3 કલાક પેહલા
- કૉપી લિંક
એડ ડિરેક્ટર પ્રહલાદ કક્કડે જણાવ્યું હતું કે, ‘આમિર ખાનને મુંબઈ રમખાણો (1992-93) દરમિયાન એક એડ ફિલ્મ શૂટ કરવાની હતી. પરંતુ, શહેરની ખરાબ સ્થિતિ જોઈને એક્ટર શૂટિંગ માટે ખચકાતો હતો. પરિવારને તેમના જીવનું જોખમ પણ હતું. આ સ્થિતિમાં પ્રહલાદે પોલીસ પાસે રક્ષણ માગ્યું હતું, પરંતુ આ રક્ષણ આપવામાં આવ્યું ન હતું. આ પછી સમયસર શૂટિંગ પૂરું કરવા માટે તમામ ક્રૂ મેમ્બર્સને પોલીસ યુનિફોર્મ પહેરાવીને લોકેશન પર લઈ જવામાં આવ્યા હતા.’
આ એડ ફિલ્મ સોફ્ટ ડ્રિંક બ્રાન્ડની હતી. આ એડમાં આમિર ઉપરાંત મહિમા ચૌધરી અને ઐશ્વર્યા રાયને પણ કાસ્ટ કરવામાં આવ્યાં હતાં.

ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘ખરેખર તોફાનોએ અમને ઘેરી લીધા હતા. જ્યારે રમખાણો થયા ત્યારે અમે અડધું શૂંટિંગ કરી ચૂક્યા હતા, તેથી અમારે તરત જ સેટ પરથી આખું યુનિટ ખાલી કરવું પડ્યું. ચારેબાજુ તોફાનો થઈ રહ્યાં હતાં. કલાકારોને તેમના ઘરે મોકલવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.’
‘આવી સ્થિતિમાં બધાને કારમાં બેસાડી સલામત હોટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અહીંથી બધાને સુરક્ષિત પોત પોતાના ઘરે જવા માટે કહેવામાં આવ્યું.’
રમખાણો દરમિયાન આમિર શૂટિંગ કરવા માટે અચકાતો હતો
પ્રહલાદ કક્કડે જણાવ્યું કે, ‘રમખાણો છતાં સ્ટુડિયોનું ભાડું ચૂકવવું પડ્યું. આવી સ્થિતિમાં તેમણે આમિરને ફોન કરીને કહ્યું, ‘આપણે આ ફિલ્મ પૂરી કરવી પડશે.’
આ અંગે આમિર અને તેમનો પરિવાર થોડો અચકાયો હતો. કેમ કે, આમિરને પરિવારજનોએ કહ્યું- ‘તુ મુસ્લિમ છો, હુલ્લડો ચાલી રહ્યા છે. જો કોઈ તને જોઈ જશે તો મુશ્કેલી ઊભી થશે.’

શૂટ કરવું ખૂબ જ જરૂરી હતું. આ સ્થિતિમાં પ્રહલાદ કક્કડે એક ઉપાય શોધી કાઢ્યો. જોખમથી બચવા માટે તેમણે આમિરને ઘરેથી સેટ પર લાવવા તેમની આઠ મહિનાની ગર્ભવતી પત્નીને મોકલી હતી. આ કારણે આમિરને થોડી શરમ અનુભવાઈ કે એક મહિલા તેમને સેટ પર લઈ જઈ રહી છે.’
પ્રહલાદ કક્કડે ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની પણ માગ કરી હતી, પરંતુ તે સમયે કોઈ ટીમ હાજર ન હતી. તેમને સુરક્ષા માટે એક દુબળો- પાતળો હવાલદાર આપવામાં આવ્યો હતો. ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રહલાદ કક્કડે તમામ સભ્યોને પોલીસ યુનિફોર્મ પહેરાવી દીધા હતા. પછી બધાને આ યુનિફોર્મમાં સેટ પર લઈ જવામાં આવ્યા.

પ્રહલાદ કક્કડ
બાબરી ધ્વંસ બાદ રમખાણો થયાં હતાં
ડિસેમ્બર 1992 થી જાન્યુઆરી 1993 વચ્ચે મુંબઈમાં કોમી રમખાણો થયાં હતાં, જેમાં લગભગ 900 લોકો માર્યા ગયા હતા અને 2000 થી વધુ ઘાયલ થયા હતા. તોફાનીઓએ ખાનગી અને સરકારી મિલકતોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. યુપીના અયોધ્યામાં બાબરી ધ્વંસ બાદ આ રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ ફિલ્મની નિષ્ફળતા બાદ આમિરે થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. જોકે, એવા અહેવાલો છે કે, તે ટૂંક સમયમાં આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.
પ્રહલાદ કક્કડે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સચિન તેંડુલકર જેવા સ્ટાર્સ સાથે એડ ફિલ્મોમાં કામ કર્યું છે.