મુંબઈ24 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર છે. આ વર્ષે સેન્સેક્સમાં 16 ટકાથી વધુ તેજી જોવા મળી છે. વર્ષની શરૂઆતમાં સેન્સેક્સ 61,000ના સ્તરે હતો જે હવે 71,000ના સ્તરને પાર કરી ગયો છે. મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 40%થી વધુનો વધારો થયો છે.
ટાટા ટેક્નોલોજી અને IREDA જેવા ઘણા શેરો હતા, જેણે રોકાણકારોના રુપિયાને અનેક ગણા કરી દીધા. ટાટા મોટર્સે પણ લગભગ 85% વળતર આપ્યું છે. જ્યારે GG એન્જિનિયરિંગ અને યુનિટેક જેવા કેટલાક પેની સ્ટોક્સે એક મહિનામાં તેમના નાણાં ડબલ કરતાં પણ વધુ કર્યા છે.
આજની સ્ટોરીમાં આપણે જાણીશું કે આ વર્ષે બજારમાં જબરદસ્ત ઉછાળાના કારણો શું છે? એવા કયા શેરો છે જેણે રોકાણકારોના નાણાને અનેક ગણા કરી દીધા છે? આગામી સમયમાં માર્કેટ કેવું રહેશે? આ સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોને કેટલું વળતર મળ્યું?
શેરબજારમાં ઉછાળાના 5 મોટા કારણો:
1. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી 3માં ભાજપને બહુમતી મળી
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં તાજેતરની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકાર બની શકે છે.
બજાર તેને અર્થતંત્ર માટે સકારાત્મક માની રહ્યું છે. MK ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇકોનોમિસ્ટ માધવી અરોરાના જણાવ્યા અનુસાર, લાંબા ગાળાની વૃદ્ધિ માટે ભાજપની સત્તામાં વાપસીની શક્યતા સકારાત્મક છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, ‘સામાન્ય ચૂંટણીઓ પછી રાજકીય સ્થિરતાના સંકેતો, અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિની ગતિ અને ફુગાવામાં ઘટાડાએ સ્થિતિને ભારતની તરફેણમાં કરી દીધી છે.
આદિત્ય બિરલા સન લાઈફ AMCના MD અને CEO એ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારતીય બજારોએ રાજ્યની ચૂંટણીના પરિણામોને થમ્સ-અપ આપ્યો છે. બજાર જુએ છે કે પોલિસી મેકિંગમાં નાણાં કેટલી અસરકારક રીતે ખર્ચવામાં આવે છે.
2. મજબૂત ભારતીય અર્થતંત્ર
Q2FY24 માટેનો GDP ડેટા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર 30 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જે RBIની અપેક્ષા કરતાં 7.6% વધુ હતો. RBIએ Q2FY24માં GDP વૃદ્ધિનો અંદાજ 6.5% રાખ્યો હતો. આ સિવાય GST કલેક્શન પણ સારી અર્થવ્યવસ્થાનો સંકેત આપી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં એટલે કે છેલ્લા 8 મહિનામાં અત્યાર સુધીમાં કુલ 13.32 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે.
ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે IIP અને ફુગાવાના આંકડા પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે. જો કે, નવેમ્બરમાં છૂટક ફુગાવો થોડો વધીને 5.55% થયો છે. મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2%-6% છે. આદર્શ રીતે, RBI ઈચ્છે છે કે છૂટક ફુગાવો 4% પર રહે. 8 ડિસેમ્બરે મોનેટરી પોલિસીની બેઠક પછી, RBIએ કહ્યું હતું કે તેણે FY24 માટે છૂટક ફુગાવાના અંદાજને 5.40% પર જાળવી રાખ્યો છે.
ઓક્ટોબરમાં ઔદ્યોગિક વૃદ્ધિ 11.7%ની 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા એટલે કે ઓક્ટોબર 2022માં તે ઘટીને 4.1% થઈ ગયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.8 ટકાનો વધારો થયો હતો. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રાષ્ટ્રીય સંશોધન નિર્દેશક વિવેક રાઠીએ જણાવ્યું હતું કે ઉત્પાદન, માઈનિંગ અને વીજળી છેલ્લા કેટલાક મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારવામાં સક્ષમ રહ્યા છે.
3. મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનું રોકાણ વધી રહ્યું છે
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના ડેટા દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) નવેમ્બર 2023 માં વધીને રૂ 49,04,992.39 કરોડ થઈ હતી જે નવેમ્બર 2022 માં રૂ 40,37,560.81 કરોડ હતી.
રિટેલ એયુએમ નવેમ્બર 2023માં 29.15% અથવા રૂ. 6 લાખ કરોડથી વધુ વધીને રૂ. 27.01 લાખ કરોડ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 20.92 લાખ કરોડ હતું. રિટેલ AUMમાં ઇક્વિટી, હાઇબ્રિડ અને સોલ્યુશન-ઓરિએન્ટેડ સ્કીમનો સમાવેશ થાય છે. આ વર્ષે નવેમ્બરમાં રિટેલ પોર્ટફોલિયોની સંખ્યા લગભગ 16% વધીને 12.92 કરોડ થઈ છે, જે નવેમ્બર 2022 માં 11.18 કરોડ હતી.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નું યોગદાન નવેમ્બર 2023માં રૂ. 17,073 કરોડના ઓળ ટાઈન હાઈ પર પહોંચ્યું હતું. SIP એકાઉન્ટ્સની સંખ્યા નવેમ્બર 2023 માં 744.14 લાખ પર પહોંચી હતી, આ મહિના દરમિયાન 30.8 લાખ SIP નોંધાયા હતા.
4. ડીમેટ ખાતાની સંખ્યા 10 કરોડ પાર
22 નવેમ્બરના રોજ, CDSL, એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરીએ અહેવાલ આપ્યો કે તેની સાથે નોંધાયેલ ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને 10.09 કરોડ થઈ ગઈ છે. આ વર્ષે જુલાઈથી નવેમ્બર વચ્ચે લગભગ 1 કરોડ ખાતા નોંધાયા હતા. જ્યારે ઓગસ્ટ 2022 થી નવેમ્બર વચ્ચે આ સંખ્યા 3 કરોડ રહી. આ ખાતાઓમાં હાજર સિક્યોરિટીઝ એટલે કે શેરોનું મૂલ્ય રૂ. 536.67 લાખ કરોડ છે.
ઑક્ટોબર 2021 થી જૂન 2022 દરમિયાન જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણો (FPIs) ભારતીય બજારમાં વેચાઈ રહ્યા હતા, ત્યારે રિટેલ રોકાણકારોએ સીધા અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરીને બજારને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
5. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રોકાણ વધાર્યું
FPIsએ આ વર્ષે 2023માં શેરબજારમાં રૂ. 1.44 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેમાં રોકડ બજાર અને IPOનો સમાવેશ થાય છે. આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં શેરબજારમાંથી રૂ. 39,000 કરોડ પાછા ખેંચી લીધા પછી, FPIsએ ડિસેમ્બરમાં જોરદાર પુનરાગમન કર્યું છે, આ મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 39,260 કરોડનું રોકાણ કર્યું છે. FPIsએ નવેમ્બરમાં રૂ. 9,000 કરોડનું રોકાણ કર્યું હોવા છતાં, તેઓ રોકડ બજારમાં રૂ. 368 કરોડના વેચાણકર્તા હતા.
ટાટા મોટર્સ સેન્સેક્સ પર સૌથી વધુ ઉછળ્યો, પેની સ્ટોક્સમાં રુપિયા ડબલ
ટોચની 30 કંપનીઓના સેન્સેક્સ ઇન્ડેક્સમાં ટાટા મોટર્સે આ વર્ષે સૌથી વધુ વળતર આપ્યું છે. આ સ્ટોક 85% થી વધુ વધ્યો છે. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવર એકમાત્ર એવો સ્ટોક છે જેનું રિટર્ન નેગેટિવ રહ્યું છે. 2 જાન્યુઆરી, 2023 ના રોજ, શેર 2558 રૂપિયા પર હતો. હવે તે 1.11% ઘટીને 2530 રૂપિયા પર છે. જ્યારે GG એન્જિનિયરિંગ અને યુનિટેક જેવા પેની સ્ટોક્સે એક મહિનામાં તેમના નાણાં ડબલ કરી દીધા છે. IREDA એ IPOમાં સૌથી વધુ 238% રિટર્ન આપ્યું છે.
સ્મોલકેપ ઇન્ડેક્સ 44% વધ્યો, નિફ્ટી રિયલ્ટીમાં 75% વળતર મળ્યું
આ વર્ષે, લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં, સ્મોલકેપે સૌથી વધુ 44% વળતર આપ્યું છે. જ્યારે સેક્ટર વાઇઝ ઇન્ડેક્સમાં રિયલ્ટી ઇન્ડેક્સે સૌથી વધુ વળતર આપ્યું છે. આ વર્ષે તેમાં 75% થી વધુનો વધારો થયો છે.
સ્મોલ-કેપમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે કે જેમાં વધુ ગ્રોથની સંભાવના હોય છે. મિડ-કેપ્સ સ્થિરતા અને વિસ્તરણ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. લાર્જ-કેપ્સ વિશ્વસનીય, સુસ્થાપિત બિઝનેસ છે. લાર્જ કેપ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 20,000 કરોડ કે તેથી વધુ છે. મિડકેપનું માર્કેટ કેપ રૂ. 5,000 કરોડથી વધુ છે પરંતુ રૂ. 20,000 કરોડથી ઓછું છે. સ્મોલકેપ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 5,000 કરોડથી ઓછું છે.
આગામી સમયમાં માર્કેટ કેવું રહેશે?
આવતા વર્ષની શરૂઆતમાં બજાર માટે બે મોટી ઈવેન્ટ છે. પ્રથમ ઘટના સામાન્ય બજેટ અને બીજી લોકસભા ચૂંટણી. આ બે ઘટનાઓ પર બજારની ગતિ ઘણી હદ સુધી નિર્ભર રહેશે. તેમજ, મોંઘવારી, જીડીપી અને પોલિસી રેટ સંબંધિત ડેટા પણ બજારની ગતિ નક્કી કરશે. મોટાભાગની બ્રોકરેજ કંપનીઓ માને છે કે 2024માં પણ બજાર નવી ઊંચી સપાટી બનાવશે.