- Gujarati News
- Business
- Investment Point The Stock Market Fell Sharply On Tuesday After The Upheaval In The Election Results
4 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સામાન્ય ચૂંટણીના પરિણામોમાં એનડીએ સરકારને બમ્પર બહુમતી ન મળવાને કારણે મંગળવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો.દિવસભર શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.મંગળવારે શેરબજારના નબળા કામકાજને કારણે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 8% ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 પણ લગભગ 8% તૂટી ગયો હતો. બીએસઇ સ્મોલ કેપ ઈન્ડેક્સ 7% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સ 4389.73 પોઈન્ટ ઘટીને 72079ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર 1433 પોઈન્ટ ના ઘટાળા સાથે 21975ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર 3988 પોઈન્ટ ના ઘટાળા સાથે 47295ના સ્તર પર બંધ થયો હતો.
મંગળવારે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં કોરોના સંકટ પછી એક દિવસમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલને ખોટો ઠેરવતાં શેરબજાર આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થયુ હતું. સેન્સેક્સમાં એક તબક્કે 6200 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. રોકાણકારોએ એક દિવસમાં સૌથી વધુ રૂ.46 લાખ કરોડ ગુમાવ્યા હતા. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ઉદાસીનતા સતત દેખાઈ રહી છે અને તે સતત વધી રહી છે. તમે તેનો અંદાજો લગાવી શકો છો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સએ મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી 35,586 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ 2024 માં આ આંકડો રૂ.8700 કરોડ હતો. લગભગ બે દાયકા પછી FPI દ્વારા આટલો મોટો ઉપાડ કરવામાં આવ્યો છે.
મંગળવારે શેરબજારમાં ભારે ઘટાડા છતાં, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, નેસ્લે ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, સિપ્લા અને ટીસીએસના શેરમાં વધારો નોંધાયો હતો, મંગળવારે શેરબજારમાં કામકાજમાં 80% કંપનીઓના શેર નબળાઈ પર કામ કરી રહ્યા હતા.જ્યારે ટોપ લૂઝર્સની શ્રેણીમાં અદાણી પોર્ટ્સ 21%, 20% તૂટ્યા હતા,અદાણી એન્ટરપ્રાઈઝ, ઓએનજીસી 17%, એનટીપીસી 15% એસબીઆઈ 14% અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર 13%નો ઘટાળો જોવાયો,સાથે સાથે રિલાયન્સ,લ્યુપીન, ઈન્ડીગો,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાલક્રિષ્ણ ઇન્ડ.,ગ્રાસીમ,વોલ્ટાસ ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક ઘટાડે વેપાર થયા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3934 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3349 અને વધનારની સંખ્યા 488 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 21975 ) :– આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21676 પોઇન્ટના પ્રથમ અને 21606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22008 પોઇન્ટથી 22108 પોઇન્ટ, 22188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47295 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47808 પોઇન્ટના પ્રથમ અને 48008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47180 પોઇન્ટથી 47007 પોઇન્ટ,46909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2810 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2770 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2744 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2838 થી રૂ.2850 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2870 ઉપર તેજી તરફી ધ્યાન.
ટીવીએસ મોટર્સ ( 2227 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2202 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2180 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2247 થી રૂ.2250 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એસીસી લિ. ( 2278 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.2320 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2260 થી રૂ.2233 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2350 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ગ્રાસીમ ( 2260 ):- રૂ.2308 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2323 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2237 થી રૂ.2220 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2330 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોમાં મુખ્ય કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની એનડીએને અપેક્ષિત બેઠક ન મળી હોવાનું છે. એક્ઝિટ પોલના અંદાજોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361 – 401 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ પરિણામના દિવસે સમાચાર લખાયા ત્યાં સુધી એનડીએ 294 બેઠકો પર લીડ કરતી જોવા મળી છે. એક્ઝિટ પોલના અંદાજો ખોટા ઠરતાં રોકાણકારો નિરાશ થયા છે. શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ ચૂંટણી પરિણામો સાથે સંકળાયેલું છે. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા, તેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ જ્યારે મંગળવારે મતો શરૂ થયા ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા નથી. તેની અસર શેરબજારમાં ઘટાડા સ્વરૂપે પણ જોવા મળી હતી અને જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ શેરબજારમાં ઘટાડો પણ સતત વધતો જણાતો હતો.
એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થતા નથી, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને વિદેશી રોકાણકારોની ઉદાસીનતાએ શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી છે.આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.