નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પરિવાર સાથે નારાયણ મૂર્તિ.
ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ તેમના 4 મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને 240 કરોડ રૂપિયાના શેર ભેટમાં આપ્યા છે. મૂર્તિએ તેમના પૌત્રને કંપનીમાં 15 લાખ શેર આપ્યા છે, જે 0.04% હિસ્સાની સમકક્ષ છે.
શેર ગિફ્ટ કર્યા પછી ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિનો હિસ્સો હવે 0.40%થી ઘટીને 0.36% પર આવી ગયો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાતની માહિતી આપી છે.
લગભગ ચાર મહિના પહેલાં 10 નવેમ્બરના રોજ નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા કૃષ્ણન માતા-પિતા બન્યા હતા. પછી નારાયણ મૂર્તિએ સંસ્કૃત શબ્દ અતૂટ ધ્યાનથી પ્રેરિત થઈને તેમના પૌત્રનું નામ એકાગ્ર રાખ્યું.
નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા કૃષ્ણન (ફાઇલ ફોટો)
નારાયણ મૂર્તિને બે પૌત્રી પણ છે
એકાગ્ર પહેલાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની બે પૌત્રી પણ છે, જેમના નામ કૃષ્ણા સુનક અને અનુષ્કા સુનક છે. બંને બાળકી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની પુત્રીઓ છે.
મૂર્તિએ કહ્યું હતું કે, પરિવારને કંપનીથી અલગ રાખવાનો નિર્ણય ખોટો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે પરિવારને કંપનીથી અલગ રાખવાનો નિર્ણય ખોટો હતો. તેમણે કહ્યું, ‘મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે પરિવારને તેમાં સામેલ ન કરવો જોઈએ.
કારણ કે તે જમાનામાં મોટા ભાગની બિઝનેસ ફેમિલી હતી, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન થતું હતું.’
મૂર્તિ પરિવાર (ડાબેથી)- સુધા મૂર્તિ, અપર્ણા કૃષ્ણન, રોહન મૂર્તિ અને નારાયણ મૂર્તિ
મારો પુત્ર ક્યારેય ઈન્ફોસિસમાં જોડાવાનું કહેશે નહીં
મૂર્તિને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર રોહન મૂર્તિ હાર્વર્ડમાં વિદ્વાન છે. જો તેઓ તમને કાલે ઈન્ફોસિસમાં જોડાવાનું કહે તો તમે શું કરશો? આના જવાબમાં મૂર્તિએ કહ્યું કે, રોહન તેમના કરતા વધુ કડક છે. તે ક્યારેય એવું કહેશે નહીં. રોહન મૂર્તિ 40 વર્ષના છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. તેઓ એક સોફ્ટવેર ફર્મના માલિક પણ છે. તેમની કંપની ડેટા પ્રોસેસિંગનું કામ કરે છે.
પુત્ર રોહન મૂર્તિ સાથે નારાયણ મૂર્તિ. (ફાઇલ ફોટો)
વર્ષ 1981માં ઈન્ફોસિસની સ્થાપના થઈ હતી
નારાયણ મૂર્તિએ 1981માં ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને 2002 સુધી તેઓ કંપનીના સીઈઓ હતા. આ પછી તેઓ 2002થી 2006 સુધી બોર્ડના ચેરમેન રહ્યા.
ઓગસ્ટ 2011માં મૂર્તિએ કંપનીમાંથી ચેરમેન એમેરિટસના પદ સાથે નિવૃત્ત થઈ ગયા હતા. જો કે, ફરી એકવાર તેમની 2013માં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીમાં એન્ટ્રી થઈ. આ સમય દરમિયાન તેમનો પુત્ર રોહન મૂર્તિ તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.