નવી દિલ્હી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કરીને તમે સરળતાથી મોટું ફંડ બનાવી શકો છો. તમે દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ જમા કરાવતા રહો અને જ્યારે તે 5 વર્ષ પછી પુરી થશે ત્યારે તમારા હાથમાં મોટી રકમ હશે.
આટલું જ નહીં, જો તમને વચ્ચે પૈસાની જરૂર હોય, તો તમે તેને તોડ્યા વિના RD સામે લોન પણ લઈ શકો છો. આમાં પર્સનલ લોનની સરખામણીમાં ઓછા વ્યાજે લોન મળે છે. અહીં અમે તમને પોસ્ટ ઓફિસ RD સામે લોન લેવાના નિયમો અને શરતો વિશે જણાવી રહ્યા છીએ.
સૌથી પહેલા સમજો કે RD શું છે? પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ અથવા RD તમને મોટી બચતમાં મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંકની જેમ કરી શકો છો. મતલબ, જ્યારે તમારો પગાર આવે છે ત્યારે તમે દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ જમા કરાવતા રહો,અને જ્યારે તે 5 વર્ષ પછી પરિપક્વ થાય છે, ત્યારે તમારા હાથમાં મોટી રકમ હશે. ઘરની પિગી બેંકમાં પૈસા જમા કરાવવા પર ભલે તમને વ્યાજ ન મળે, પરંતુ અહીં પૈસા જમા કરાવવા પર તમને મસસોટું વ્યાજ પણ મળે છે.
RD શરૂ કર્યાના 1 વર્ષ પછી લોનની સુવિધા મળે છે
જો તમે પોસ્ટ ઓફિસની પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં સતત 12 હપ્તા જમા કરાવો છો, તો તમે લોનની સુવિધા મેળવી શકો છો. એટલે કે, આ સુવિધા મેળવવા માટે, તમારે ઓછામાં ઓછા એક વર્ષ સુધી સતત રકમ જમા કરાવવી પડશે. એક વર્ષ પછી, તમે તમારા ખાતામાં જમા રકમના 50% સુધીની લોન લઈ શકો છો.
તમે લોનની રકમ એકસાથે અથવા સમાન માસિક હપ્તામાં ચૂકવી શકો છો. જો તમે લોનની ચૂકવણી કરી શકતા નથી, તો જ્યારે RD એકાઉન્ટ પરિપક્વ થશે ત્યારે લોન અને વ્યાજની રકમ કાપી લેવામાં આવશે. આ પછી, બાકીની રકમ તમારા ખાતામાં જમા થશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
જો તમે RD સામે લોન લો છો, તો લોનની રકમ પર વ્યાજ 2% + RD એકાઉન્ટ પર લાગુ વ્યાજ દર હશે. જેમ કે હાલમાં RD પર વ્યાજ દર 6.7% છે, આવી સ્થિતિમાં, જો તમે હવે RD પર વ્યાજ લેશો તો તમને વાર્ષિક 8.7%ના વ્યાજ દરે લોન મળશે. જ્યારે તમે પર્સનલ લોન લો છો, તો તમારે 10.50% થી 24% સુધી વ્યાજ ચૂકવવું પડી શકે છે.
લોન કેવી રીતે મેળવવી?
RD સામે લોનની સુવિધા મેળવવા માટે, તમારે પાસબુક સાથે અરજી ફોર્મ ભરવું પડશે અને તેને પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવું પડશે. આ પછી પોસ્ટ ઓફિસ તમારી લોન પ્રક્રિયામાં મૂકશે.
RD દ્વારા તમે સરળતાથી મોટું ફંડ બનાવી શકો છો
આરડી દ્વારા તમે સરળતાથી મોટું ફંડ બનાવી શકો છો. આમાં દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરવાથી તમને 5 વર્ષ પછી લગભગ 71,000 રૂપિયા મળશે. જ્યારે તમે દર મહિને 2,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 5 વર્ષ પછી લગભગ 1.42 લાખ રૂપિયા મળશે.
કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે
કોઈપણ વ્યક્તિ RD ખાતું ખોલાવી શકે છે. આ ખાતું નાના બાળકોના નામે પણ ખોલી શકાય છે. જો તમારી ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોય તો તમે તેને જાતે ઓપરેટ કરી શકો છો. 3 લોકો સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા આમાં ખાતું ખોલાવી શકો છો.