38 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ, આજે સપ્તાહના બીજા દિવસે બે તરફી અફડાતફડીના અંતે નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના અને હમાસને 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેક્શનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી.
ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિના મજબૂત આંકડાએ યુ.એસ. બોન્ડ યીલ્ડમાં પણ ઝડપી ઉછાળા સાથે ફુગાવો વધવાના જોખમે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અનિશ્ચિતતા સર્જતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મુલ્યમાં સતત થઇ રહેલો ઘટાડો આજે પણ યથાવત રહ્યો હતો અને રૂપિયો નવી નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાતા ભાવ પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.13% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.69% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4073 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1096 અને વધનારની સંખ્યા 2867 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ 4.77%, એનટીપીસી લી. 4.22%, ટાટા સ્ટીલ 3.29%, ઝોમેટો લિ. 2.93%, ટાટા મોટર્સ 2.64%, બજાજ ફાઈનાન્સ 2.62%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2.25%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.08%, મારુતિ સુઝુકી 2.00%, સન ફાર્મા 1.69% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.63% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી 8.63%, હિન્દુસ્તાન યૂનિલિવર 3.48%, ટાઈટન કંપની 1.37%, ટીસીએસ લી. 1.35%,
અલ્ટ્રાટેક સિમેન્ટ 1.25%, ઇન્ફોસિસ લી. 1.15%, નેસલે ઈન્ડિયા 0.89%, એશિયન પેઈન્ટ 0.58%, આઈટીસી લી. 0.54%, ટેક મહિન્દ્ર 0.46% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.12% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ…
- નિફ્ટી ફ્યુચર બંધ:- (23,271):- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23,404 પોઇન્ટના પ્રથમ અને 23,474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23,188 પોઇન્ટથી 23,008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23,404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ:- (48,971):- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48,808 પોઇન્ટના પ્રથમ અને 48,676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49,233 પોઇન્ટથી 49,404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49,676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- મુથૂટ ફાઈનાન્સ (2139):- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2103 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2088ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2164થી રૂ.2170નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.2188 ઉપર તેજી તરફી ધ્યાન.
- ઓબેરોઈ રિયલ્ટી (1992):- ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ.1960 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1944ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2013 થી રૂ.2020 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
- સન ફાર્મા (1778):- ટેક્નિકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1813 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1760 થી રૂ.1744ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1820નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
- ગ્લેનમાર્ક ફાર્મા (1521):- રૂ.1547 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1560ના સ્ટોપલોસે વેચવાલાયક. તબક્કાવાર રૂ.1503થી રૂ.1488નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1574 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં એક તરફ આર્થિક સ્થિતિ મજબૂત બની રહ્યાના સંકેતે ત્યાં વ્યાજદરમાં ઘટાડો આક્રમક નહીં હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભારતમાં ફુગાવામાં ઘટાડા સાથોસાથ આર્થિક વિકાસ દરની ધીમી ગતિને જોતા રિઝર્વ બેન્ક ફેબ્રુઆરીની બેઠકમાં વ્યાજદર ઘટાડશે તેવી શક્યતા જોવાઈ રહી છે. નવેમ્બર માસનો રિટેલ ફુગાવો જે 5.48% હતો, તે ડિસેમ્બર માસમાં ઘટી 5.22% પર આવી ગયો છે. ઓક્ટોબર માસમાં 6.21%ની સરખામણીએ ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ક્રુડ તેલના ભાવ ફરી વધવા લાગતા રિઝર્વ બેન્ક માટે સ્થિતિ ફરી કપરી બનતી જાય છે. ભારતમાં ફુગાવો નીચે આવી રહ્યો છે અને વૈશ્વિક વાતાવરણ પણ વ્યાજદર ઘટાડવા માટે સાનુકૂળ બન્યું છે, ત્યારે વ્યાજદર ઘટવાની શક્યતા વધી ગઈ છે.
વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજોમાં પણ ઘટાડો મુકાઈ રહ્યો છે. ગયા નાણાં વર્ષમાં 8.20% રહ્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 6.40% રહેવાની સરકાર દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. કૃષિ ઉત્પાદન તંદૂરસ્ત રહેવાના પ્રાથમિક અંદાજોમાં જણાઈ રહ્યું છે. કૃષિ ઉત્પાદન સારું રહેવા સાથે ખાધ્ય પદાર્થોના ભાવ પણ નીચે આવી રહ્યા છે. જો કે અમેરિકામાં આર્થિક ડેટા મજબૂત આવતા ત્યાં વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજદર ઘટવાની જે વાત હતી તે હવે શક્ય બનશે કે કેમ તે જોવાનું રહ્યું.