નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ મોંઘવારી ફરીથી વધી છે. દેશમાં નવેમ્બર દરમિયાન ખાદ્યપદાર્થોની કિંમત વધવાને કારણે રિટેલ ફુગાવો 5.55% સાથે ત્રણ મહિનાની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. ઑક્ટોબર દરમિયાન રિટેલ ફુગાવો 4.87% રહ્યો હતો.
બીજી તરફ ખાદ્ય ફુગાવાનો દર 6.61%થી વધીને 8.70%, ગ્રામીણ ફુગાવાનો દર 5.12%થી વધીને 5.85% અને શહેરી ફુગાવાનો દર 4.62%થી વધીને 5.26% થયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડાઓ અનુસાર ખાદ્યપદાર્થોની કિંમતો ઑક્ટોબરની તુલનામાં નવેમ્બરમાં 2.09% વધી છે. જેને કારણે નવેમ્બર દરમિયાન મોંઘવારી દરમાં પણ 0.68%નો વધારો થયો હતો. જો કે, ગત વર્ષે નવેમ્બરના 5.88% કરતાં તે ઓછો છે.
દેશમાં આ વર્ષ ઑગસ્ટ દરમિયાન 6.83% સાથે મોંઘવારી દર સર્વોચ્ચ સ્તરે નોંધાયો હતો, જો કે બાદમાં તેમાં ઘટાડો થયો હતો. વાસ્તવમાં RBIએ રિઝર્વ બેન્કને ફુગાવો 4% સુધી સીમિત રાખવાનો નિર્દેશ કર્યો છે. ગત સપ્તાહે RBIએ તેની MPC બેઠક દરમિયાન મોંઘવારી દર 5.4% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં 5.6% તેમજ ચોથા ક્વાર્ટરમાં 5.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
નવેમ્બર દરમિયાન કઠોળનો મોંઘવારી દર વધીને 20.23 ટકા થયો છે જે ઓક્ટોબરમાં 18.79 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 10.27 ટકા રહ્યો છે, જે ગયા મહિને 10.65 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 21.55 ટકા રહ્યો છે જે ગયા મહિને 23.06 ટકા હતો. ફળોનો મોંઘવારી દર 10.95 ટકા રહ્યો છે જે ગયા મહિને 9.34 ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર વધીને 17.70 ટકા થયો છે જે ગયા મહિને 2.70 ટકા હતો.
ખાદ્યપદાર્થોની કિંમતોમાં બમણો વધારો થયો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના આંકડાઓ અનુસાર અનાજ, કઠોળ સહિતના ખાદ્યપદાર્થોની કિંમતો નવેમ્બરમાં 8.7 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા, ઑક્ટોબરમાં તે 6.61 ટકા એટલે કે 2.09 ટકા ઓછી હતી. વર્ષ પહેલાના આંકડાઓ સાથે તુલના કરીએ તો નવેમ્બર 2022માં ખાદ્યપદાર્થોની કિંમત માત્ર 4.67 ટકા જ વધી હતી.