10 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
આ વાત માર્ચ 1972ની છે. અમેરિકામાં માત્ર 14 વર્ષના બાળકે હત્યા કરી નાખી. આ બાળકને તેની સાથે જ ભણતા બાળકની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. જ્યારે કેસની તપાસ શરૂ થઈ ત્યારે બાળકે ચોંકાવનારો ખુલાસો કર્યો. આ બાળકની કબૂલાત મુજબ તેમણે હોલિવૂડની ફિલ્મથી પ્રેરિત થઈને આ હત્યા કરી હતી. એ ફિલ્મનું નામ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ હતું. આ એકમાત્ર એવી ઘટના નથી જ્યારે આ ફિલ્મના નામનો ઉપયોગ હત્યામાં કરવામાં આવ્યો હતો.
થોડા સમય પછી એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી, જેમાં 16 વર્ષીય હત્યારાએ જણાવ્યું હતું કે તેમણે પણ ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ જોયા પછી હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું ગીત પણ ક્રૂર બળાત્કાર વખતે ગાવામાં આવ્યું હતું.
1971માં રિલીઝ થયેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ તેના ભયાનક હિંસક સીન, બળાત્કાર અને નગ્નતા માટે પહેલાંથી જ ચર્ચામાં હતી. ઘણા દેશોમાં ફિલ્મને X રેટિંગ આપવામાં આવ્યું હતું અને કેટલાક દેશોમાં C રેટિંગ આપવામાં આવ્યું હતું. હત્યાના કેસ વધ્યા અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટેનલી કુબ્રિકને ધમકીઓ મળવા લાગી. આ પ્રકારનો આ એકમાત્ર કિસ્સો હતો, જ્યારે ફિલ્મના નિર્દેશકે પોતે વોર્નર બ્રધર્સને પત્ર લખીને ફિલ્મને બ્રિટનમાં રિલીઝ થતી અટકાવી પડી હતી. જોકે, દિગ્દર્શકના મૃત્યુના 27 વર્ષ બાદ ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. એ જ રીતે સ્પેન, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ, માલ્ટા સહિતના ઘણા દેશોમાં આ ફિલ્મ વર્ષો સુધી પ્રતિબંધિત રહી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વિવાદો વચ્ચે પણ ફિલ્મે 70ના દાયકામાં લગભગ 114 મિલિયન ડોલર એટલે કે 954 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
આજે વણકહી વાર્તાના પ્રકરણ 2માં, ઘણી હત્યાઓ માટે જવાબદાર અને 4 ઓસ્કર અવૉર્ડ નોમિનેશન મેળવનારી આ ફિલ્મના નિર્માણની વાર્તા વાંચો, અને તેને લગતા વિવાદો –
વર્ષ 1962માં પ્રખ્યાત લેખક એન્થોની બર્ગેસની નવલકથા ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’પ્રકાશિત થઈ હતી. આ નવલકથામાં એવા હિંસક યુવાનોની વાર્તા દેખાડવામાં આવી છે. વ્યંગ્ય, બ્લેક કોમેડી અને ટેન્શનથી ભરેલી આ નવલકથા ખૂબ જ લોકપ્રિય હતી, જે આજે પણ ટાઈમ્સ મેગેઝિનની 20 બેસ્ટ નવલકથાઓમાં સામેલ છે.
1962માં નવલકથાના પ્રકાશન પછી તરત જ, લેખક એન્થોની બર્ગેસે ફિલ્મના અધિકારો 500 ડોલરમાં વેચ્યા હતા, જેની વર્તમાન કિંમત 5000 ડોલર એટલે કે રૂ. 4,18,000 છે. શરૂઆતમાં આ ફિલ્મમાં પ્રખ્યાત રોક બેન્ડ ધ રોલિંગ સ્ટોન્સને કાસ્ટ કરવામાં આવનાર હતાં. બેન્ડના મુખ્ય સિંગર મિક જેગરે ફિલ્મમાં એલેક્સની મુખ્ય ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો હતો. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કેન રસેલ આ ફિલ્મના દિગ્દર્શક બન્યા. જોકે. સમય જતાં, BBFC (બ્રિટિશ બોર્ડ ઑફ ફિલ્મ ક્લાસિફિકેશન)ની મદદથી ફિલ્મના અધિકારો સ્ટેનલી કુબ્રિક પાસે ગયા.
નવલકથા લેખક ટેરી સધર્ને શરૂઆતમાં નવલકથા એ ક્લોકવર્ક ઓરેન્જ સ્ટેન્લી કુબ્રિકને મોકલી હતી. સ્ટેન્લી તે સમયે બીજી ફિલ્મમાં વ્યસ્ત હતા, તેથી તેમણે નવલકથાની અવગણના કરી. થોડા સમય પછી તેની પત્નીએ તે નવલકથા વાંચી. તેને વાર્તા એટલી ગમી કે તેણે તેના પતિ સ્ટેનલીને વાંચવાની સલાહ આપી. સ્ટેનલીએ જ્યારે વાર્તા વાંચી ત્યારે તેમને પણ તે ખૂબ ગમી હતી. તેમણે પોતે જ થોડા ફેરફાર સાથે ફિલ્મની પટકથા તૈયાર કરી અને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી.
ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલ ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિક અને અભિનેતા માલ્કમનો ફોટોગ્રાફ
આ ફિલ્મનું નિર્માણ 1968માં શરૂ થયું હતું. દિગ્દર્શક સ્ટેનલી કુબ્રિક આ ફિલ્મમાં લીડ રોલ માટે એક્ટરની શોધમાં હતા. આ દરમિયાન તેમણે 1968માં રિલીઝ થયેલી બ્રિટિશ વ્યંગાત્મક ડ્રામા ફિલ્મ ‘ઇફ’ જોઈ હતી. તેમને ફિલ્મના લીડ એક્ટર માલ્કમ મેકડોવેલનું કામ એટલું ગમ્યું કે તેમણે તેમને ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’માં એલેક્સની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા. સાઈડ એક્ટર તરીકે કામ કરનાર માલ્કમ મેકડોવેલે ફિલ્મ ‘ઈફ’માં લીડ એક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પછી તેઓ વધુ 2 ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જો કે ત્યાં સુધી તેમને કોઈ ખાસ ઓળખ મળી ન હતી. માલ્કમ મેકડોવેલના કાસ્ટિંગ પર, ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિકે કહ્યું કે તે સ્ક્રીન પર બુદ્ધિમત્તા લાવશે.
એક્ટરોનો લુક કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો?
એક્ટર માલ્કમ મેકડોવેલે ફિલ્મમાં ગુનેગાર ગેંગનો લુક બનાવવામાં લીડ ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની પાસેનો ક્રિકેટ ડ્રેસ ડિરેક્ટર સ્ટેનલીને બતાવ્યો. તેમણે એવું પણ સૂચન કર્યું કે પાગલ ગુનેગારના પાત્રને દર્શાવવા માટે ક્રિકેટ ડ્રેસની અંદર પહેરવામાં આવતા કમરબંધ જેવા જોકસ્ટ્રેપ પેન્ટની અંદરને બદલે બહાર પહેરવા જોઈએ. દિગ્દર્શક સ્ટેનલીને માલ્કમનો વિચાર ખૂબ જ ગમ્યો અને તેમણે તેમના સૂચન મુજબ ફિલ્મની ગુનેગાર ટોળકીને પહેરાવવાનું નક્કી કર્યું.
ફિલ્મના શૂટિંગ દરમિયાન લીડ એક્ટર અંધ થઈ ગયો હતો, સેટ પર સાચા ડોક્ટરોને રાખવામાં આવ્યા હતા
ફિલ્મના શૂટિંગના થોડાક જ દિવસોમાં લીડ એક્ટર માલ્કમને તેની આંખોના કોર્નિયા પર ખંજવાળ આવી હતી, જેના કારણે જોવામાં તકલીફ પડી હતી. સમયની સાથે તેનું અંધત્વ વધવા લાગ્યું, જેના કારણે શૂટિંગ કરવું મુશ્કેલ થવા લાગ્યું.
એક્ટર માલ્કમની હાલત બગડતી હોવાને કારણે ફિલ્મના એક સીનમાં સાચા ડૉક્ટરોને રાખવામાં આવ્યા હતા. સ્ક્રિપ્ટ અનુસાર, જેલમાંથી બહાર નીકળ્યા પછી એલેક્સ પર એક તબીબી પ્રયોગ કરવામાં આવે છે, જેમાં ડોકટરો કેટલાક ડિવાઇસની મદદથી એલેક્સની આંખો ખુલ્લી રાખે છે અને તેને ફિલ્મ બતાવતી વખતે તેની આંખોમાં સલાઈન નાખે છે. આ સીનના શૂટિંગ દરમિયાન એક્ટર માલ્કમની આંખોમાં રિયલ સલાઈન નાખવામાં આવ્યું હતું, જેના માટે વાસ્તવિક ડૉક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન માલ્કમ મેકડોવેલે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી.
સેટ પર એક્ટરની પાંસળી તૂટી
ફિલ્મમાં એલેક્સ સાથે સ્ટેજ પર ક્રૂર વર્તન થતું બતાવવામાં આવ્યું હતું. તેને અસલી બનાવવા માટે એલેક્સના કો-એક્ટરે તેને એટલો માર્યો કે તેમની ઘણી પાંસળીઓ તૂટી ગઈ હતી.
60ના દાયકામાં જ્યારે ફિલ્મો બનવા લાગી ત્યારે સ્પેશિયલ ઈફેક્ટનો અભાવ હતો. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતાએ એલેક્સને ઊંચાઈથી જમીન પર પડતો બતાવવા અને વ્યુ પોઈન્ટ લેવા માટે ખરેખર કેમેરા ફેંક્યો હતો.
BBFC (બ્રિટિશ બોર્ડ ઑફ ફિલ્મ ક્લાસિફિકેશન-બ્રિટિશ સેન્સર બોર્ડ)માં પાસ થયા પછી ફિલ્મ સૌપ્રથમ 19 ડિસેમ્બર 1971ના રોજ ન્યૂયોર્કમાં રિલીઝ થઈ હતી, જ્યાં ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ પછી ફિલ્મ યુકે અને યુએસમાં એક-એક મહિનાના અંતરે રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે આ ફિલ્મ 1972માં યુનાઇટેડ સ્ટેટ્સમાં રિલીઝ થવાની હતી, ત્યારે તેની સેક્સ્યૂઅલ કન્ટેન્ટને કારણે એક્સ રેટિંગ (માત્ર પુખ્તો માટે) આપવામાં આવ્યું હતું. જોકે, દિગ્દર્શક સ્ટેનલી કુબ્રિક પ્રેક્ષકોની મર્યાદાને કારણે તેનાથી નાખુશ હતા. ફિલ્મને આર રેટિંગ મેળવવા માટે તેમણે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા બે સીનમાંથી 30 સેકન્ડના સેક્સ્યૂઅલ સીન હટાવી દીધા અને ફિલ્મ ફરીથી રિલીઝ થઈ.
ફિલ્મ રિલીઝ થઈ પણ વિવાદનો અંત આવ્યો ન હતો. નેશનલ કેથોલિક ઓફિસ ફોર મોશન પિક્ચર્સે ફિલ્મને સી રેટિંગ આપ્યું હતું. આ રેટિંગ અનુસાર રોમન કૅથલિકો આ ફિલ્મ ન જોવાની ભલામણ કરે છે. 1982માં ઓફિસે ફિલ્મને ઓ રેટિંગ આપ્યું હતું, જે મુજબ ફિલ્મ અપમાનજનક છે.
ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જે’ ઘણી હત્યાઓને પ્રેરણા આપી હતી
આ ફિલ્મ બ્રિટનમાં રિલીઝ થવાની હતી, જો કે તે પહેલાં જ આ ફિલ્મ અનેક હત્યાઓ સાથે જોડાયેલી હતી. માર્ચ 1972માં એક 14 વર્ષના છોકરાએ ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ ‘ જોયા પછી તેના ક્લાસમેટની હત્યાની કબૂલાત કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફિલ્મમાં બતાવવામાં આવેલી હત્યા અને તે કેસમાં ઘણી સામ્યતાઓ છે.
થોડા સમય પછી આવો જ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો. એક 16 વર્ષના છોકરાએ એક વૃદ્ધ વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી જે ફિલ્મ A Clockwork Orange ના શરૂઆતના સીનથી પ્રેરિત હતી. તેમના મિત્રએ તેમને ફિલ્મ વિશે જણાવ્યું હતું, જે જોયા બાદ તેમણે આ જ હત્યા કરી હતી. બચાવ પક્ષે કોર્ટમાં સાબિત કર્યું કે આ હત્યાઓ સાથે ફિલ્મનો સીધો સંબંધ છે. હત્યાની સાથે જ ફિલ્મનું ગીત ‘સિંગિંગ ઇન ધ રેઈન’ ગાતી વખતે એક વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમણે ફિલ્મની જેમ જ રેપ કરતી વખતે તે ગીત ગાયું હતું.
ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિકને ધમકીઓ મળી હતી
વિવાદો વચ્ચે ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિકની પત્ની ક્રિસ્ટીના કુબ્રિકે કહ્યું કે તેમને સતત ધમકીઓ મળી રહી છે. તેમના ઘરની બહાર અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.
ફિલ્મ અ ક્લોકવર્ક ઓરેન્જના સેટ પર ડિરેક્ટર સ્ટેનલી કુબ્રિક
દિગ્દર્શકે પોતે જ ફિલ્મની રિલીઝ અટકાવી દીધી, ઘણા દેશોમાં તે વર્ષો સુધી પ્રતિબંધિત રહી
વિવાદ વધતાં દિગ્દર્શક સ્ટેનલી કુબ્રિકે પોતે વોર્નર બ્રધર્સને વિનંતી કરી કે તે ફિલ્મને બ્રિટનમાં રિલીઝ થતી અટકાવે. આવી સ્થિતિમાં લગભગ 27 વર્ષથી યુકેમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ હતો. જોકે, 1999માં ડાયરેક્ટર સ્ટેનલી કુબ્રિકના અવસાન બાદ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
10 એપ્રિલ 1973ના રોજ આયર્લેન્ડમાં પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મ 13 ડિસેમ્બર 1999ના રોજ પસાર થઈ હતી અને 17 માર્ચ 2000ના રોજ ફરીથી રિલીઝ થઈ હતી. જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે સેન્સર બોર્ડના વડા શીમસ સ્મિથે ફિલ્મના પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં અલ્ટ્રા વાયોલન્સ અને બળાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં ફિલ્મના પોસ્ટરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.
સિંગાપોરમાં પણ આ ફિલ્મ 30 વર્ષ સુધી પ્રતિબંધિત રહી. 2006માં ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ ગયો. વર્ષો પછી 28 ઓક્ટોબર 2011ના રોજ, R21 રેટિંગવાળી ફિલ્મ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.
દક્ષિણ આફ્રિકામાં પણ આ ફિલ્મ પર 13 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મનું અનકટ વર્ઝન 1984માં રિલીઝ થયું હતું. જોકે, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ ફિલ્મ જોવાની મનાઈ હતી.
દક્ષિણ કોરિયામાં પણ આ ફિલ્મ વર્ષો સુધી પ્રતિબંધિત રહી. જોકે, વર્ષો બાદ R રેટિંગવાળી ફિલ્મો પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
આ ફિલ્મ બ્રાઝિલમાં પણ 1978 સુધી પ્રતિબંધિત હતી. જોકે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કલાકારોના પ્રાઈવેટ પાર્ટ પર કાળા ટપકાં છુપાયેલા હતા.
આ ફિલ્મ સ્પેનમાં પણ 1975 સુધી પ્રતિબંધિત રહી. 1975માં ફ્રાન્સિસ્કો ફ્રાન્કોની સરમુખત્યારશાહી દરમિયાન આ ફિલ્મ વેલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનું સ્ક્રિનિંગ યુનિવર્સિટી ઓફ વેલાડોલિડમાં થવાનું હતું, જો કે, વિદ્યાર્થીઓના વિરોધને કારણે તે થઈ શક્યું નહીં. વિરોધને કારણે યુનિવર્સિટી 2 મહિના સુધી બંધ રહી. માલ્ટામાં પણ 2000 સુધી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ ફિલ્મને ઓસ્કર અવૉર્ડમાં 4 નોમિનેશન મળ્યાં હતાં
ભલે ફિલ્મ તેની હત્યા સાથેની લિંકને કારણે વિવાદોમાં રહી. પણ 44મા ઓસ્કર અવૉર્ડમાં આ ફિલ્મને 4 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એડિટિંગનો સમાવેશ થાય છે.
આ ફિલ્મ વિશ્વની બેસ્ટ હિંસક ફિલ્મોમાં સામેલ
ફિલ્મ ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ હિંસક ફિલ્મો માટે એક સીમાચિહ્નરૂપ છે. 1998માં, અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે તેની ટોચની 100 ફિલ્મોની યાદીમાં આ ફિલ્મને 70મા ક્રમે સ્થાન આપ્યું હતું. ફિલ્મના લીડ એક્ટર માલ્કમ, એલેક્સ દ્વારા ભજવવામાં આવેલી નકારાત્મક ભૂમિકા આ સંસ્થાના 100 બેસ્ટ વિલનની યાદીમાં 12મા નંબરે છે.
2012માં, ‘બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા કરવામાં આવેલા વોટિંગમાં આ ફિલ્મને 75મું સ્થાન મળ્યું હતું. 2010માં, ‘ટાઇમ’ મેગેઝિને તેની 10 હિંસક ફિલ્મોની યાદીમાં ફિલ્મને 7મું સ્થાન આપ્યું હતું. ‘ધ ગાર્ડિયને’ તેની 25 શ્રેષ્ઠ આર્ટહાઉસ ફિલ્મોની યાદીમાં A Clockwork Orangeને 11મું સ્થાન આપ્યું છે.