મુંબઈ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાઇનાન્સ સેક્ટરમાં જોખમ ઘટાડવા માટે રિઝર્વ બૅન્ક ટોપ-અપ લોન આપવા માટેના માપદંડો આકરા કરે તેવી શક્યતાને પગલે ટોપ-અપ મળવાનું અઘરું થાય તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. કેન્દ્રીય બૅન્કે નવેમ્બર, 2023માં કાર અને ઘરેણાં જેવી જંગમ સંપત્તિ પર ટોપ-અપ લોન આપવાના નિયમ આકરા કર્યા જ છે અને હવે ઘર જેવી અન્ય સ્થાવર મિલકતો પર આ પ્રકારની લોન આપવાના માપદંડો પણ કડક કરે તેવી શક્યતા છે.
આરબીઆઇએ એક રિપોર્ટમાં કહ્યું છે કે એ અન્ય ટોપ-અપ લોનના કિસ્સામાં શોધી કઢાયેલાં જોખમો ઘટાડવા માટે વધારાના નિયમનકારી હસ્તક્ષેપની જરૂરિયાત નોંધશે. હોમ લોન, વ્હીકલ લોન કે અન્ય પર્સનલ લોન પર મળતી ટોપ-અપ લોન એ વધારાનું દેવું છે. એ બૅન્કોની વધારાની આવકનો સ્રોત છે પણ આવી લોન લોનધારકની દેવું ચૂકવવાની ક્ષમતા ઘટાડે છે અને એટલે ડિફોલ્ટનું જોખમ વધી જાય છે.
આરબીઆઇએ ચેતવતાં કહ્યું છે કે ઘર, ગાડી અને જ્વેલરી જેવી સંપત્તિ પર પહેલેથી જ લેવાયેલી લોન પર ટોપ-અપ લેવાથી જોખમ વધી શકે છે. ખાસ કરીને આવી લોન લેવા માટે ગિરવે મુકાયેલી સંપત્તિની કિંમત ઘટી ગઈ હોય અથવા મિલકતો ચક્રિય મંદીનો સામનો કરતી હોય ત્યારે જોખમ વધી શકે છે.