43 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારે શુક્રવાર, ડિસેમ્બર 29, જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોની જાહેરાત કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં 0.20% અને ત્રણ વર્ષના ટાઇમ ડિપોઝિટના દરમાં 0.10%નો વધારો થયો છે. અન્ય યોજનાઓના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અગાઉ સુકન્યા સ્કીમનો વ્યાજદર 8% હતો અને ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટનો વ્યાજદર 7% હતો.
આ સતત છઠ્ઠું ક્વાર્ટર છે, જ્યારે આ યોજનાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 29 સપ્ટેમ્બરે નાણાં મંત્રાલયે ઓક્ટોબર-ડિસેમ્બર માટે રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજદરમાં 0.2%નો વધારો કર્યો હતો. નાણાં મંત્રાલયે સતત નવ ક્વાર્ટર સુધી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી ઓક્ટોબર-ડિસેમ્બર 2022થી એમાં વધારો થવા લાગ્યો છે.
કઈ સ્કીમ પર કેટલું વ્યાજ?
સેવિંગ સ્કીમ | જૂના વ્યાજદરો | નવા વ્યાજદરો |
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ | 4.0% | 4.0% |
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ | 6.7% | 6.7% |
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ | 7.4% | 7.4% |
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (1 વર્ષ) | 6.9% | 6.9% |
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (2 વર્ષ) | 7.0% | 7.0% |
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (3 વર્ષ) | 7.0% | 7.1% |
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (5 વર્ષ) | 7.5% | 7.5% |
કિસાન વિકાસ પત્ર (KVP) | 7.5% | 7.5% |
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) | 7.1% | 7.1% |
સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.0% | 8.2% |
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ | 7.7% | 7.7% |
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS) | 8.2% | 8.2% |
મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ | 7.5% | 7.5% |
દર ક્વાર્ટરમાં વ્યાજદરોની સમીક્ષા કરવામાં આવે છે
નાની બચત યોજનાના વ્યાજદરોની દર ક્વાર્ટરમાં સમીક્ષા કરવામાં આવે છે. તેમના વ્યાજદરો નક્કી કરવાની ફોર્મ્યુલા શ્યામલા ગોપીનાથ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. સમિતિએ સૂચન કર્યું હતું કે આ યોજનાઓના વ્યાજદર સમાન પરિપક્વતાના સરકારી બોન્ડની ઊપજ કરતાં 0.25-1.00% વધુ હોવા જોઈએ.
હાઉસહોલ્ડ સેવિંગનો મેજર સોર્સ છે આ સ્કીમ
નાની બચત યોજના ભારતમાં ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્ત્રોત છે અને એમાં 12 સાધનનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં થાપણદારોને તેમનાં નાણાં પર નિશ્ચિત વ્યાજ મળે છે. તમામ નાની બચત યોજનાઓમાંથી કલેક્શન નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (NSSF)માં જમા કરવામાં આવે છે. નાની બચત યોજનાઓ સરકારી ખાધને ધિરાણ કરવાના સ્ત્રોત તરીકે ઊભરી આવી છે.
ક્લાસિફિકેશન
નાની બચતનાં સાધનોને ત્રણ ભાગમાં વહેંચી શકાય:
- પોસ્ટલ ડિપોઝિટ: સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ, ટાઇમ ડિપોઝિટ અને માસિક આવક યોજના
- સેવિંગ સર્ટિફિકેટ: નેશનલ સ્મોલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP)
- સોશિયલ સિક્યોરિટી સ્કીમ: સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS)