2 દિવસ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર આજે 88 વર્ષના થઈ ગયા છે. ઉંમરના આ તબક્કે પણ ધર્મેન્દ્રએ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં માત્ર લીડ રોલ જ નિભાવીને નહીં, પરંતુ કિસિંગ સીન આપીને પણ સાબિત કર્યું હતું કે, ઉંમર તેમના માટે માત્ર ને માત્ર એક નંબર છે. 88 વર્ષીય ધર્મેન્દ્ર બોલિવૂડના સૌથી વયોવૃદ્ધ છતાં એક્ટિવ અભિનેતા છે, જેમની પાસે આગામી દિવસોમાં ‘ડંકી’, ‘અપને 2’ અને અનટાઈટલ રોમેન્ટિક ફિલ્મ પણ છે.
આ વર્ષ માત્ર ધર્મેન્દ્ર માટે જ નહીં પરંતુ દેઓલ્સ માટે પણ ખૂબ જ ખાસ રહ્યું છે. સની દેઓલની ‘ગદર-2’ 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ફિલ્મ હતી, જ્યારે બોબી દેઓલ હાલમાં ‘એનિમલ’ ફિલ્મમાં જોવા મળે છે, જે ‘ગદર-2’નો રેકોર્ડ પણ તોડી રહી છે.
આજે, ધર્મેન્દ્રના બર્થડેના ખાસ દિવસ પર વાંચો હેડ માસ્ટર કેવલ કિશન દેઓલના ઘરે જન્મેલા ધરમ પાજીની 8 દાયકાની સંઘર્ષ ભરેલી ફિલ્મી વાર્તા –
વાર્તા શરૂ થાય છે 1935થી…
બ્રિટિશ ભારતમાં પંજાબના સાહનેવાલ ગામમાં કિશન દેઓલ નામના એક મુખ્ય શિક્ષક હતા. 8 ડિસેમ્બર, 1935નો દિવસ હતો જ્યારે કેવલ કિશનનાં પત્ની સતવંત કૌરે એક પુત્રને જન્મ આપ્યો હતો. તે બાળકનું નામ ધર્મેન્દ્ર કેવલ કિશન હતું. ધર્મેન્દ્રનું બાળપણ સાહનેવાલમાં પંજાબી જાટ પરિવારમાં વીત્યું હતું. તેમના પિતા સરકારી માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક હતા, જ્યાં મસ્તીખોર ધર્મેન્દ્રનું એડમિશન કરવામાં આવ્યું હતું. નાનપણથી જ તોફાન માટે ઠપકો સહન કરનાર ધર્મેન્દ્ર ખૂબ જ હેન્ડસમ હતા, જેની તેમને પોતાને પણ જાણ હતી. તેઓ માત્ર 19 વર્ષના હતા જ્યારે તેમના પિતાએ તેમનાં લગ્ન 1954માં પ્રકાશ કૌર સાથે કરાવ્યાં હતાં.
આ એ જ વર્ષ હતું જ્યારે ધર્મેન્દ્રના જીવનને એક નવી દિશા મળવાની હતી. એક દિવસ અખબાર વાંચતી વખતે ધર્મેન્દ્રની નજર એક ખૂણામાં એક જાહેરખબર પર પડી. તેમાં લખ્યું હતું કે ફિલ્મફેર મેગેઝિન મુંબઈમાં ટેલેન્ટ હન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાને ફિલ્મોમાં કામ આપવામાં આવશે. તે સમયે તેમનાં નવા-નવા લગ્ન થયાં હતાં, તેથી તેમની પત્નીને છોડીને મુંબઈ જવું તેમના માટે મુશ્કેલ હતું, પરંતુ આ વાત માટે ધર્મેન્દ્રએ તેમના પરિવારને મનાવ્યો હતો.
ધર્મેન્દ્ર થોડા રૂપિયા લઈને સપનાની નગરી મુંબઈ પહોંચ્યા હતા. અને દેશભરના યુવાનોને હરાવીને પોતાની આવડતથી સફળ થયા હતા. શરત એ હતી કે, જો કોઈ ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટ જીતશે તો તેને ફિલ્મમાં કામ આપવામાં આવશે, પરંતુ ધર્મેન્દ્ર આ કોન્ટેસ્ટ જીતવા છતાં તેમને કોઈ ફિલ્મમાં કામ મળ્યું નહીં, આર્થિક સ્થિતિને કારણે અમુકવાર તો ભૂખ્યા પેટે દિવસ પસાર કરવો પડતો હતો. ધર્મેન્દ્ર પાસે ઘરે પરત ફરવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે મુંબઈમાં જ એક ડ્રિલિંગ ફર્મમાં કામ કરવાનું શરૂ કર્યું. પગાર 200 રૂપિયા હતો. રોજીરોટી મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી, તેથી તેઓ નાની-નાની નોકરીઓ પણ કરતા હતા. ગામડાથી હીરો બનવાનું સપનું લઈને આવેલા ધર્મેન્દ્ર નોકરીની સાથે સાથે અનેક નિર્માતાઓની ઓફિસે પણ જતા હતા.
ક્યારેક ધર્મેન્દ્રને સાધારણ પગારમાં પેટ ભરીને ભોજન મળતું તો ક્યારેક તેમને ખાલી પેટે સૂઈ જવાનો વારો આવતો હતો. એ જ રીતે, એક દિવસ જ્યારે ધર્મેન્દ્ર કામ પરથી પરત ફર્યા ત્યારે ભૂખને કારણે બેહોશ થવા લાગ્યા હતા. ઘરમાં ન તો કોઈ ખાવાની વસ્તુ હતી કે ન તો ખિસ્સામાં પૈસા હતા. ભૂખથી પીડાતી વખતે ધર્મેન્દ્રની નજર ટેબલ પર પડેલા ઈસબગુલના પેકેટ પર પડી. તે કશું જ વિચારી ન શક્યા અને આખું પેકેટ પાણીના ગ્લાસમાં ઓગાળીને પી ગયા હતા. થોડીવાર માટે ભૂખ સંતોષાઈ પણ એ પછી ઇસબગુલે પોતાનું કામ શરૂ કર્યું. ઇસબગુલનો ઉપયોગ સામાન્ય રીતે કબજિયાતને દૂર કરવા અથવા પાચન માટે કરવામાં આવતો હોય છે. ધર્મેન્દ્રને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો અને ઝાડા થઈ ગયા હતા. થોડા કલાકો રાહ જોયા બાદ તેમના રૂમ પાર્ટનર આ સ્થિતિને ગંભીરતાથી લઈને ધર્મેન્દ્રને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે આખી પરિસ્થિતિ ડોક્ટરને જણાવી તો ડોક્ટરે હસીને કહ્યું કે, ‘તેમને દવાની નહીં પણ ખોરાકની જરૂર છે.’
1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ જબરદસ્ત હિટ રહી હતી અને પહેલી જ ફિલ્મથી ધર્મેન્દ્રને દેશભરમાં ઓળખ મળી હતી
કટોકટીના આ સમયગાળા દરમિયાન સુખનો સૂરજ ઊગ્યો હતો. ધર્મેન્દ્રને અર્જુન હિંગોરાનીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’માં કામ મળ્યું હતું. આ ફિલ્મ માટે તેમને માત્ર 51 રૂપિયા મળ્યા હતા, પરંતુ તે સમયે આ રકમ પણ પૂરતી હતી. રહેવા માટે કોઈ કાયમી જગ્યા ન હોવાથી તે અર્જુન હિંગોરાનીના ગેરેજમાં રહેવા લાગ્યા હતા. થોડા સમય પછી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ધર્મેન્દ્રને કમળો થયો હતો. તેમણે વજન ઘટાડ્યું અને સ્વસ્થ થયા પછી ફરીથી શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેમનો ચહેરો સુકાઈ ગયો હતો. એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ જણાવ્યું કે, જ્યારે તેઓ ફિલ્મના પ્રીમિયરમાં પહોંચ્યા ત્યારે તેઓ પોતાનો ચહેરો ઓળખી શક્યા ન હતા. તેમના લુકથી નિરાશ થઈને તેઓ અડધી ફિલ્મ પણ જોઈ ન શક્યા અને થિયેટર છોડીને ચાલ્યા ગયા હતા. તેઓએ વિચાર્યું કે કોઈ તેમને પસંદ કરશે નહીં, પરંતુ તેનાથી વિરુદ્ધ થયું હતું.
1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરા’ ઘણી હિટ રહી હતી અને પહેલી જ ફિલ્મથી ધર્મેન્દ્રને દેશભરમાં ઓળખ મળી હતી. ધર્મેન્દ્રને લોકપ્રિયતા મળતાંની સાથે જ તેમણે ‘સુરત ઔર સીરાત’ (1966), ‘અનપઢ’ (1962), ‘બંદિની’ (1963), ‘આઇ મિલન કી બેલા’ (1964), ‘બહારેં ફિર આયેંગી’ (1966), ‘દિલ ને ફિર યાદ કિયા’ (1966), ‘દુલ્હન એક રાત કી’ (1967) ઘણી હિટ ફિલ્મો મળવા લાગી. આ ફિલ્મોના કારણે તેમને 60ના દાયકામાં રોમેન્ટિક હીરોનો દરજ્જો મળ્યો હતો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રએ પોતાનું નામ હીરો તરીકે તો બનાવ્યું હતું, પરંતુ તેમને સ્ટારનો દરજ્જો મળવાનો બાકી હતો. મીનાકુમારીએ આ કામ કર્યું. તેઓ 1964માં આવેલી ફિલ્મ ‘મૈં ભી લડકી હૂં’માં સાથે જોવા મળ્યાં હતાં. મીનાકુમારીએ પહેલી ફિલ્મથી જ ધર્મેન્દ્રને પસંદ કરવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે મીના અને તેના પતિ કમાલ અમરોહી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. ધર્મેન્દ્રએ મીનાકુમારીના ભગ્નહૃદયને સહારો આપ્યો અને બંને નજીક આવવા લાગ્યાં. એવું કહેવાય છે કે, મીનાકુમારી તેના નિર્માતાઓ સમક્ષ એક શરત રાખતા હતા કે, તેઓ ફિલ્મના હિરોઈન ત્યારે જ બનશે જ્યારે ધર્મેન્દ્ર ફિલ્મનો હીરો રહેશે.
‘ફૂલ ઔર પથ્થર’ ફિલ્મથી ધર્મેન્દ્રએ રોમેન્ટિક હીરોની ઈમેજ બદલીને એક્શન હીરો બનાવી દીધી
મીનાકુમારી જેવી મોટી અભિનેત્રીને કાસ્ટ કરવા માટે ફિલ્મમેકર્સ તેમની દરેક શરત સ્વીકારતા હતા. મીનાકુમારી- ધર્મેન્દ્ર ‘પૂર્ણિમા’, ‘કાજલ’, ‘મંજલી દીદી’, ‘બહારોં કી મંઝીલ’ અને ‘ફૂલ ઔર પથ્થર ‘ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં હતાં અને ધર્મેન્દ્રને સ્ટારનો દરજ્જો મળ્યો હતો. મીનાકુમારી અને ધર્મેન્દ્રની લવસ્ટોરીની ચર્ચા ફિલ્મોના સેટ પરથી થવા લાગી હતી. એવું પણ કહેવાય છે કે, તેમના સંબંધોના સમાચારની દેશમાં એટલી ચર્ચા થઈ હતી કે એક કાર્યક્રમમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને મીનાકુમારીને પૂછ્યું હતું કે શું તેઓ ખરેખર ધર્મેન્દ્ર સાથે સંબંધમાં છે?
પરંતુ ધર્મેન્દ્ર સ્ટાર બન્યા કે તરત જ તેઓ પોતાની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થવા લાગ્યા. જેના કારણે તેમના સંબંધો પર અસર પડી. ધર્મેન્દ્ર મીનાકુમારીને નજરઅંદાજ કરવા લાગ્યા, જેના કારણે મીનાકુમારી તૂટી પડ્યાં હતાં. મીના બીમાર પડ્યાં ત્યારે પણ ધર્મેન્દ્રએ તેના વિશે કોઈ ખબર-અંતર પૂછ્યા ન હતા. તેમના અલગ થયાના થોડા મહિના પછી બંનેની મુલાકાત ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ની સક્સેસ પાર્ટીમાં થઈ હતી. આ પાર્ટી મીનાના પૂર્વ પતિ કમાલ અમરોહીએ આયોજિત કરી હતી. ધર્મેન્દ્ર પાર્ટીમાં પહોંચ્યા પરંતુ મીનાકુમારીને પાર્ટીમાં પ્રવેશતાં જોતાં જ ધર્મેન્દ્રએ નજર ફેરવી લીધી.
ધર્મેન્દ્રના આ પ્રકારના વલણને કારણે મીના સંપૂર્ણપણે ભાંગી પડ્યાં હતાં. તેઓ રડતાં-રડતાં ત્યાં જ ઊભા રહ્યાં હતાં અને તમાશો બનશે તેવા ડરથી મીનાકુમારી પાર્ટી છોડીને ચાલ્યાં ગયાં હતાં. એવું કહેવાય છે કે, ધર્મેન્દ્રએ સફળતા મેળવવા માટે મીનાનો ઉપયોગ કર્યો અને પછી તેમને એકલાં છોડી દીધાં હતાં. એવું પણ કહેવાય છે કે, મીનાકુમારીના મૃત્યુ પછી કમાલ અમરોહીએ 1982ની ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’માં ધર્મેન્દ્રને કાસ્ટ કર્યા હતા. તેમની પાસેથી બદલો લેવા કમાલ અમરોહીએ જાણી જોઈને તેમનો ચહેરો કાળો કરી નાખ્યો હતો.
1966ની ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ પછી ધર્મેન્દ્રએ રોમેન્ટિક હીરોની ઇમેજ બદલીને એક્શન હીરો બનાવી દીધી અને ‘આઇ મિલન કી બેલા’, ‘આયા સાવન ઝુમકે’, ‘મેરે હમદમ મેરે દોસ્ત’, ‘ઇશ્ક પર જોર નહીં’, ‘પ્યાર હી પ્યાર’ જેવી હિટ ફિલ્મો કરી હતી. ધર્મેન્દ્ર માટે 70નો દાયકો મહત્ત્વનો સાબિત થયો હતો. તેમણે ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સીતા ઔર ગીતા’, ‘સમાધિ’, ‘રાજા જાની’, ‘યાદોં કી બારાત’, ‘શોલે’ જેવી ઘણી મોટી હિટ ફિલ્મોનો ભાગ બનીને પોતાને ટોચના હીરો બનાવી દીધા હતા.
ધર્મેન્દ્રને લાગ્યું કે, કદાચ હૃષિ દા તેમને ફિલ્મમાં હીરો બનાવશે, તેથી જ તેઓ વાર્તા સંભળાવતા હતા. થોડા દિવસો પછી ધર્મેન્દ્રએ અખબારમાં સમાચાર વાંચ્યા કે, રાજેશ ખન્ના હૃષિકેશ મુખર્જીની આગામી ફિલ્મ ‘આનંદ’ના હીરો હશે. આ સાંભળીને ધર્મેન્દ્ર ચોંકી ગયા, કારણ કે તેમના મનમાં તે ફિલ્મનો હીરો બનવાનો વિચાર ચાલી રહ્યો હતો. આ દુઃખને દૂર કરવા માટે, ધર્મેન્દ્રએ ખૂબ જ પીધું અને નશામાં ઋષિ દાને બોલાવીને વાર્તા કહેવાનું શરૂ કર્યું. કહ્યું કે ‘તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો?’- ઋષિ દાએ તેને સમજાવવાની કોશિશ કરી અને કહેતા રહ્યા કે ‘ધરમ, રાત બહુ થઈ ગઈ છે અને તેના વિશે પછી વાત કરીશું’- પણ ધરમ પાજી ‘ધરમ પાજી’ હતા. તે એક પછી એક ફોન કરતા રહ્યા અને આખી રાત આમ જ વીતી ગઈ. વેલ, આ હોવા છતાં તેમની મિત્રતામાં કોઈ તિરાડ સર્જાઈ ન હતી. બંનેએ ‘યકીન’, ‘ચૂપકે ચૂપકે’, ‘ગુડ્ડી’, ‘અનુપમા’, ‘મંજલી દીદી’, ‘પ્રોફેસર પ્યારેલાલ’, ‘ચેતાલી’, ‘પ્યાર હી પ્યાર’ અને ‘સત્યકામ’ જેવી ડઝનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
1972ની ફિલ્મ ‘સમાધિ’એ રૂ. 3.2 કરોડની કમાણી કરી હતી અને તે હિટ રહી હતી, પરંતુ ઝંજીર તેનાથી પણ મોટી હિટ હતી.
હવે વાત એ ફિલ્મની કે જે ધર્મેન્દ્રની હતી, પરંતુ તેણે પોતે જ તે ફિલ્મ આપીને અમિતાભને સ્ટાર બનાવી દીધા. લગભગ 70ના દાયકાની શરૂઆતની વાત છે. ધર્મેન્દ્રને પ્રખ્યાત લેખક-યુગલ સલીમ-જાવેદ દ્વારા લખાયેલી ફિલ્મ ‘ઝંજીર’ ખૂબ જ ગમી હતી. એ જ ‘ઝંજીર’ જે બ્લોકબસ્ટર થઈ અને અમિતાભ બચ્ચનને સ્ટાર બનાવી દીધા. ધર્મેન્દ્રએ સ્ક્રિપ્ટ ખરીદી અને પોતે જ ‘ઝંજીરનો હીરો બનવાનું નક્કી કર્યું. તે જ સમયે પ્રકાશ મહેરા ‘સમાધિ’ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. એક દિવસ પ્રકાશ મહેરાએ તેમની ફિલ્મ ‘સમાધિ’ની સ્ક્રિપ્ટ સાથે ધર્મેન્દ્રનો સંપર્ક કર્યો અને તેમને મુખ્ય ભૂમિકાની ઓફર કરી. ધર્મેન્દ્રને ફિલ્મની વાર્તા એટલી ગમી કે તેમણે પ્રકાશ મહેરા પાસેથી ફિલ્મની આખી વાર્તા ખરીદી અને બદલામાં તેમને પોતાની ફિલ્મ ‘ઝંજીર’ની વાર્તા પ્રકાશ મેહરાને આપી દીધી.
જ્યારે પ્રકાશ મહેરાને ફિલ્મ ‘ઝંજીર’ મળી ત્યારે તેમણે ધર્મેન્દ્રને ફિલ્મમાં લીડ રોલ આપ્યો હતો, પરંતુ તે સમયે ધર્મેન્દ્ર ફિલ્મ ‘સમાધિ’ને વધુ મહત્ત્વ આપતા હતા. તેમણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. દેવ આનંદ અને રાજકુમારના ઇનકાર પછી તે ફિલ્મ અમિતાભ બચ્ચન પાસે આવી અને તેઓ તેનાથી સ્ટાર બની ગયા હતા. ધર્મેન્દ્રની ફિલ્મ ‘સમાધિ’ 1972માં રિલીઝ થઈ હતી અને તે હિટ રહી હતી, પરંતુ તેમના પછીના વર્ષે 1973માં રિલીઝ થયેલી ‘ઝંજીર’ બ્લોકબસ્ટર બની હતી. ધર્મેન્દ્રએ પોતે ક્યારેય એવું કહ્યું નથી, પણ ક્યાંક ને ક્યાંક તેમને ફિલ્મ ‘ઝંજીર’ બદલ અફસોસ થયો હતો.
જો આપણે ધર્મેન્દ્ર વિશે વાત કરીએ અને ‘શોલે’નો ઉલ્લેખ ન કરીએ તો આ કેવી રીતે થઈ શકે? 70ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોની વાત છે, જ્યારે જી.પી. સિપ્પીના પુત્ર રમેશ સિપ્પીએ સલીમ-જાવેદ દ્વારા લખેલી સ્ક્રિપ્ટ પર ફિલ્મ ‘શોલે’ બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ધર્મેન્દ્ર અને અમિતાભને ફિલ્મના હીરો તરીકે પસંદ કર્યા. તે સમયે ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે સંબંધો શરૂ થઈ ગયા હતા. આ બંનેએ અગાઉ ‘તુમ હસીન મૈં જવાન’, ‘સીતા ઔર ગીતા’, ‘શરાફત’, ‘નયા જમાના’, ‘પથ્થર ઔર પાયલ’, ‘કબ ક્યૂં ઔર કહાં’ જેવી ફિલ્મો સાથે કરી હતી.
ધર્મેન્દ્ર ‘શોલે’ માટે સંમત થયા પરંતુ એક શરત સાથે. તે શરત એ હતી કે, ધર્મેન્દ્રને ફિલ્મમાં વીરુ નહીં પણ ઠાકુરની ભૂમિકા આપવામાં આવે, જે સંજીવ કુમારને આપવામાં આવી હતી. રમેશ સિપ્પી કોઈ પણ સંજોગોમાં કાસ્ટિંગ બદલવા માગતા ન હતા. પરંતુ ધર્મેન્દ્ર મક્કમ હતા કે તેમને ઠાકુરનો જ રોલ મળવો જોઈએ. જ્યારે તેમણે પોતાનો આગ્રહ ન છોડ્યો ત્યારે રમેશ સિપ્પીએ પણ એક યુક્તિ અજમાવી. તેણે ધર્મેન્દ્રને બોલાવીને કહ્યું, જો તમે ઠાકુર બનશો તો તમને હેમા સાથે ઓછા સીન મળશે, પરંતુ જો તમે વીરુ બનશો તો તમને હેમા સાથે રોમેન્ટિક સીન કરવાનો મોકો મળશે.
ફિલ્મ ‘રઝિયા સુલતાન’ કમાલ અમરોહીની છેલ્લી ફિલ્મ હતી, જે ખૂબ જ ફ્લોપ રહી હતી.
રમેશ સિપ્પીએ આટલું કહ્યું કે તરત જ ધર્મેન્દ્ર રાજી થઈ ગયા હતા. ‘શોલે’ ફિલ્મના ઘણા આઇકોનિક સીન છે, તેમાંથી એક સીન છે જ્યારે વીરુ માસૂમ બસંતીની નજીક જાય છે અને તેમને બંદૂકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવે છે. જ્યારે આ સીન શૂટ થઈ રહ્યો હતો, ત્યારે ધર્મેન્દ્ર વારંવાર હેમા માલિનીની નજીક રહેવા માટે ખોટા શોટ આપી રહ્યા હતા, જેથી રિટેક થાય અને તેને હેમાની નજીક ઊભા રહેવાનો મોકો મળે. તે એટલા તોફાની હતા કે તેમણે સ્પોટ બોયને 2,000 રૂપિયા આપી દીધા, અને તેને વારંવાર રિટેક કરાવવાનું કહેતા હતા.
ફિલ્મનું શૂટિંગ અને ધર્મેન્દ્રનો ગુસ્સો એક રીતે અમિતાભ બચ્ચનના મૃત્યુનું કારણ બની ગયો હોત! વાત એમ હતી કે, ધર્મેન્દ્રને ક્લાઈમેક્સ સીનમાં એક સીન માટે ગોળીઓ અને ગનપાઉડર ભેગો કરવાના હતા, પરંતુ જ્યારે ‘એક્શન’ બોલાવવામાં આવતું ત્યારે ધર્મેન્દ્ર વારંવાર ભૂલો કરતા હતા અને તેમના હાથમાંથી ગોળીઓ વારંવાર પડી જતી હતી. જ્યારે અનેક રિટેક કરવા છતાં સીન બરાબર ન થયો ત્યારે ધર્મેન્દ્રની ધીરજ ખૂટી ગઈ હતી. આ વખતે જ્યારે ડિરેક્ટર એક્શન માટે બોલ્યા, ત્યારે ધર્મેન્દ્રએ ગોળીઓ ઉપાડી, પોતાની બંદૂકમાં ભરી અને પર્વત તરફ ગોળી ચલાવી, જ્યાં અમિતાભ બચ્ચન ઊભા હતા, ધર્મેન્દ્ર દ્વારા છોડાયેલી એ ગોળીઓ અમિતાભ બચ્ચનના કાનથી માત્ર થોડા જ ઇંચ દૂરથી નીકળી. તે ગોળી અને બંદૂક બંને અસલી હતાં. જે આ સીનને રિયલ બનાવવા માટે રમેશ સિપ્પીએ આપ્યાં હતાં. સેટ પર હાજર દરેક જણ ડરી ગયા હતા કે, જો એક કે બે ઈંચ નજીકથી જ ગોળી પસાર થઈ હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો શું થાત?
ધર્મેન્દ્ર વિશે એવું કહેવામાં આવે છે કે, તેઓ તેમની મદદ કરનારાઓનો ઉપકાર ક્યારેય ભૂલી શક્યા નથી. જેનાં ઘણાં ઉદાહરણો છે. પહેલું ઉદાહરણ એ છે કે, ધર્મેન્દ્ર હંમેશાં અર્જુન હિંગોરાનીની ફિલ્મોમાં નજીવી ફીમાં કામ કરતા હતા, કારણ કે અર્જુન હિંગોરાનીએ જ ધર્મેન્દ્રને તેની પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’માં કામ આપ્યું હતું. એ જ રીતે, તેમણે બિમલ દાનું પણ અહેસાન ચૂકવી દીધું હતું, જેમણે તેમને સંઘર્ષના દિવસોમાં ‘બંદીની’ (1963)માં કામ આપ્યું હતું. જ્યારે ધર્મેન્દ્ર બિમલ દાની ફિલ્મ ‘ચેતાલી’માં કામ કરી રહ્યા હતા, ત્યારે શૂટિંગ પૂરું થાય તે પહેલાં જ 1966માં તેમનું અવસાન થયું હતું.
બિમલ દાના મૃત્યુને કારણે ફિલ્મ અટકી ગઈ હતી, જે લોકોએ ફિલ્મમાં પૈસા રોક્યા હતા તે તમામ લોકો તેમની પત્ની મનોબીના પાસેથી પૈસા લેવા માટે ઘરે પહોંચવા લાગ્યા. ફિલ્મની હિરોઈન શર્મિલા ટાગોરે પણ થોડાં અઠવાડિયાં પછી ફિલ્મ છોડી દીધી અને બીજી ફિલ્મો કરવા લાગ્યાં હતાં. થોડા સમય પછી ધર્મેન્દ્ર પણ બિમલ દાના ઘરે પહોંચી ગયા હતા. તેમને જોતાં જ બિમલ દાની પત્ની મનોબીનાને લાગ્યું કે કદાચ તેઓ પણ તેની બાકીની ફી લેવા આવ્યા છે. મનોબીનાને પહેલેથી જ દેવું વધવાની ચિંતા હતી. ધર્મેન્દ્ર કંઈ બોલ્યા નહીં અને પૈસાથી ભરેલી બ્રીફકેસ સીધી જ તેમની સામે ખોલી. તેઓ કંઈ સમજી ન શક્યાં એટલે ધર્મેન્દ્ર બોલ્યો, બિમલ દા મારા પર ખૂબ ઋણી છે. આજે મને તેમનો ઉપકાર ચૂકવવાનો મોકો મળ્યો છે. મનોબીનાએ ધર્મેન્દ્ર પાસેથી આર્થિક મદદ લીધી અને એટલી જ રકમથી ફિલ્મ ‘ચેતાલી’ પૂરી થઈ. શર્મિલા ટાગોરની જગ્યાએ સાયરા બાનુ ફિલ્મની હિરોઈન બન્યાં અને ધર્મેન્દ્રની વિનંતી પર હૃષિકેશ મુખર્જીએ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.
1975ની ફિલ્મ ‘શોલે’ની ગણતરી હિન્દી સિનેમાના ઈતિહાસની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે
80ના દાયકાના અંત સુધીમાં નવા ચહેરાના આગમન સાથે ધર્મેન્દ્રએ મુખ્ય અને ચારિત્ર્ય ભૂમિકાઓ માટેની ઑફરોનો આનંદપૂર્વક સ્વીકાર કર્યો. 1983માં ધર્મેન્દ્રએ પોતાનું પ્રોડક્શન હાઉસ ‘વિજેતા ફિલ્મ્સ’ શરૂ કર્યું. આ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ ‘બેતાબ’ હતી, જેમાં ધર્મેન્દ્રએ તેમના મોટા પુત્ર સની દેઓલને લોન્ચ કર્યા હતા. તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. વિજેતા ફિલ્મ્સની બીજી ફિલ્મ ‘ઘાયલ’ હતી, જેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને 7 ફિલ્મફેર એવોર્ડ અને નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. આ પછી 1995માં ધર્મેન્દ્રએ તેમના નાના પુત્ર બોબી દેઓલને ‘બરસાત’ ફિલ્મથી લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ પણ હિટ રહી હતી.
1987માં 54 વર્ષીય ધર્મેન્દ્ર ફિલ્મ ‘હુકૂમત’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. જોકે, 80ના દાયકામાં તેમણે ‘લોહા જલ્લાદ નંબર 1’, ‘વીર’ જેવી બી-ગ્રેડ ફિલ્મો પણ કરી હતી. ધર્મેન્દ્રને 1997માં ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર દિલીપકુમાર અને સાયરા બાનુ પાસેથી એવોર્ડ મેળવતી વખતે ધર્મેન્દ્રએ ભાવનાત્મક રીતે કહ્યું હતું કે, ઘણી સફળ અને લગભગ 100 લોકપ્રિય ફિલ્મોમાં કામ કરવા છતાં તેમને ક્યારેય ‘શ્રેષ્ઠ અભિનેતા’નો એવોર્ડ આપવામાં આવ્યો નથી. સાથે જ દિલીપકુમારે કહ્યું કે, જ્યારે પણ તેઓ ભગવાનની સામે જાય છે ત્યારે બેસીને ભગવાનને જ ફરિયાદ કરે છે કે ‘તમે મને ધર્મેન્દ્ર જેવો સુંદર કેમ ન બનાવ્યો?’.
2003માં ત્રણ વર્ષ માટે અભિનયમાંથી બ્રેક લીધા બાદ ધર્મેન્દ્રએ 2007માં ફિલ્મો ‘લાઇફ ઇન અ મેટ્રો’ અને ‘અપને’ સાથે એક્ટિંગમાં કમબેક કર્યું અને પછી ફિલ્મોમાં એક્ટિવ થયા હતા. ધર્મેન્દ્રની અભિનય કારકિર્દી આજે પણ ‘યમલા પગલા દિવાના’, ‘યમલા પગલા દિવાના ફિર સે’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મો સાથે ચાલુ છે.
‘ચુપકે ચુપકે’ અને ‘શોલે’ ફિલ્મો 1975માં એકસાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો હિટ રહી હતી, જેમાં ધર્મેન્દ્ર અને અમિતાભ મુખ્ય ભૂમિકામાં હતા.
ધર્મેન્દ્રની ગણતરી આજે પણ હિન્દી સિનેમાના મહાન કલાકારોમાં થાય છે. કરિયરની શરૂઆતમાં ધર્મેન્દ્ર એટલા હેન્ડસમ હતા કે, તેમની ગણતરી દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં થતી હતી. ધર્મેન્દ્રને વર્ષ 2012માં ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.
100 એકરમાં ફેલાયેલા ફાર્મહાઉસની બાળકોની જેમ સંભાળ રાખે છે
ધર્મેન્દ્ર તેમના પરિવાર સાથે લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. આ ફાર્મહાઉસની કિંમત અંદાજે 120 કરોડ રૂપિયા છે. ધર્મેન્દ્ર તેમનો મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસમાં જૈવિક ખેતી કરવામાં વિતાવે છે. તેમના ખેતરો તેમને ખૂબ જ પ્રિય છે અને તેઓ તેની પોતાનાં બાળકોની જેમ સંભાળ રાખે છે.
ફાર્મહાઉસ સિવાય તેની પાસે મુંબઈમાં 20 કરોડ અને 80 કરોડ રૂપિયાનાં 2 ઘર પણ છે. આ સિવાય ધર્મેન્દ્ર પાસે 17 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને 55 લાખ રૂપિયાની ખેતીની જમીન પણ છે. તેમના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ SL 500 સામેલ છે, જેની કિંમત રૂ. 1.15 કરોડ છે. આ સિવાય તેમના પુત્ર સનીએ તેમને રેન્જ રોવર ઇવોક પણ ગિફ્ટ કરી છે, જેની કિંમત 75-80 લાખ રૂપિયા છે. ધર્મેન્દ્ર પાસે ઘણી કાર છે, જો કે તેમની ફેવરિટ કાર 1960માં ખરીદેલી ફિઆટ છે, જે તેમણે 18 હજાર રૂપિયામાં ખરીદી હતી.
બિઝનેસ ઇનસાઇડર અનુસાર, ધર્મેન્દ્રએ 2022માં ગરમ-ધરમ ધાબા નામની રેસ્ટોરાં ચેઇન શરૂ કરી છે. તેણે 2022માં કરનાલ હાઇવે પર હી-મેન નામની તેની પ્રથમ રેસ્ટોરાં ખોલી હતી.