અમદાવાદ
ખાનગી ટીવી ચેનલના પત્રકાર (કોપી એડિટર) ચિરાગ પટેલે આત્મહત્યા કરી કે હત્યા નિપજાવાઈ? આ રહસ્ય ઉકેલવા ચાર દિવસથી પ્રયાસ કરી રહેલી પોલીસ પણ ‘અવઢવ’માં અટવાઈ છે. ચિરાગના સ્વજનોએ મુખ્યમંત્રી ઓફિસમાં રજૂઆત કરતાં અને સોશિયલ મીડિયામાં મેસેજીસ વાયરલ થતાં પોલીસે ‘તપાસ અહેવાલ’ જાહેર કર્યો હતો. હત્યા, આત્મહત્યા બન્ને દિશામાં તપાસ ચાલી રહી છે.
સેક્ટર-૨ના એડિશનલ પોલીસ કમિશનર એમ.એચ. ભરાડા અને ઝોન-૫ ડીસીપી અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, સ્થળ ઉપરથી ઝપાઝપી કે એવા કોઈ નિશાન મળ્યાં નથી. ચિરાગની બાઈક ઉપરથી મોબાઈલ ફોન સિવાય પર્સ, આઈ-કાર્ડ સહિતની વસ્તુઓ સલામત મળી છે જે હત્યાના સંજોગોમાં શક્ય નથી. ચિરાગ બપોરે બે વાગ્યાના અરસામાં નિકોલ સ્થિત ઘરેથી નીકળ્યો અને છેલ્લા ૪-૪૫ વાગ્યે મોબાઈલ ફોન ચાલુ હતો. ઘર નજીકથી મૃતદેહ મળ્યો ત્યાં સુધીના કુલ સાત સીસીટીવી તપાસતાં ચિરાગ એકલો જ જઈ રહ્યાનું સ્પષ્ટ થયું છે. ટેબલી હનુમાન રોડ પાસેના ગલ્લા ઉપરથી ચિરાગે Rs ૧૦ની પાણીની બોટલ લીધી હતી. ટેબલી હનુમાનના મહંત રોકડિયાબાપુ બપોરે સવા ચાર વાગ્યે નિકોલ રામધૂનમાં જવા નીકળ્યા ત્યારે ચિરાગને બાઈક ઉપર બેઠેલો અને પડીકામાંથી કંઈક ખાતા જોયો હતો. સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના અવશેષ મળ્યાં છે તે FSLમાં મોકલાયા છે.
મૃતક ચિરાગ પટેલના એક્સિસ બેન્ક, HDFC અને SBI બેન્ક ખાતાંના સ્ટેટમેન્ટ મેળવી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મૃતક ચિરાગના વિશેરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. મૃતદેહ મળ્યો ત્યાં અને તેનાથી ૧૫ ફૂટ દૂર ઘાસ બળ્યાના અવશેષ મળ્યાં છે. ચિરાગ મૃત્યુ કેસમાં હત્યાનો ગુનો નોંધી ચૂકેલી પોલીસને ‘આપઘાતની સંભાવના’ વધુ જણાય છે. છતાં, તમામ સંભાવના તપાસી ‘હત્યા કે આત્મહત્યા?’ એ સ્પષ્ટ કરવા પોલીસ ટીમો હજુ તપાસ કરી રહી છે.
ચિરાગ પટેલના રહસ્યમય મૃત્યુના ચાર દિવસે પોલીસ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ન શકતાં સોશિયલ મીડિયામાં ‘ચિરાગને ન્યાય આપો’ના મેસેજ વાયરલ થયાં છે. મંગળવારે રાતે પત્રકારોએ વસ્ત્રાપુર તળાવ પાસે કેન્ડલ માર્ચ યોજી હતી. ચેનલો અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ મૌન પ્રાર્થના પણ કરી હતી. બીજી તરફ ઝોન-5 DCP અક્ષયરાજ મકવાણાએ ‘ચિરાગના મૃત્યુ અંગે જાણકારી હોય તો પોલીસને આપવા અપીલ’ કરી છે.