આ વખતની ચૂંટણીમાં શેરબજારની ચર્ચા થઈ છે. આવું પહેલીવાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પરિણામો પછી શેરબજારમાં જોરદાર તેજી આવશે, એવું કહ્યું છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે, શેરબજાર એનડીએ સરકારમાં રેકોર્ડ સ્તરે પહોંચ
.
એક્ઝિટ પોલ નક્કી કરશે 3 જૂનની માર્કેટની સ્થિતિ, શુક્રવારે 73,961 પર સેન્સેક્સ બંધ થયો હતો
1 જૂન, શનિવાર (આજે) છેલ્લા સાતમા તબક્કાનું મતદાન થયા પછી સાંજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે. રવિવારે સ્ટોક એક્સેન્જ બંધ રહેશે પણ સોમવારે માર્કેટ ખુલશે તે એક્ઝિટ પોલના આધારે ખુલશે. જો સોમવારે માર્કેટમાં તેજી રહે તો સમજવાનું કે મંગળવારે પરિણામો પછી 5 જૂનથી વધારે તેજી દેખાશે. પણ બધો આધાર રિઝલ્ટ પર છે. શેરબજારની છેલ્લી સ્થિતિ જોઈએ તો, મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 31મી મેના રોજ શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 75 પોઈન્ટના ઉછાળા સાથે 73,961 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટીમાં 42 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,530 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઉછાળો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં વધારો રહ્યો હતો. અદાણી ટોટલ ગેસમાં સૌથી વધુ 9.40%નો વધારો થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
4 જૂને પરિણામ પછી સ્ટોક માર્કેટમાં શું થશે?
અમદાવાદના સ્ટોક માર્કેટ એક્સપર્ટ અને ‘અપના ઈન્વેસ્ટમેન્ટ’ના MD હિતેશ સોમાણી કહે છે, 4 જૂને ચૂંટણી પરિણામો પછી ચાર સંભાવનાઓ જોઈ શકાય છે. પહેલી સંભાવના એ છે કે ભાજપ 400 સીટથી જીતે છે તો માર્કેટમાં 5થી 10 ટકા તેજી જોવા મળશે. બીજી સંભાવના એ છે કે ભાજપ 350થી 400 વચ્ચે સીટ જીતે છે તો (આ અનુમાન લગભગ પાક્કું છે) માર્કેટ ઓલટાઈમ હાઈ બનશે. ત્રીજી સંભાવના એ છે કે ભાજપ જીતે છે અને 300થી ઓછી સીટ મળે છે તો માર્કેટ માટે આ ખરાબ સમાચાર બની શકે છે. આના કારણે માર્કેટમાં પેનિક ક્રિએટ થઈ શકે છે. કારણ કે આ વખતે ભાજપ દ્વારા એક ક્રાઈટેરિયા સેટ કરવામાં આવ્યો હતો કે, 400 પાર. પણ 300 ય નહીં આવે તો માર્કેટની સેન્ટીમેન્ટને ખરાબ કરી નાંખશે અને શોર્ટ ટર્મ માટે 5થી 10 ટકા ડાઉન સેટ જોવા મળશે. ચોથી પોસિબલિટી એ છે કે, ભાજપ ન જીતે. એની તો સંભાવના છે જ નહીં પણ છતાં એવું થાય તો શેર બજારની હાલત કફોડી થઈ જાય.
રિઝલ્ટ પછી તેજી હોય તો રોકાણ ક્યાં કરાય?
હિતેશ સોમાણી આગળ કહે છે, ભાજપ ચૂંટણી જીતે અને સારી સીટથી જીતે તો આવનારા પાંચ વર્ષ ભારતીય સ્ટોક માર્કેટ માટે ખૂબ જ સારા રહેવાનાં છે. આવા સમયે રોકાણકારોએ ખાસ સેક્ટર પર નજર રાખવી જોઈએ. સૌથી પહેલું છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. જે રોડ અને ડેલપમેન્ટના સેક્ટર હોય છે તેમાં વધારે પ્રોફિટેબલ રહેશે. બીજું સેક્ટર છે લાર્જ કેપ. લાર્જ કેપ સ્ટોક છેલ્લા ત્રણ વર્ષમાં સારું મૂવ કરી શક્યા નથી પણ જો ભાજપ મજબૂત રીતે જીતે છે તો લાર્જ કેપ સ્ટોક આવનારા બે વર્ષમાં સારું રિટર્ન આપી શકે છે. જેમ કે રિલાયન્સ, ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો એવી કોઈ પણ કંપની જે નિફ્ટી ફિફ્ટીમાં આવે છે તે આવનારા ત્રણ વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપી શકે છે. અત્યારે જેની પાસે જે સ્ટોક્સ છે તેમણે વેંચવો ન જોઈએ ન તો ખરીદવો જોઈએ. 4 જૂને રિઝલ્ટ આવે પછી 5 જૂનથી કોઈ નિર્ણય લઈ શકાય.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ. (પ્રતીકાત્મક તસવીર
સારું ઈલેક્શન રિઝલ્ટ અને સારું ચોમાસું ફૂગાવાને અંકુશમાં રાખશે
સ્ટોક માર્કેટ એક્સપર્ટ અને જામનગરના ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ નીખિલ ભટ્ટ કહે છે કે, મારી દ્રષ્ટિએ અત્યારે માર્કેટ પોઝિટિવ છે અને ઘટાડાના ખાસ સંકેત નથી. કારણ કે ડિમેટ એકાઉન્ટ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને દૈનિક ટર્નઓવર વધી રહ્યું છે. શેર બજારની સાચી સ્થિતિ આવનારા પૂર્ણકક્ષાના બજેટ પર વધારે નિર્ભર રહેશે. શેરબજાર માટે અતિ મહત્વનું પરિબળ ચોમાસું છે. આ વખતે સામાન્ય કરતાં પણ સારું ચોમાસું રહેવાના એંધાણ છે. જે આવનારી માંગને પ્રોત્સાહન આપશે અને ફૂગાવાને અંકુશમાં રાખવાનું કામ કરશે. આ પરિબળો શેરબજારની ભાવિ દિશા નક્કી કરવા મહત્વપૂર્ણ રહેશે.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પણ શેરબજારની વાત કરી ચૂક્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં જ ઈકોનોમિક્સ ટાઈમ્સને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, તેમાં કહ્યું હતું કે, ભાજપની જીતથી શેરબજારમાં રેકોર્ડ તેજી જોવા મળશે. પરિણામો આવ્યા પછી આખું સપ્તાહ એવું ટ્રેડિંગ થશે કે ઓપરેટ કરનારા થાકી જશે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં બજારે 25 હજારથી 75 હજાર સુધીની સફર કરી છે. આ પહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહે NDTVને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 4 જૂન પછી સ્ટોક માર્કેટમાં જબરી તેજી આવશે. એટલે આ વખતની ચૂંટણીમાં પહેલીવાર આ રીતે સ્ટોક માર્કેટની ચર્ચા થઈ છે.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં શેરબજારની કેવી સ્થિતિ હતી?
લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં સ્ટોક માર્કેટની શું સ્થિતિ રહી હતી, તેને સમજીએ. જેથી આવનારી ચૂંટણીમાં શેરબજાર કેવું રહેશે, તેનો અંદાજ જાણી શકાશે…
2009 : એ વર્ષમાં યુપીએની મનમોહન સિંઘની સરકારે સત્તા જાળવી રાખી હતી. 16 એપ્રિલથી 13 મે વચ્ચે ચૂંટણી થઈ હતી. એ સમયે શેરબજારમાં સામાન્ય ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. 16 એપ્રિલ, 2009એ સેન્સેક્સ 11,732 અંકે બંધ થયો હતો. 13 મેએ જ્યારે મતદાન પૂરું થયું ત્યારે સેન્સેક્સ લગભગ 12,173 અંક પર બંધ થયો હતો. પરિણામો જાહેર થયાના અઠવાડિયામાં નિફ્ટી 21.5% ઘટ્યો હતો.
2014 : જાન્યુઆરી 2014ની શરૂઆતમાં સેન્સેક્સ 21,140 અંકે બંધ થયો હતો અને માર્ચ 2014ના અંતમાં 22,386 અંક સુધી પહોંચી ગયો હતો. જેમ જેમ તારીખ નજીક આવી તેમ તેમ વોલિટાલિટી વધી ગઈ. 2014માં લોકસભાનું વોટિંગ શરૂ થયું તે પહેલાં સેન્સેક્સ સરેરાશ 21,700ના સ્તરે બનેલો રહ્યો. મોદી સરકારની બહુમતીથી જીત થઈ હતી. પરિણામોના એક અઠવાડિયામાં નિફ્ટી 5 ટકા વધ્યો હતો.
2019 : 2019માં ચૂંટણીની પહેલાં એટલે જાન્યુઆરી 2019ની શરૂઆતમાં સેન્સેક્સ 36,068 અંક આસપાસ રહ્યો. ફેબ્રુઆરી 2019માં સેન્સેક્સ 36,063 અંક પર બંધ થયો. એ પછી સેન્સેક્સે રફતાર પકડી. 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક થઈ એ પછી 29 માર્ચ 2019એ 38,673 અંક પર બંધ થયો. એપ્રિલમાં પણ તેજી આવી. 10 એપ્રિલે વોટિંગ શરૂ થયાના બરાબર પહેલાં 38,585 અંકો પર પહોંચી ગયો. મતદાનના તબક્કા દરમિયાન શેરબજારમાં સારો ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. પરિણામોના અઠવાડિયામાં નિફ્ટી 3.5% વધ્યો હતો.
2024 : 27મેએ સેન્સેક્સ પહેલીવાર 76 હજારની સપાટીએ પહોંચીને ઘટ્યો હતો. 28મેએ પણ સેન્સેક્સ 202 અંક નીચે ગયો હતો. 29 મેને બુધવારે શેરબજાર નીચે ગયું હતું. સેન્સેક્સ 674 પોઈન્ટ ઘટીને 74,454 પોઈન્ટે બંધ થયો તો નિફ્ટી 183 અંક ઉતરીને 22, 704 અંકો પર બંધ થયું હતું. લોકસભા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ત્યારથી સેન્સેક્સ સરેરાશ 2638 પોઈન્ટ ઉછળ્યો છે. 19 એપ્રિલથી 29 મે વચ્ચે સેન્સેક્સ 3574 પોઈન્ટ વધ્યો હતો. હવે 4 જૂનના પરિણામો પછી ઉતાર-ચઢાવ જોવા મળશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ. (પ્રતીકાત્મક તસવીર)
પાંચ તબક્કાના મતદાન સુધી NDAને 310 સીટનું અનુમાન
લોકસભાની ચૂંટણીના મતદાનના છ તબક્કા પૂરા થઈ ગયા છે. સાતમા અને અંતીમ તબક્કાનું મતદાન 1 જૂન (આજે) થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં અમિત શાહે ઈન્ડિયન અક્સપ્રેસને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, છ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને અત્યાર સુધીમાં એનડીએને 300થી 310 સીટ મળી છે. તેવો અમારો વિશ્વાસ છે. પણ આમાં છઠ્ઠા તબક્કાના આંકડા હું નથી સામેલ કરતો. અમિત શાહે જો આ પાંચ તબક્કાના આંકડા આપ્યા છે તો પણ સાત તબક્કાના મતદાન પછી એનડીએને 400 પાર સીટ મળવી બહુ મુશ્કેલ જણાઈ રહ્યું છે. એટલે તેના આધારે વાત કરીએ તો શેરબજારમાં ચૂંટણી પરિણાનો પછી પ્રવાહી સ્થિતિ જોવા મળશે.
મજબૂત સરકાર બનશે તો મોટાપાયે પ્રોફિટ બૂકની સંભાવના
સ્ટોક માર્કેટના એક્સપર્ટ્સ કહે છે કે, એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળશે તો સેન્સેક્સ ઉપરમાં ઝડપી 77 હજાર, નિફ્ટી 23700 અને બેન્ક નિફ્ટી 53 હજારની સપાટી સુધી પહોંચી શકે છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રોકાણકારોના મજબૂત સપોર્ટના કારણે માર્કેટમાં તેજી રહી છે અને મજબૂત સરકાર રચાશે તો ચૂંટણી પરિણામો પછી મોટાપાયે પ્રોફિટ બૂક સંભવ છે. એનડીએને 370થી વધારે સીટ મળશે તો રેલવે, ડિફેન્સ અને પીઅસયુ શેર્સમાં 5થી 20 ટકા સુધીની તેજી આવી શકે છે. વોલેટાલિટી સતત વધી રહી છે. નિફ્ટી વીઆઈએક્સ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
ચૂંટણી પરિણામના દિવસ માટે NSEની સર્કિટ ફિલ્ટરની જાહેરાત
લોકસભા ચૂંટણીનાં પરિણામના દિવસે શેરબજારમાં ઉચ્ચ પ્રવાહિતાની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે તો બજારની સ્થિતિ કેવી રહેશે એ અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ જાહેરાત હતી. ચૂંટણીનાં પરિણામ બપોરે 1 વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે અને માર્કેટ 10 ટકા ઉપર કે નીચે તરફ રહેશે તો એવા કિસ્સામાં 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ અટકાવાશે. માર્કેટમાં 10 ટકા સર્કિટ 1 વાગ્યાથી 2.30ની વચ્ચે લાગશે તો માર્કેટમાં 15 મિનિટ કામકાજ અટકાવાશે અને 15 મિનિટ પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન રહેશે.
જ્યારે 2.30 પછી 10 ટકાની સર્કિટના કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે. 15 ટકાની સર્કિટના કિસ્સામાં 1 વાગ્યા પહેલાં લાગશે તો બજાર 1.45 મિનિટ થંભી જશે અને તે પછી 15 મિનિટ પ્રી-ઓપન સેશન રહેશે. 1થી 2.30 વાગ્યા દરમિયાન 45 મિનિટ બજાર બંધ રહેશે અને તે પછી 15 મિનિટ પ્રી-ઓપન સેશન રહેશે, જ્યારે 2 વાગ્યા પછી સર્કિટ લાગશે તો તે પછી કામકાજ નહીં થાય. જ્યારે 20 ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે.