નવી દિલ્હી13 કલાક પેહલા
- કૉપી લિંક
- મુખ્ય શહેરોમાં સરેરાશ ભાડાં વધીને સ્ક્વેરફૂટ દીઠ રૂ.83એ પહોંચ્યા
દેશના સાત પ્રમુખ શહેરોમાં ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમિયાન બાંધકામ ખર્ચમાં વૃદ્ધિને કારણે ઓફિસના ભાડા સરેરાશ 7% વધીને રૂ.83 પ્રતિ સ્ક્વેરફૂટ પર પહોંચ્યા છે. રીયલ એસ્ટેટ કન્સલટન્ટ એનારોકે 2023-24ના નાણાકીય વર્ષ માટે એપ્રિલ-સપ્ટેમ્બર H1 ઓફિસ માર્કેટ અપડેટ રિપોર્ટ રજૂ કર્યો છે. દેશના સાત પ્રમુખ શહેરોમાં ઓફિસનું ભાડું સ્ક્વેરફૂટ દીઠ કિંમત અગાઉના રૂ.77.5થી વધીને રૂ.83 નોંધાઇ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમિયાન કોમર્શિયલ ઓફિસ સ્પેસ માટેની ગતિવિધિ મંદ રહી હતી. ખાસ કરીને વપરાશ અને નવા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં પણ વિલંબ જોવા મળ્યો હતો. નવી ઓફિસની સપ્લાયમાં 5 ટકાનો વધારો થયો હતો અને ઓફિસના વેચાણમાં 1 ટકાનો આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. ટોચના 7 શહેરોમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિનામાં ભાડાની કિંમતમાં 7%નો વધારો થયો છે. ખાસ કરીને બાંધકામ અને ઇનપુટ ખર્ચમાં વૃદ્ધિને કારણે ભાડા વધ્યા છે.
એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ચેન્નાઇમાં વાર્ષિક સ્તરે સર્વાધિક 10%નો વધારો થયો છે. જ્યાં સ્ક્વેરફૂટ દીઠ કિંમત અગાઉના રૂ.62થી વધીને રૂ.68 પર પહોંચી ચૂકી છે. હૈદરાબાદમાં પણ કિંમત 8% વધીને અગાઉના રૂ.61થી વધીને રૂ.66 પર પહોંચી છે. જ્યારે બેંગ્લુરુ, પુણે, કોલકાતામાં ઓફિસના ભાડામાં સરેરાશ 7%નો વધારો થયો છે જ્યારે મુંબઇ અને દિલ્હીમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેંગ્લુરુમાં સરેરાશ ઓફિસનું ભાડું સ્ક્વેરફૂટ દીઠ વધીને રૂ.90 પર પહોંચી ચૂક્યું છે. પુણેમાં પણ ઓફિસના ભાડાની કિંમત અગાઉના રૂ.74 થી વધીને રૂ.79 પર પહોંચી છે. જ્યારે કોલકાતામાં સ્ક્વેરફૂટ દીઠ કિંમત અગાઉના રૂ.54થી વધીને રૂ.58 પર પહોંચી છે. દેશનું સૌથી મોટું ઓફિસ માર્કેટ મુંબઇ મેટ્રોપોલિટનમાં સ્ક્વેરફૂટ દીઠ ઓફિસની કિંમત વધીને રૂ.136 પર પહોંચી છે.