મુંબઇ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સતત કથળતી એસેટ ગુણવત્તા વચ્ચે ધિરાણદારોએ વધુ સતર્કતાભર્યું વલણ અપનાવતા નાની લોનના બાકી લેણાંની રકમ 4.3% ઘટીને રૂ.4.14 લાખ કરોડ નોંધાઇ છે. જૂન દરમિયાન 1-30 દિવસ માટે ન ચૂકવાયેલી લોન 1.2%થી વધીને 2.1% થઇ છે.
જ્યારે 31-180 દિવસ સુધી ન ચૂકવાયેલી લોનની ટકાવારી જૂનના 2.7%થી વધીને 4.3% થઇ છે તેવું ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની ક્રિફ હાઇ માર્કે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી નાની લોન આપતી સંસ્થાઓ કેટલાક પડકારોનો સામનો કરી રહી છે અને તેના માટે નિયામકે ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ પર આરોપ મૂક્યો છે. જેમાં અનેકવિધ કંપનીઓ દ્વારા એક જ લોનધારકોને અનેકવાર ધિરાણ ઉપરાંત વધુ નફો રળવાની લ્હાયમાં લોનધારકો પાસેથી વ્યાજખોરો જેટલા તોતિંગ વ્યાજની વસૂલાત જેવી સમસ્યાઓ સામેલ છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન લોનની વસૂલાત માટે ઇન્ડસ્ટ્રી હવે ફરીથી એક્શન મોડમાં છે અને અનેક પ્રકારના પગલાં લેવામાં આવતા એકંદરે બાકી રકમની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.
ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓના પોર્ટફોલિયોમાં ક્વાર્ટરના હિસાબે 0.7%ની વૃદ્ધિ થઇ હતી, જો કે બેન્કો, સ્મોલ ફાઇનાન્સ બેન્કના પોર્ટફોલિયોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશના ટોચના 10 રાજ્યોમાં બેડ લોન્સમાં વૃદ્ધિ થઇ હતી. જેમાં બિહાર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં બેડ લોન્સમાં અંદાજે બે તૃતીયાંશનો વધારો થયો હતો.
આ વર્ષે મ્યુ. ફંડ ઇન્ડસ્ટ્રીમાં 6 નવા ફંડ હાઉસ સામેલ થશે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની AUM એટલે કે કંપનીઓ દ્વારા સંચાલિત કરાતી રકમ વધીને 68 લાખ કરોડથી વધુ થઇ ચુકી છે. ફંડમાં વધતી સતત રૂચિને કારણે અનેક નવી કંપનીઓ આ સેક્ટરમાં પ્રવેશ કરી રહી છે. 6 નવા ફંડ હાઉસ સામેલ થશે. એન્જલ વન, યુનિફી કેપિટલ, જિયો બ્લેકરૉક, કેપિટલમાઇન્ડ, ચોઇસ ઇન્ટરનેશનલ અને કૉસ્મિયા ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ સામેલ છે.