1 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા બાદ 900 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી ફ્યુચર પણ 22600નું લેવલ તોડી 22572 થયો હતો. રોકાણકારોએ વધુ રૂ.4.09 લાખ કરોડ ગુમાવ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરુદ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે. જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જેથી રોકાણકારો સાવચેત બન્યા છે. બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે. ગત શુક્રવારે વધુ 3449.15 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું.
અમેરિકાની આર્થિક ગિતિવિધિઓ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. જેના પગલે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટ્રેડ વોર નીતિના કારણે ફુગાવો વધવાની દહેશત વધી છે. ગ્રાહક માગ પણ નબળી પડી છે.
ટેક્નિકલી માર્કેટ ઓવરવેલ્યૂડ ભારતીય શેરબજાર છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત ગ્રોથ સાથે તેજીમાં રહ્યા છે. જેથી માર્કેટમાં મોટું કરેક્શન અનિવાર્ય હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોવિડ મહામારી બાદ 2025માં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે તૂટ્યા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4200 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2811 અને વધનારની સંખ્યા 1207 રહી હતી, 182 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 220 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 360 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બાટા ઇન્ડિયા 2.91%, ગ્લેનમાર્ક ફાર્મા 2.26%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.46%, ઇપ્કા લેબ 0.94%, વોલ્ટાસ 0.72%, ઈન્ડીગો 0.52%, કોટક મહિન્દ્રા બેન્ક 0.45% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી 3.24%, ઈન્ફોસીસ 2.77%, ટીસીએસ 2.70%, ભારતી ઐરટેલ 2.12%, ટેક મહિન્દ્રા 1.97%, જીન્દાલ સ્ટીલ 1.86%, લાર્સેન 1.57%, એસીસી 1.42%, ગ્રાસીમ 1.37% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22612 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22808 પોઈન્ટના પ્રથમ અને 22880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22570 પોઈન્ટ થી 22505 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48793 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48979 પોઈન્ટ પ્રથમ અને 49009 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48676 પોઈન્ટ થી 48606 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49009 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1217 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1180 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1163 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1233 થી રૂ.1240 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1247 ઉપર તેજી તરફી ધ્યાન.
એસીસી લિ. ( 1851 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1780 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1873 થી રૂ.1880 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
હિન્દુસ્તાન યૂનિલિવર ( 2242 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાયવર્સીફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.2280 આસપાસ વેચવાલી થકી રૂ.2208 થી રૂ.2188 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2303 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ઈન્ફોસિસ લિ. ( 1765 ) :- રૂ.1788 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1797 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1733 થી રૂ.1717 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1808 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતીય શેરબજારમાં પાછલા દિવસોમાં જોવાયેલા મોટા ઘટાડાના દોરમાં હજુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) શેરોમાં સતત વેચી રહ્યા છે. જેના કારણે સેન્સેક્સ, નિફટીમાં ઘટાડો આગળ વધી મહત્વના લેવલ ગુમાવી રહ્યા છે. નિફટીએ 22600નું મહત્વનું લેવલ ગુમાવ્યું છે. સેન્સેક્સ પણ 74000ની સપાટી ગુમાવવાની તૈયારીમાં છે. જે જોતાં હજુ પરિસ્થિતિ અનિશ્ચિતતા સાથે જોખમી જોવાઈ રહી છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ અટક્યા બાદ સાવચેતીમાં ફરી વેચવાલી જોવાઈ રહી હોઈ નવી ખરીદીમાં ઉતાવળ કરવી હાલ તુરત હિતાવહ નથી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ફફડાટ અને યુક્રેન મામલે રશિયા સાથે દોસ્તીના ખેલાતાં દાવ અને યુરોપને ભીંસમાં મૂકતી રણનીતિ સામે બીજી તરફ ચાઈના મામલે કુણું વલણ અપનાવી ટ્રેડ ડિલ શક્ય હોવાના નિવેદનો કરતાં રહી અત્યારે વિશ્વને અનિશ્ચિતતામાં રાખી વૈશ્વિક બજારોમાં પણ સતત અસ્થિરતા કાયમ રાખી છે. ટ્રમ્પના ટ્રેડ વોર વચ્ચે હવે અન્ય દેશોની સાથે ભારત પણ માથું ઉંચકવા લાગી જેવા સાથે તેવાની નીતિમાં સ્ટીલ, મેટલ ઉત્પાદકો તેમને આયાત ડયુટી વધારીને રક્ષણ આપવા સરકાર સમક્ષ દબાણ કરવા લાગ્યા છે. ટ્રમ્પની 25% ટેરિફ લાદવાના નિર્ણયે ફાર્મા, ઓટો ઉદ્યોગને ફફડાટમાં લાવી મૂક્યો છે, ભારતે ઈલેક્ટ્રિક વાહનોની આયાત પર ડયુટીમાં વધુ ઘટાડો કરવા મજબૂર બનવું પડે એવા સંકેતે વૈશ્વિક વેપાર સમીકરણો ઝડપી બદલાતાં જોવાઈ રહ્યા છે.