તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના સર્જક, નિર્માતા આસિત મોદી પાસેથી બે સવાલોના જવાબની લોકો હંમેશાં રાહ જોતા હોય. એક, દયાભાભી ક્યારે આવશે? બીજું, પોપટલાલના લગ્ન ક્યારે કરાવશો? આસિતભાઈ પણ કરીશું, લાવીશું, સમય આવ્યે થશે… એવા જવાબ આપીને દર્શકોને આશ્વાસ
.
નિર્માતા આસિત કુમાર મોદીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી
જૂની દયા નહીં આવે, નવાં દયાભાભી ચોક્કસ આવશે
આસિતભાઈએ દયાના સવાલ અંગે ફોડ પાડતાં કહ્યું કે, જ્યારે પણ કોઈને મળું, કોઈપણ મને મળે તો એક જ સવાલ કરે, દયાભાભી ક્યારે આવે છે? હું લોકોને એક જ વાક્ય કહું કે, ગોતી લો.. ગોતી લો.. ગોતી લો… હું પણ દયાભાભીને શોધી રહ્યો છું. કારણ કે, જૂના દયાભાભી આવવાં હવે મુશ્કેલ છે.એમની ફેમિલી લાઈફ છે. જો કે અમારા બહુ ઘનિષ્ઠ પરિવાર જેવા સંબંધો છે, પણ નવાં દયાભાભી શોધી રહ્યો છું. તમે જાણો છો કે, સિરિયલમાં કોઈ પાત્રને બદલવું અઘરું હોય છે. એ મારો પરિવાર છે. જ્યારે પણ કોઈ પાત્ર બદલાય છે અથવા કોઈ કામ કરવા નથી ઈચ્છતું તો સૌથી વધારે દુ:ખ મને થાય છે. આ દરેક પાત્રોને 2008માં બહુ મહેનતથી ક્રિએટ કરેલાં છે. પછી એ સોઢીભાઈ હોય, રોશનભાભી હોય, મહેતા સાહેબ હોય, અય્યરભાઈ હોય, જેઠાલાલ હોય, ચંપકલાલ હોય… આ બધાએ સુંદર એક્ટિંગ કરી છે. બધાએ અભિનયના અજવાળાં પાથરીને સિરિયલને રોશન કરીને લોકોના દિલમાં પહોંચાડી દીધી છે. આવા પાત્રોને બદલવા પડે, કલાકારોને બદલવા પડે તે બહુ અઘરું કામ હોય છે. જેઠાલાલનું ઘર જલ્દીમાં જલ્દી દયાભાભીના અવાજથી ગુંજશે, એક પરિવાર બનીને તમારી સામે આવી જશે. થોડી ધીરજ રાખો… મેં ઘણીવાર કહ્યું છે કે, આવશે…આવશે…આના માટે હું બહુ મહેનત કરું છું. તમારો સહકાર આપજો. તમને આનંદ આવશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે કાંઈપણ કરું છું તે પ્રમાણિકતાથી કરું છું. દર્શકોનો પ્રેમ છે, ઈશ્વરના આશીર્વાદ છે તો દયાભાભી પણ સરસ મળી જશે.
પારિવારિક કારણોથી જૂનાં દયાભાભી (દિશા વાંકાણી) શૉમાં નહીં આવે
ઈંગ્લિશ તરફ ઢળી ગયેલા બાળકો માતૃભાષામાં બાળગીતો સાંભળે એટલે એનિમેટેડ સોન્ગ બનાવ્યાં આસિતભાઈ બાળગીતો અને રાયમ્સની યુટ્યુબ ચેનલ વિશે વાત કરતાં કહે છે, અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાલગીત અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રાઈમ્સની યુટ્યુબ ચેનલ બનાવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાલગીત અને રાઈમ્સ દરેક ભાષામાં ઉપલબ્ધ છે. મરાઠીમાં, ગુજરાતીમાં, પંજાબીમાં, હિન્દીમાં, ભોજપુરીમાં અને અંગ્રેજીમાં પણ. આના 10 મિલિયન સબ્સ્ક્રાઈબર છે. તેના 10 મિલિયન એટલે કે 1 કરોડ વ્યૂઝ છે. આ ચેનલ બહુ ટૂંકા ગાળામાં લોકપ્રિય થઈ તેનો શ્રેય હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોને આપું છું. એની પાછળનો અમારો એક થૉટ છે. બાળગીત એ પણ આપણી માતૃભાષામાં. આજના બાળકો ઈંગ્લીશ મીડિયમમાં ભણે છે. ઈંગ્લીશ ભણે એ ખોટું નથી. પણ આપણી માતૃભાષા, જે પણ માતૃભાષા હોય. જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી… બાળકો માતૃભાષાથી થોડા વિમુખ થાય છે. એટલે નાનપણથી બાળગીત ગણગણે તે હેતુ છે.
ભારતમાં તમિલ, કન્નડ, સંસ્કૃત, ભોજપુરી, મલયાલમ, હિન્દી, બંગાળી ઘણી બધી ભાષા છે. આ બધી ભાષામાં અમે પ્રયાસ કર્યો છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળગીત અને રાયમ્સના નામે યુટ્યુબ ચેનલ પર રજૂ કરીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે પોપ્યુલર કેરેક્ટર છે, જેમ કે જેઠા લાલ, દયા, અબ્દુલ, ટપુસેના, બાપુજી, ભીડેભાઈ, માધવીભાભી, હાથીભાઈ આ બધા જ એના એનિમેટેડ સ્વરૂપમાં આ બાળગીતમાં આપણને જોવા મળે છે. સુંદર મજાનું મ્યુઝીક છે, સુંદર મજાના વિઝ્યુઅલ છે. બાળકોને મજા પડે તેવા ગીતો છે. એક જ આશય છે કે, જે નાનાં બાળકો છે તેમના હાથમાં મોબાઈલ આવી ગયો છે. એ માબાઈલમાં એ લોકો કાંઈપણ જુએ છે. તો આપણે એને સ્વસ્થ મનોરંજન તો આપી જ શકીએ.
કાર્ટૂન સિરિઝ તારક મહેતા કા છોટા ચશ્મા નેટફ્લિકસ પર સ્ટ્રીમ થનાર પહેલો શૉ હતો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા…ના ટીશર્ટ, મગ, સ્કૂલ બેગ બધું મળશે… મર્ચન્ડાઈઝિંગ સ્ટોરના કન્સેપ્ટ વિશે વાત કરતાં આસિત મોદી કહે છે, બીજી એક ખાસ વાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 16 વર્ષથી ચાલે છે અને ઘરેઘરે જાણીતો શો છે. આ 16 વર્ષમાં ક્યારેય લિપ નથી લીધી. ઘણા શો જોયા છે કે, બે વર્ષ ચાલ્યા પછી લિપ લઈ લે. પણ અને લિપ લીધા વગર એ જ કલાકારો સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે બાળગીત અને રાયમ્સ ઉપરાંત ગેમ પણ ચાલુ કરી છે. સિમ્પલ, સરળ ગેમ છે. રન જેઠા રન, ભીડે સ્કૂટર રેસ, ભાગ ગોલી ભાગ, આવી ઘણી બધી ગેમ્સ છે. તમે એપ સ્ટોર પરથી કે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ બધી બહુ નિર્દોષ ગેમ છે. તેમાં કોઈ ગેમ્બલિંગ નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયલોગ છે જેમ કે, એ બબૂચક… એવા ડાયલોગ્સ પણ છે. આ એક નવો પ્રયાસ છે.
આજ સુધી કોઈપણ મેકર્સે કોઈ ટેલિવિઝનને લઈને કે ફિલ્મને લઈને આવું યુનિવર્સ નથી બનાવ્યું. એક ટીવી શો પણ હોય, એક ગેમ પણ હોય, બાળગીત હોય ને અંગ્રેજીમાં રાઈમ્સ પણ હોય, એમિનેશન સિરિઝ પણ હોય… હવે અમે મર્ચન્ડાઈઝિંગ સ્ટોર પણ શરૂ કરવાના છીએ. તેના ટી-શર્ટ હોય, મગ હોય, સ્કૂલનું દફ્તર હોય, નોટબુક હોય, ઘણી બધી વસ્તુઓ છે. ધીરે ધીરે આપને જણાવતા રહીશું. દર્શકો આજે પણ શો જુએ છે. આટલો પ્રેમ મળે છે તો હજી કાંઈ ને કાંઈ કરતા રહેવું જોઈએ. જેથી 360 ડિગ્રી તેના કોન્ટેન્ટને અને તેનો કોન્સેપ્ટ છે કે ગમ્મત સાથે જ્ઞાન, કડવી દવા મધ સાથે સારી લાગે, હસતાં-હસાવતાં તેની મોરલ વેલ્યૂઝ અને સારા થૉટ્સ અમે રજૂ કરીએ છીએ.
હવે લોકો પોપટલાલને કુંવારો જોવા નથી માગતા આપ સૌ જાણો છો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 16 વર્ષ પૂરા થયાં. બહુ સાચું કહું છું કે, ખૂબ ઈમાનદારીથી, મહેનતથી આ શો બનાવું છું. 24 કલાકનું કામ છે. પણ કામમાં મજા આવે છે. લોકોને હસાવવાની, અમને હસવાની મજા આવે છે. ઘણા લોકોનો સવાલ છે કે, તમે પોપટલાલના લગ્ન કેમ નથી કરાવતા? પહેલાં લોકો મને એવું કહેતા હતા કે, પોપટલાલ આવા કુંવારા જ સારા લાગે છે. પણ હવે લોકોની લાગણી એવી છે કે, પોપટલાલના લગ્ન થઈ જવા જોઈએ. તો બહુ સુંદર રીતે, હસવું આવે એવી સિચ્યુએશન સાથે એક યુનિક લગ્ન પ્રસંગ બનાવીશું, યોગ્ય સમયે લગ્ન કરીશું અને એ જોવાની તમને બહુ મજા આવશે પણ એક વાત તો ચોક્કસ કે પોપટલાલના લગ્ન થશે. પાક્કું થશે.
હવે લોકોની લાગણી એની સાથે વણાઈ ગઈ છે. હવે લોકો પોપટલાલને કુંવારો જોવા નથી માગતા. પણ પોપટલાલના લગ્ન માટે ક્યારેય છોકરીઓએ પોપટલાલને રિજેક્ટ નથી કર્યા. પોપટલાલ લુઝર નથી. પોપટલાલના લગ્ન થતાં રહી જાય છે પણ એ છોકરીઓનું કાંઈક ભલું કરે છે. એટલે લોકોને પોપટલાલનું પાત્ર ગમે છે. હવે બધા ઈચ્છે છે કે, પોપટલાલ આટલો સજ્જન વ્યક્તિ છે, પત્રકાર છે, હસમુખ છે તો એના લગ્ન તમે કરાવી દો. દર્શકોની પણ એવી ભાવના છે તો મારે પણ દર્શકોનું સાંભળવું પડે, અનુસરવું પડે એટલે પોપટલાલના લગ્ન જરૂર કરાવીશું.
પત્રકાર પોપટલાલનાં લગ્નનાં ઢોલ વાગે, એ દિવસો દૂર નથી
ટૂંક સમયમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્લે સ્કૂલ’ એપ પણ લોન્ચ થશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અમે ડિજિટલ એપ. પણ બનાવવા જઈ રહ્યા છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્લે સ્કૂલ. આ એપ.થી બાળકોને એવું શિક્ષણ આપવામાં આવશે, એક્ચ્યુઅલી ગમ્મત સાથે ભણવાનું હશે. કારણ કે બાળકોને આપણે સ્કૂલની વાતો કરીએ, શિખામણની વાતો કરીએ તે ગમતું નથી, તો ક્યા માધ્યમથી નાની-નાની વાતો કરવાની, એમને એવું શિખવવાનું કે એનાથી એને મજા આવે. આ એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરીશું.
કલાકારો બદલાતા રહેશે, પાત્રો નહીં બદલાય… તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 16 વર્ષ થયા. એક જ ટીમ સાથે, એ જ કલાકારો સાથે લિપ લીધા વગર, કોઈ સીઝન વગર જો કોઈ સિરિયલ ચાલી હોય તો એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. 16 વર્ષ સુધી બધાને ભેગા રાખવા. રોજ સાથે કામ કરવું. મહિનાના 26 એપિસોડ તૈયાર કરવા. આ દરેક માટે કઠોર તપશ્ચર્યા છે. 16 વર્ષમાં બદલાવ પણ આવે. 16 વર્ષ બધાને ભેગા રાખવા થોડું અઘરું કામ છે. 16 વર્ષ એ નાનો સમયગાળો નથી. તો એના માટે દર્શકોનો સપોર્ટ હંમેશાં જોઈશે. લોકોએ સ્વિકાર કરવો પડશે. કારણ કે દરેક કલાકારની પોતાની જિંદગી પણ હોય, તો આપણે તેને ફોર્સ ન કરી શકીએ.
હમણાં ગોલીભાઈ બદલાઈ ગયા. ગોલી એટલે કુશ શાહ. જૂનો ગોલી બધાને બહુ ગમતો હતો. મને ખૂબ ગમે છે. હવે ગોલી પાત્ર તો છે પણ કુશ બદલાઈ ગયો છે. પાત્રો હંમેશાં રહેવાના છે. એ છોકરાએ 16 વર્ષથી આ શોમાં મહેનત કરી છે. હવે તેને આગળ ભણવા જવું છે. તેના પણ કાંઈક સપનાં છે. તો કલાકારો બદલાતા રહેશે, પાત્ર નહીં બદલાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના ઘરમાં આનંદ આપે છે, લોકોને હસાવે છે. તો મારું કમિટમેન્ટ છે કે, હું આ કાર્ય કરતો રહીશ. મને પણ શૉ બનાવવાની મજા આવે છે. ભગવાને બહુ સરસ કામ આપ્યું છે, લોકોને હસાવવાનું. તો એ કરતો રહીશ.
શેરબજારમાં નોકરી કરી પણ સર્કીટ અભિનયમાં લાગી આસિતભાઈનો જીવ પહેલેથી અભિનયમાં ચોંટેલો, પણ પરિવારજનો કહેતા કે નોકરી તો કરવી પડે. કુટુંબની અવગણના થાય નહીં એટલે BSE રજિસ્ટર્ડ બ્રોકીંગ ફર્મ કાંતિલાલ અમથાલાલમાં સબ બ્રોકર તરીકે નોકરી લીધી. નોકરીમાં એમનો જીવ નહોતો. બજેટના દિવસે પણ એ નાટકના રિહર્સલમાં પહોંચી જતા. શેર બજારની જેમ એમના જીવનમાં પણ ઉતાર-ચડાવ ચાલતા હતા. એ નેવુંનો દાયકો હતો. ટીવીમાં દૂરદર્શનનો દબદબો હતો પણ ધીમા પગલે ખાનગી ચેનલો પ્રવેશ કરી રહી હતી. એવા સમયમાં આસિત મોદીએ કેટલીક ગુજરાતી સિરિયલમાં અભિનય તો કર્યો, સાથે-સાથે પ્રોડક્શન, ડાયરેક્શન અને માર્કેટીંગ જેવા પાસા શિખ્યા.
મિયાં ફૂસકી સિરિયલના ડાયરેક્ટર બન્યા એ સમયની લોકપ્રિય સિરિયલ રજનીનું પ્રોડક્શન, ક્રિએશન અને માર્કેટિંગ સંભાળ્યા. સાથેસાથે ગુજરાતી સિરિયલ ‘મિયાં ફૂસકી’ અને હિન્દી સિરિયલ ‘કભી યે કભી વો’નું ડાયરેક્શન કર્યું. આ સિરિયલ્સની સફળતાના કારણે તેમનામાં ભરપૂર આત્મવિશ્વાસનો સંચાર થયો અને આ જ આત્મવિશ્વાસના કારણે તેમણે પોતાનું અલગ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. નામ રાખ્યું નીલા ટેલિફિલ્મ્સ્ પ્રાઈવેટ લિમીટેડ. 2000ની સાલમાં પ્રોડક્શન હાઉસ કંપનીમાં રૂપાંતરિત થયું. પત્ની નીલાના નામ પરથી શરૂ કરેલા આ પ્રોડક્શન હાઉસના નેજામાં આસિતભાઈએ ઘણી સિરિયલ બનાવી. હમ સબ એક હૈં. યે દુનિયા હૈ રંગીન. મેરી બીવી વંડરફૂલ. ક્રિષ્નાબેન ખાખરાવાલા. સારથિ. વાહ વાહ ક્યા બાત હૈ. હમારી સાસ લીલા. સબ ખેલો સબ જીતો અને હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 4 હજારથી વધારે એપિસોડ પૂરાં કરનાર એકમાત્ર સિરિયલ બની છે.
સિરિયલમાં દર્શકોને જકડી રાખવાની ફોર્મ્યુલા આસિત મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હાસ્યની ફોર્મ્યુલા સમજાવતાં કહ્યું કે, દર્શકોને સિરિયલ તરફ જકડી રાખવાની મુખ્ય બે ફોર્મ્યુલા છે. એક સ્ટોરી અને બીજું હાસ્ય. સ્ટોરી એવી હોવી જોઈએં કે એમાંથી હાસ્ય ઉદ્દભવે. પછી ત્રીજું સ્ટેપ આવે કલાકારોનું પરફોર્મન્સ. પછી ડાયરેક્ટર કેવી માવજત કરે છે તે આવે. આ દરેક બાબત એકબીજા સાથે સંકળાયેલી છે. આ સિવાય સારો અને પોઝિટિવ મેસેજ. આ પણ સબળું પાસું છે. સર્જક તરીકે મને આનંદ એ વાતનો પણ છે કે હું બાળ મજૂરી નાબૂદી, વ્યસન મુક્તિ જેવા વિષયો અસરકારક રીતે બતાવી શક્યો. આ સિવાય સરકારની યોજનાઓ સ્વચ્છ ભારત, જનઔષધિ યોજના, આર્મી ફલેગ ડે, વેક્સિનેશન, આઝાદી કા અમૃત મહોત્સવ, આમચી મુંબઈ સ્વચ્છ મુંબઈ, એકતાની ભાવના, આપણી સંસ્કૃતિ આ બધા વિષયો અલગ રીતે બતાવવાની મજા આવે છે. આવા વિષયો લાવતો રહીશ. દર્શકોને કંટોળો નહીં આવવા દઉં.
આસિત મોદી સાથે રેપિડ રાઉન્ડ દિવ્ય ભાસ્કર : તારક મહેતાએ કરેલા સર્જનમાં તમારું ગમતું પાત્ર ક્યું?
આસિત મોદી : ચાર પાત્રો વધારે ગમે. મહેતા સાહેબ પોતે. ચંપકલાલ, જેઠાલાલ અને રસિક સટોડિયો.
દિવ્ય ભાસ્કર : ફિટનેસ માટે શું કરો છો?
આસિત મોદી : શારીરિક ફિટનેસ નથી જળવાતી પણ માનસિક ફિટનેસ માટે પ્રભુ સ્મરણ કરું છું.
દિવ્ય ભાસ્કર : તમારું પ્રિય સ્થળ?
આસિત મોદી : દરેક સ્થળ પોતપોતાની રીતે સરસ છે પણ દરિયો હોય, કુદરતી વાતાવરણ હોય એવી જગ્યા વધારે ગમે.
દિવ્ય ભાસ્કર : તમારી પ્રિય વાનગી?
આસિત મોદી : ખીચું, ફાફડા અને ઈડલી-સાંભાર
દિવ્ય ભાસ્કર : જીવનની સૌથી સુખદ ક્ષણ?
આસિત મોદી : દરેક ક્ષણને માણી લઉં છું.
દિવ્ય ભાસ્કર : જીવનની સૌથી દુખદ ક્ષણ?
આસિત મોદી : પિતા ગુમાવ્યા તે.
દિવ્ય ભાસ્કર : જીવનમાં શું અફસોસ રહી ગયો?
આસિત મોદી : હજી વધારે મહેનત કરી શક્યો હોત. વધારે પ્રવાસ કરી શક્યો હોત. સમય ગુમાવ્યાનો અફસોસ છે.
દિવ્ય ભાસ્કર : પરિવારમાં કોણ-કોણ છે?
આસિત મોદી : પત્ની નીલા. પુત્ર ઈશાંક અને દીકરી માનસી.
દિવ્ય ભાસ્કર : તમારી મનપસંદ ફિલ્મ?
આસિત મોદી : બાયસિકલ થિવ્સ
દિવ્ય ભાસ્કર : તમારા મનપસંદ સર્જકો?
આસિત મોદી : રાજકપૂર, મનોજકુમાર અને સત્યજીત રે.
દિવ્ય ભાસ્કર : તમારો શોખ શું?
આસિત મોદી : પતંગ ચગાવવા ખૂબ ગમે.