- Gujarati News
- Business
- Nvidia CEO Huang Said India Should Build Its Own AI, Computing Capacity Here Will Increase 20 Times This Year… This Country Has Taught Me A Lot
મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
સીઈઓ હુઆંગની સાથે અભિનેતા અક્ષયકુમાર. હુઆંગ અને અક્ષયે માર્શલ આર્ટ અંગે ચર્ચા કરી હતી.
- એનવીડિયાએ ભારત માટે હિન્દી એઆઇ મૉડેલ લોન્ચ કર્યું, સીઈઓએ કહ્યું- ભારત એઆઇનું સુપરપાવર બની રહ્યું છે
સેમિકન્ડક્ટર ચિપની દિગ્ગજ કંપની એનવીડિયાના સ્થાપક અને સીઈઓ જેન્સેન હુઆંગે કહ્યું કે ભારત પરંપરાગત રીતે સોફ્ટવેરની નિકાસનું કેન્દ્ર રહ્યું છે. હવે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની નિકાસમાં આગેવાન બનવા માટે તૈયાર છે. મુંબઈમાં ચાલી રહેલી પ્રથમ ‘એનવીડિયા એઆઇ સમિટ ઇન્ડિયા’માં હુઆંગે કહ્યું કે વિશ્વના કમ્પ્યુટર ઉદ્યોગ માટે ‘ફેવરિટ’ સ્થળ ભારતમાં 2024માં એઆઇ કમ્પ્યુટિંગ ક્ષમતામાં 20 ગણી વૃદ્ધિ થશે. એ ટૂંક સમયમાં જ પ્રભાવશાળી એઆઇ સોલ્યુશન્સની નિકાસ કરશે. દરમિયાન હુઆંગે ભારતમાં હિન્દી ભાષાનું એઆઇ મોડૅલ લોન્ચ કર્યું હતું. ઉપરાંત, ભારતમાં એઆઇ ઇન્ફ્રા બનાવવા માટે રિલાયન્સ જિયો અને એનવીડિયાની ભાગીદારી પર ફોકસ કર્યું હતું. વિવિધ મુદ્દે હુઆંગે શું કહ્યું, એ વાંચો…
‘ભારત એઆઇ માટે મહત્ત્વનું… ભારત હવે સોફ્ટવેર ઉત્પાદન માટે એક ‘બૅક ઑફિસ’થી એઆઇ વિકાસ અને વિતરણમાં એક ‘પાવરહાઉસ’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતે સોફ્ટવેર પ્રોડક્શન માટે ‘બૅક ઑફિસ’ બનવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું, તેની આગામી પેઢી એઆઇ પ્રોડક્શન તથા વિતરણ કરનારી બનશે. આ પ્રભાવશાળી હશે.
શ્રેષ્ઠ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર… ભારત માટે શ્રેષ્ઠ તક છે. કારણ કે અહીંય વસ્તી વધારે છે અને મોટી સંખ્યામાં કમ્પ્યુટર એન્જિનિયર પણ છે. સમયની માગ છે કે ભારતે પોતાનું એઆઇ બનાવવું જોઈએ. અમેરિકા અને ચીન સિવાય અહીં શ્રેષ્ઠ ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
ભારત પાસેથી લર્નિંગ… જ્યારે પણ ભારત આવું ત્યારે મને ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ અંગે જાણવાનો લાભ મળે છે. સોફ્ટવેર બનાવવાનો દૃષ્ટિકોણ જૂનો છે. અંગ્રેજીમાંથી હિન્દી અનુવાદ, ફોટોમાંથી પિક્સલમાં જવું, વગેરે માહિતીને વિવિધ પ્રકારે કેવી રીતે અપાય, એ અહીં શીખવા મળ્યું. એક પદ્ધતિથી બીજી પદ્ધતિમાં જવાના આ મૌલિક પરિવર્તને જ સમગ્ર વિશ્વમાં અનેક સ્ટાર્ટ અપને જન્મ આપ્યો છે.
નોકરીઓ પર અસર… એઆઇ સંપૂર્ણપણે નોકરીઓ ખતમ નહીં કરે પણ પ્રદર્શનનો પ્રકાર બદલી નાખશે. જે વ્યક્તિ યોગ્ય રીતે નોકરી કરવા માટે એઆઇનો ઉપયોગ કરશે તો એ ચોક્કસ નોકરી છીનવી લેશે.
એનવીડિયાના સ્મોલ લૅંગ્વેજ હિન્દી AI મોડેલમાં 4 અબજ પેરામીટર્સ છે હુઆંગે કહ્યું કે એનવીડિયા, ભારતમાં એઆઇ કમ્પ્યુટિંગ ઇન્ફ્રા માટે યોટ્ટા અને તાતા કોમ્યુનિકેશન્સ સહિત ભાગીદારો સાથે કામ કરી રહી છે. કંપનીએ હિન્દી એઆઇ મોડૅલ પણ લોન્ચ કર્યું છે. મોડૅલ એનવીડિયા નેમોટ્રોન-4-મિની હિન્દી-4બીમાં 4 અબજ પેરામીટર છે. ટૅક્ મહિન્દ્રાએ આ મોડલથી હિન્દી પર કેન્દ્રિત ‘ઇન્ડસ 2.0’ એઆઇ મોડૅલ બનાવ્યું છે. સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું કે એનવીડિયા ગ્લોબલ સ્તરે નૉલેજ ક્રાંતિને નવી દિશા આપી રહી છે.