32 મિનિટ પેહલા
- કૉપી લિંક
મલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું માત્ર 24 વર્ષની વયે નિધન થયું છે. લક્ષ્મિકાએ સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં અંતિમ શ્વાસ લીધા. અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું. લક્ષ્મિકાએ ખૂબ જ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. ફિલ્મ ‘કક્કા’માં પંચમીનું પાત્ર ભજવ્યા બાદ અભિનેત્રી ઘણી લોકપ્રિય બની હતી. આ પાત્ર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયના સંઘર્ષની આસપાસ ફરે છે. તેમના મૃત્યુના સમાચારથી મલયાલમ ઉદ્યોગમાં નિરાશા ફેલાઈ ગઈ હતી.
આ ફિલ્મોથી લક્ષ્મિકા સજીવને લોકપ્રિયતા મેળવી હતી
અભિનેત્રી લક્ષ્મિકા સજીવને ‘કક્કા’, ‘ચવર્નાથથા’,’સાઉદી વેલાક્કા’,’પુઝાયમ્મા’,’યમંદન પ્રેમકથા’ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મ ‘પુઝાયમ્મા’ પણ તેની કારકિર્દીમાં એક સારો વળાંક સાબિત થઈ. આ ફિલ્મમાં તેણે દેવયાનીની ટીચરની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે 2021 માં રિલીઝ થયું હતું. ફિલ્મો સિવાય લક્ષ્મિકાએ ટીવી શોમાં પણ કામ કર્યું છે. લક્ષ્મિકાની છેલ્લી ફિલ્મ ‘કૂન’ હતી.
ફિલ્મ ‘કક્કા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
લક્ષ્મિકાને ફિલ્મ ‘કક્કા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું પાત્ર એક ગરીબ છોકરીનું હતું. તે છોકરીને કાળા રંગ અને મોટા દાંત બતાવવામાં આવ્યા હતા. તેના દ્વારા ભજવવામાં આવેલ પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અજુ અજીશે કર્યું હતું. આ ફિલ્મમાં લક્ષ્મિકા ઉપરાંત સતીશ અંબાડી, શ્રીલા નલેદમ, ગંગા સુરેન્દ્રન અને વિપિન નીલ પણ જોવા મળ્યા હતા. ફિલ્મ ‘કક્કા’ને OTT પર 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થઈ હતી.
સોશિયલ મીડિયા પર ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
લક્ષ્મિકાના નિધનના સમાચાર સાંભળીને તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફેન્સ ઉપરાંત મલયાલમ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.