, જે સમગ્ર હાઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનને રિફાઈનિંગ પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગથી લઈને ક્રૂડ ઓઈલ અને ગેસ પેટ્રોકેમિકલ્સ સાથે ગેસ માર્કેટિંગ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે અગ્રેસર છે. કંપનીના પ્રમોટર એટલે કે ભારતના રાષ્ટ્રપતિ પાસે અંદાજીત કુલ ઇક્વિટી શેર મૂડીના 52.18% ઇક્વિટી શેરનો હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. વર્ષ 2017-18માં રૂ.21,346 કરોડના વિક્રમી નફા સાથે ભારતની સૌથી નફાકારક PSU કંપની હતી. ડેલેક, કતાર એનર્જી, સાઉદી અરામ્કો, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની અને નેશનલ ઈરાની ઓઈલ કંપની તેના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર્સ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.1,71,784.86 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.3.00 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.185.95 અને ઘટીને રૂ.114.35 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 51.50% અને પબ્લિકનું હોલ્ડીંગ 48.50% આવેલ. બોનસ શેર : વર્ષ 2022 માં 1:2 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.17.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.6.40, વર્ષ 2023માં શેરદીઠ રૂ.8.00 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.7.00 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.7,28,459.94 કરોડની તુલનાએ વધીને રૂ.9,34,952.66 કરોડ મેળવીને એનપીએમ 0.88% થકી ચોખ્ખો નફો રૂ.24,184.10 કરોડની તુલનાએ ઘટીને રૂ.8,241.82 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.5.98 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2,15,988.76 કરોડથી ઘટીને રૂ.1,95,148.94 કરોડ મેળવીને એનપીએમ 0.09% થકી ચોખ્ખો નફો રૂ.2,643.18 કરોડની તુલનાએ ઘટીને રૂ.180.01 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.13 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1,95,148.94 કરોડથી વધીને રૂ.2,16,649.47 કરોડ મેળવીને એનપીએમ 1.33% થકી ચોખ્ખો નફો રૂ.180.01 કરોડની તુલનાએ વધીને રૂ.2873.53 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.09 નોંધાવી છે. ઝીરો પ્રમોટર પ્લેજ ધરાવતી આ કંપનીએ મુખ્ય વ્યવસાયમાંથી મજબૂત રોકડ ઉત્પાદન કરીને છેલ્લા 2 વર્ષથી કામગીરીમાંથી રોકડ પ્રવાહમાં સુધારો કર્યો છે તેમજ વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ જોવા મળી છે. રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.121 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.103 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.137 થી રૂ.144 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.144 ઉપર તેજી તરફી ધ્યાન…!!
યુકો બેન્ક ( BSE CODE – 532505 ) યુકો બેંકની સ્થાપના વર્ષ 1943માં ધ યુનાઈટેડ કોમર્શિયલ બેંક લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. જુલાઈ 1969 માં બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 100% માલિકી ભારત સરકાર દ્વારા લેવામાં આવી. ત્યાર બાદ બેંકે ઝડપથી વિસ્તરણ કર્યું અને 30 ડિસેમ્બર 1985માં બેંકનું નામ બદલીને UCO બેંક કરવામાં આવ્યું હતું. બેંક તેમના ગ્રાહકોને બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે જેમાં એનઆરઆઈ લોન સ્કીમ્સ ડિપોઝિટ સ્કીમ્સ અને વેલ્યુ એડેડ ઈ-બેંકિંગ સોલ્યુશન્સ માટે આંતરરાષ્ટ્રીય બેંકિંગ સેવાઓનો સમાવેશ થાય છે. બેંકની મુખ્ય કચેરી કોલકાતામાં આવેલી છે. યુકો બેંક ભારતમાં પ્રત્યક્ષ કર વસૂલાત માટે અધિકૃત શાખાઓ પણ ધરાવે છે. યુકો બેંકની સમગ્ર ભારતમાં ફેલાયેલી બેંકની 34 પ્રાદેશિક કચેરીઓ અને 230 શાખાઓ છે. સિંગાપોર અને હોંગકોંગમાં બે મહત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રોમાં ચાર વિદેશી શાખાઓ અને કુઆલાલંપુર મલેશિયા અને ચીનમાં ગુઆંગઝુ ખાતે પ્રતિનિધિ કચેરીઓ સાથે બેંકની આંતરરાષ્ટ્રીય હાજરી છે. યુકો બેન્ક પબ્લિક બેન્ક સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.46,676.06 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.1.37 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.62.29 અને ઘટીને રૂ.36.90 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 95.39% અને પબ્લિકનું હોલ્ડીંગ 4.61% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2024માં શેરદીઠ રૂ.0.28 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.17,650.51 કરોડની તુલનાએ વધીને રૂ.21,854.34 કરોડ મેળવીને એનપીએમ 7.57% થકી ચોખ્ખો નફો રૂ.1862.34 કરોડની તુલનાએ ઘટીને રૂ.1653.74 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.38 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.6,023.99 કરોડથી વધીને રૂ.6,078.36 કરોડ મેળવીને એનપીએમ 9.92% થકી ચોખ્ખો નફો રૂ.550.96 કરોડની તુલનાએ વધીને રૂ.602.74 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.50 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.6,078.36 કરોડથી વધીને રૂ.6219.96 કરોડ મેળવીને એનપીએમ 10.27% થકી ચોખ્ખો નફો રૂ.602.74 કરોડની તુલનાએ વધીને રૂ.638.83 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.53 નોંધાવી છે. ઝીરો પ્રમોટર પ્લેજ ધરાવતી આ કંપનીમાં વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ અને છેલ્લા 4 ક્વાર્ટરથી દર ક્વાર્ટરમાં આવકમાં વધારો જોવા મળ્યો છે, ઉપરાંત છેલ્લા 2 વર્ષથી શેર દીઠ બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. પબ્લિક બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.38 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.30 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.44 થી રૂ.50 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.50 ઉપર તેજી તરફી ધ્યાન…!!