2 કલાક પેહલાલેખક: કવિતા રાજપૂત
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનનો આજે 48મો બર્થડે છે. અભિષેક એવા સ્ટારકિડ્સ પૈકી એક છે કે જેના પર તેમના માતા-પિતાના સ્ટારડમનો પડછાયો હતો. ‘યુવા’, ‘ગુરુ’, ‘મનમર્ઝિયા’ જેવી ફિલ્મોમાં તેમની એક્ટિંગના ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના પિતા અમિતાભ બચ્ચન સાથેની તુલનાએ તેમની અભિનય કારકિર્દીને તે જગ્યાએ પહોંચવા દીધી ન હતી જ્યાં પહોંચવા માટેના તેઓ હકદાર હતા.
અભિષેકે 2000માં ફિલ્મ ‘રેફ્યુજી’થી ડેબ્યૂ કર્યું હતું જે ફ્લોપ રહી હતી. 2004 સુધી તેમની 20 ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થઈ હતી, જેમાંથી 17 ફિલ્મો ફ્લોપ થઈ હતી. આ પછી અભિષેકની કરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી હતી.
2020થી અભિષેકે OTTમાં ડેબ્યુ કર્યું હતું, અહીં તેમણે માત્ર એક્ટિંગમાં જ પોતાને સાબિત કર્યો એટલું જ નહીં પરંતુ OTT પર રિલીઝ થયેલી ‘દસવીં’ માટે એવોર્ડ પણ જીત્યો. આ પછી તે ફિલ્મ ‘ઘૂમર’માં પણ જોવા મળ્યો હતો. હાલ જુનિયર બચ્ચન પાસે ત્રણ ફિલ્મો છે.
એક્ટિંગ સિવાય તે બિઝનેસ ઉપર પણ ધ્યાન આપી રહ્યો છે. તેમણે 2014માં કબડ્ડી ટીમ-‘જયપુર પિંક પેન્થર્સ’માં રોકાણ કર્યું હતું, જેનું મૂલ્ય આશરે 100 કરોડ રૂપિયા છે.
આવો જાણીએ અભિષેકની જિંંદગી સાથે જોડાયેલાં તથ્યો…
અભિષેકનો જન્મ 5 ફેબ્રુઆરી, 1976ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. 9 વર્ષની ઉંમરે તેમને ડિસ્લેક્સિયા હોવાનું નિદાન થયું હતું. આ રોગથી પીડિત બાળકોને શબ્દો લખવામાં અને સમજવામાં તકલીફ પડે છે. તેઓ બીજા બાળકોની સરખામણીએ ધીમું શીખે છે અને ઝડપથી વસ્તુઓ શીખી શકતા નથી. આ બીમારી પર આમિર ખાને ‘તારે ઝમીં પર’ બનાવી હતી.
અભિષેકે મુંબઈની જમનાબાઈ નર્સી સ્કૂલ, બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય એક્ટરે વસંત વિહાર, દિલ્હી અને સ્વિટ્ઝર્લેન્ડની એગ્લોન કોલેજમાં પણ અભ્યાસ કર્યો છે. આ પછી તે ગ્રેજ્યુએટ માટે બોસ્ટન યુનિવર્સિટી પણ ગયો પરંતુ ડિગ્રી પૂર્ણ કરી તે પહેલાં જ અભ્યાસ છોડી દીધો અને મુંબઈ પરત ફર્યો હતો.
પિતા નાદાર થતાં જ અભિષેકે અભ્યાસ છોડ્યો
આ પાછળ હકીકત એવી છે કે 1999ની આસપાસ અમિતાભ બચ્ચન ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અને નાદાર થઈ ગયા હતા. તેમની કંપની ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ’ (ABCL) દેવામાં ડૂબી ગઈ હતી. આ એક પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી. કંપની દેવામાં ડૂબી જતાં બિગ બીએ અભિષેકને ભારત પાછો બોલાવ્યો કારણ કે આર્થિક સંકડામણને કારણે તેની પાસે ત્યાં અભિષેકને ભણાવવા માટે પણ પૈસા નહોતા.
અભિષેકે પોતે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મારા પિતાએ તેમના સ્ટાફ પાસેથી પૈસા લેવા પડતા હતા. આ સ્થિતિમાં મને અંદરથી એવું થતું હતું કે મારા પિતાની આ સ્થિતિમાં હું તેમની સાથે કેમ નથી? મેં તરત જ પપ્પાને ફોન કર્યો અને કહ્યું, પપ્પા, મને લાગે છે કે મારે કોલેજ છોડી દેવી પડશે અને બસ તમારી પાસે આવીને તમને કોઈક રીતે મદદ કરવી પડશે. મારા પિતાને ત્યાં સુધી ખબર ન હતી કે તે ડિનર કરી શકશે કે નહીં ત્યારે તે સ્થિતિમાં હું બોસ્ટનમાં રહી ન શકું.’
આ પછી અભિષેક મુંબઈ પરત આવ્યો અને ફિલ્મ ‘મેજર સાબ’નું નિર્માણનું કામ જોવા લાગ્યો હતો. તે સેટ પર નાનાં-મોટાં કામ જેવા કે ચા બનાવવી, લાઇટિંગ જોવી વગેરે કરતો હતો. આ સમય દરમિયાન અભિષેકને ફિલ્મોમાં રસ પડ્યો અને તેણે અભિનેતા બનવાનું નક્કી કર્યું. પરંતુ તેની આગળની સફર સરળ ન હતી.
ફિલ્મફેર એવોર્ડમાં ગયા પછી લાઈફમાં ફેરફાર આવ્યો
એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું- ‘હું હંમેશાથી મૂવી સ્ટાર બનવા માગતો હતો, તેથી હું ઘણા નિર્દેશકોને મળ્યો પરંતુ તેમાંથી કોઈ પણ અમિતાભ બચ્ચનના પુત્રને લોન્ચ કરવાની જવાબદારી લેવા માગતા ન હતા. આ પછી મેં અને મારા એક મિત્રએ અમારી પોતાની સ્ક્રિપ્ટ લખવાનું નક્કી કર્યું, પરંતુ તે પણ પૂરી થઇ શકી નહીં. આ પછી એક દિવસ હું મારા પિતા સાથે ફિલ્મફેર એવોર્ડમાં ગયો, જ્યાં મારું જીવન બદલાઈ ગયું.’
અભિષેકે વધુમાં કહ્યું કે, ’20 વર્ષ પહેલાં જ્યારે ફિલ્મફેર એવોર્ડ્સ યોજાતા હતા, ત્યારે કલાકારોએ એક મહિના પહેલાં નક્કી કરવું પડતું હતું કે તેઓ ઈવેન્ટમાં શું પહેરશે. તે દિવસોમાં કોઈએ અમને ભાડા પર અથવા મફતમાં આઉટફિટ આપતા ન હતા, અમારે જાતે જ ખરીદવા પડતા હતા. તે દિવસે સાંજની શિફ્ટમાં કોઈએ શૂટિંગ કરતું ન હતું. આ એવોર્ડ નાઈટમાં આખી ઈન્ડસ્ટ્રી હાજરી આપતી હતી, પછી ભલે કોઈ નોમિનેટ થાય કે ન થાય.’
‘જોકે, જ્યારે પપ્પાએ કહ્યું કે આ વખતે હું ફિલ્મફેર એવોર્ડ્સમાં તેમની સાથે જઈશ ત્યારે હું વિચારતો હતો કે હું શું પહેરીશ? અત્યારે કહેવું અજુગતું લાગે છે, પણ એ સમયે મારી પાસે બહુ કપડાં નહોતા અને ન તો નવા આઉટફિટ લેવાની ક્ષમતા હતી.અમે તે સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા અને લોકો તે ન જોવે એ માટે પ્રયાસ પણ કરતાં હતા.’
આ રીતે અભિષેકને ઓફર કરવામાં આવી ‘રેફ્યુજી’
અભિષેકે વધુમાં કહ્યું, ‘મારી પાસે પહેરવા માટે કંઈ ફોર્મલ નહોતું અને મને લાગ્યું કે જીન્સ અને ટી-શર્ટ પહેરીને જવું સારું નહીં લાગે. પછી મેં એ એવોર્ડ ફંક્શનમાં એ જ શેરવાની પહેરી હતી જે મેં મારી બહેન શ્વેતાના લગ્નમાં થોડા વર્ષો પહેલાં પહેરી હતી.’
‘તે વર્ષે જેપી દત્તાને ‘બોર્ડર’ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને જ્યારે તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા ત્યારે તેમણે મને જોયો હતો. બે દિવસ પછી તેમણે મને મળવા બોલાવ્યો અને પછી મને ફિલ્મની ઓફર કરી.’
‘આ ફિલ્મ ‘રેફ્યુજી’ હતી જે વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. તો બીજી તરફ કરીના કપૂરે આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. બંનેની જોડીને પસંદ કરવામાં આવી હતી પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી’.
‘રેફ્યુજી’ના એક સીનમાં 17 રી-ટેક આપવામાં આવ્યા હતા
એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલી વાતો શેર કરી. હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તે ફિલ્મના શૂટિંગ માટે કચ્છ પહોંચ્યો ત્યારે આસપાસના ગામડાના લોકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ કહેતા હતા કે અમિતાભ બચ્ચનનો પુત્ર આવ્યો છે. અભિનેતાએ કહ્યું કે આ બધું જોઈને તે ખૂબ જ નર્વસ થઈ ગયો અને એક સીન માટે 17 રી-ટેક લીધા હતા.
અભિષેકના કહેવા પ્રમાણે, ‘મારી અને કુલભૂષણ ખરબંદા વચ્ચે એક સીન શૂટ થવાનો હતો. એ સીનમાં મારે કેનમાં પાણી ભરવાનું હતું અને પછી આગળ વધવાનું હતું. આગળ શોટમાં તેમણે મને મારું નામ પૂછ્યું અને મારે નામ કહેવાનું હતું ‘રેફ્યુજી.’ મેં વિચાર્યું કે તે પૂરતું છે, હું મારી જાતને બોસ માનતો હતો. હું ક્રૂને કહી રહ્યો હતો કે હું જાણું છું કે તે કેવી રીતે કરવું. મારા ઘમંડમાં મેં આગળના સીન પર ધ્યાન આપ્યું નહીં. મને ખબર નહોતી કે આ ડાયલોગ 3 પાનાનો છે. કેમેરા ફરવા લાગ્યા કે તરત જ મેં લાઈનો બોલવાનું શરૂ કર્યું. મારી લાઈનો પૂરી કર્યા પછી હું ડિરેક્ટરના મોઢેથી કટ સાંભળવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેમણે કટ કહ્યું નહીં કારણ કે સીન પૂરો થયો ન હતો. બધાને ચિંતા થઈ કે તે આગળની લાઈન કેમ નથી કહેતો. આવી સ્થિતિમાં દત્તાએ ફરીથી ટેક કરાવ્યું, પરંતુ તે કામમાં આવ્યું નહીં.’
અભિષેકે કહ્યું કે તેને ખબર જ ન હતી હવે શું કરવું. એક્ટરે ન તો રિહર્સલ કર્યું હતું કે ન તો ખબર હતી કે ડાયલોગ્સ શું છે. અભિષેકે કહ્યું- ‘મેં મારી આસપાસ જોયું. ત્યાં ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. આવી સ્થિતિમાં હું ધ્રૂજવા લાગ્યો. તે સમયે રીના રોય, અનુપમ ખેર જી જેવા ઘણા કલાકારો હાજર હતા. હું ડરથી વિચારવા લાગ્યો કે આ બધા મારા પિતાને ફોન કરશે અને કહેશે, અમિતજી, આ તો ગયો હવે કામથી.. તેને પાછો બોલાવી લો.’ ઘણા પ્રયત્નો અને લગભગ 17 રી-ટેક પછી આ સીન શૂટ થઈ શક્યો.
અભિષેકે કહ્યું હતું, ‘અટક સંભાળવી સરળ નથી’
પોતાના પરિવારના વારસા વિશે અભિષેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મારી સરનેમ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. હું મારા પિતાને ગૌરવ અપાવવાનો અને તેમણે જે દાખલો બેસાડ્યો છે તેને આગળ વધારવાનો હું પૂરો પ્રયાસ કરું છું. આજે હું જે કંઈ છું તે મારી અટકને કારણે છું. આજે આ અટક સાથે જે પ્રસિદ્ધિ અને ખ્યાતિ જોડાયેલી છે તે મારા દાદા અને પિતાજીએ મેળવી છે. આ અટક સંભાળવી સરળ નથી.’
4 વર્ષમાં 20માંથી 17 ફિલ્મો ફ્લોપ રહી હતી
‘રેફ્યુજી’ ફ્લોપ થયા પછી,2000 થી 2004 દરમિયાન અભિષેકની લગભગ 20 ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી 17 ફિલ્મો ફ્લોપ રહી. 2004માં તે ‘ધૂમ’ ફિલ્મમાં દેખાયો, જે બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. આ પછી, તે ‘ધૂમ’, ‘ધૂમ 2’ અને ‘ધૂમ 3’ની બંને સિક્વલમાં પણ જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો પણ હિટ સાબિત થઈ હતી.
અભિષેકે ‘બંટી ઔર બબલી’, ‘યુવા’, ‘બ્લફમાસ્ટર’, ‘ગુરુ’ જેવી હિટ ફિલ્મો પણ આપી છે. તેમણે પોતાના કરિયરમાં અંદાજે 70 ફિલ્મોમાં કામ કર્યું છે.
2005 પછી તે ‘કભી અલવિદા ના કહેના’, ‘લાગા ચુનરી મેં દાગ’, ‘ઝૂમ બરાબર ઝૂમ’, ‘દ્રોણા’, ‘દિલ્હી 6’, ‘ખેલેં હમ જી જાન સે’, ‘પા’, ‘ગેમ’, ‘પ્લેયર્સ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાંથી ઘણી ફ્લોપ રહી.
કરિયરમાં પિતાની કોઈ મદદ લીધી નથી
અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાને કારણે લોકો માની રહ્યા છે કે, અભિષેકને તેમની કરિયર બનાવવામાં તેમના પિતાની મદદ મળી હશે. જોકે, અભિષેકના કહેવા પ્રમાણે એવું નથી. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સત્ય એ છે કે તેમણે ક્યારેય કોઈનો ફોન પણ ઉપાડ્યો નથી. તેમણે મારા માટે ક્યારેય કોઈ ફિલ્મ બનાવી નથી. ઊલટું મેં તેમના માટે ‘પા’ ફિલ્મ બનાવી. લોકોએ સમજવું જોઈએ કે આ એક ધંધો છે. જો તેઓ પહેલી ફિલ્મ પછી તમારામાં કંઈક ન જુએ અથવા ફિલ્મ સારી ન ચાલે તો તમને આગળની નોકરી નહીં મળે. જીવનનું આ કડવું સત્ય છે.’
અભિષેકને ઘણી ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યો
અભિષેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું સારી રીતે જાણું છું કે ઈન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે. ‘મને ખબર છે કે મારી ફિલ્મો ક્યારે સારી નથી ચાલતી. મને ખબર છે કે કઈ ફિલ્મોમાંથી મને હાંકી કાઢવામાં આવ્યો. હું એવી ફિલ્મો વિશે જાણું છું જે બની શકી નથી. જે શરૂ થઇ પરંતુ બજેટ નહોતું. આવું એટલા માટે થયું કારણ કે તે સમયે હું અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં બેંકેબલ ન હતો.’
OTT એ બીજી તક આપી OTT અભિષેકના ઉતાર-ચઢાવની ફિલ્મ કારકિર્દીમાં થોડી રાહત લાવી. અભિષેકે વેબસિરીઝ ‘બ્રીથ’થી OTT ડેબ્યૂ કર્યું. આ વેબ સિરીઝની બીજી સિઝન પણ જોવા મળી હતી. 2021માં તેણે ‘બિગ બુલ’ ફિલ્મમાં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે OTT પર રિલીઝ થયેલી ‘લુડો’, ‘બોબ બિસ્વાસ’, ‘દસવીં’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ બધામાં અભિષેકની અભિનય પ્રતિભાના વખાણ થયા હતા. 2022 માં આયોજિત ફિલ્મફેર OTT એવોર્ડ્સમાં તેમને બેસ્ટ મેલ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.’
ત્રણ ફિલ્મોમાં જોવા મળશે
અભિષેકની ફિલ્મ ‘ઘૂમ’ર 2023માં રિલીઝ થઈ હતી જે ફ્લોપ રહી હતી. આ ફિલ્મે માત્ર 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે અભિષેક ત્રણ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમાં રેમો ડિસોઝાની ‘ડાન્સિંગ ડેડ’, શૂજિત સરકારની અનટાઈટલ્ડ ફિલ્મ અને અજય દેવગનની ફિલ્મ ‘ભોલા 2’નો સમાવેશ થાય છે.
અભિષેકની કુલ સંપત્તિ 280 કરોડ છે
અભિષેકની કુલ સંપત્તિ અંદાજે 280 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની માસિક આવક 2 કરોડ રૂપિયા છે. છે. તે દરેક ફિલ્મથી 5-10 કરોડ રૂપિયા કમાય છે. આ ઉપરાંત, અભિનેતા પ્રો કબડ્ડી લીગ ટીમ ‘જયપુર પિંક પેન્થર’ અને ‘ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ ચેન્નઈ એફસી’નો સહ-માલિક પણ છે.
અભિષેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘કબડ્ડી ટીમમાં રોકાણ કરવું એ અંધારામાં તીર મારવા જેવું છે. પરંતુ, તેમાં આ જોખમ લેવાથી ફાયદો થયો કારણ કે હવે તેની કબડ્ડી ટીમનું મૂલ્ય લગભગ 100 કરોડ રૂપિયા થઈ ગયું છે.’
અભિષેકે કહ્યું કે તેમને અને ફિલ્મના નિર્માતા બંટી વાલિયા (ટીમના સહ-માલિક)ને કોઈ ખ્યાલ નથી કે આ બિઝનેસ કેવી રીતે ચાલે છે, ટીમ કેવી રીતે બને છે અને આપણે શું કરવાનું છે, તેનો કેટલો ખર્ચ થશે. કંઈ નહીં. અમારી ટીમે 2014માં પ્રથમ વખત પ્રો કબડ્ડી લીગમાં ભાગ લીધો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તમને આ વ્યવસાય વિશે ખાતરી ન હતી તો તમે ટીમ ખરીદવાનો નિર્ણય કેવી રીતે લીધો, તો તેમણે કહ્યું – મને ફક્ત વિશ્વાસ હતો કે લોકો આ મેચ જોવા માગશે’