બર્લિન17 મિનિટ પેહલા
- કૉપી લિંક
એશિયન અને યુરોપિયન બજારોમાં ઘટાડા બાદ હવે અમેરિકન શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સ લગભગ 850 પોઈન્ટ અથવા 2.35% ઘટીને 37,412 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં એ 1,400 પોઈન્ટ ઘટ્યો હતો. ગયા અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ડાઉ જોન્સ 9%થી વધુ ઘટ્યો હતો. એનો અર્થ એ થયો કે ડાઉ જોન્સ સતત ત્રણ ટ્રેડિંગ દિવસોમાં 12%થી વધુ ઘટ્યો છે.
એ જ સમયે આજે અમેરિકન બજારનો S&P 500 ઇન્ડેક્સ 110 પોઈન્ટ અથવા 2.23% ઘટીને 4,960ના સ્તરે આવી ગયો છે. નાસ્ડેક કમ્પોઝિટ 300 પોઈન્ટ અથવા 1.95% ઘટીને 15,283 પર બંધ રહ્યો હતો. Nvidia, Apple, Nike, Home Depot અને Intel જેવી કંપનીઓના શેરમાં 7% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડાઉ જોન્સ ઇન્ડેક્સના ટોપ લૂઝર
શેર | કિંમત | ઘટાડો |
એનવીડિયા | 88.05 ડોલર | 7.21% |
એપલ | 176.69 ડોલર | 6.39% |
ઇન્ટેલ | 18.72 ડોલર | 6.22% |
નાઇકી | 53.77 ડોલર | 5.91% |
હોમ ડેપો | 333.56 ડોલર | 5.63% |
4 દિવસમાં માર્કેટ કેપ લગભગ $6.5 ટ્રિલિયન ઘટી ગયું
આજે S&P 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ 3.44% અથવા $1.47 ટ્રિલિયન ઘટીને $41.20 ટ્રિલિયન થયું. અગાઉ 4 એપ્રિલે એ ઘટીને લગભગ $42.678 ટ્રિલિયન થઈ ગયું હતું. જ્યારે 3 એપ્રિલે એ 45.38 ટ્રિલિયન ડોલર હતું અને 2 એપ્રિલે માર્કેટ કેપ 47.681 ટ્રિલિયન ડોલર હતું, એટલે કે સતત ચાર ટ્રેડિંગ દિવસોમાં માર્કેટ કેપમાં લગભગ $6.5 ટ્રિલિયનનો ઘટાડો થયો છે.
યુરોપિયન બજારો લગભગ 5% ઘટ્યાં
દરમિયાન યુરોપિયન બજારોમાં જર્મનીનો DAX ઇન્ડેક્સ લગભગ 5% ઘટીને 19,590 પર પહોંચી ગયો; શરૂઆતના વેપારમાં એ લગભગ 10% ઘટ્યો હતો. યુકેનો FTSE 100 ઇન્ડેક્સ લગભગ 4% ઘટ્યો છે.
બજારમાં ઘટાડા માટેનાં 3 કારણ
- ટ્રમ્પનો ટેરિફ: અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
- ચીને શુક્રવારે અમેરિકા પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી. નવો ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે. 3 એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમગ્ર વિશ્વમાં ટિટ-ફોર-ટેટ ટેરિફ લાદ્યા. આમાં ચીન પર 34%નો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો. હવે ચીને અમેરિકા પર પણ આ જ ટેરિફ લાદ્યો છે.
- આર્થિક મંદી અંગે ચિંતા: જો ટેરિફને કારણે માલ મોંઘો થશે તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. ઉપરાંત ઓછી માગને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ નબળી આર્થિક પ્રવૃત્તિનો સંકેત છે.
હોંગકોંગનો હેંગસેંગ 13.22% ઘટ્યો, ચીની સૂચકાંક પણ 6.50% ઘટ્યો
- એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 7.83%, કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 5.57%, ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 7.34% ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 13.22% ઘટ્યો.
- ભારતીય બજાર સૂચકાંક સેન્સેક્સ 2.95% ઘટીને 73,137 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 742 પોઈન્ટ (3.24%)નો ઘટાડો થયો. એ 22,161ના સ્તરે બંધ થયો.
- ફાઇનાન્શિયલ એક્સપર્ટ જિમ ક્રેમરે 1987 જેવો ‘બ્લેક મન્ડે’ આવવાની આગાહી કરી છે. ક્રેમરે કહ્યું હતું કે આજે યુએસ માર્કેટ 22% ઘટી શકે છે.