43 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષ 2024ને પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ આ વર્ષ સતત કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલું રહ્યું, દરેક સેલિબ્રિટીના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક બનતું રહે છે. આ વર્ષે બોલિવૂડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું થયું જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. આજે અમે તમને તે ફેમસ કોન્ટ્રોવર્સી વિશે જણાવીશું.
સલમાનને મળી સતત મર્ડરની ધમકી બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પર છેલ્લા ઘણા સમયથી ખતરાના વાદળો છે. તેને લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગેંગના કેટલાક સભ્યોએ તેના ઘરની બહાર ગોળીબાર પણ કર્યો હતો. એક ગોળી સલમાનના ઘરની અંદર પણ પહોંચી હતી, જોકે કોઈને નુકસાન થયું નહોતું.
આ પછી સલમાન ખાનના પિતા સલીમ ખાનને પણ લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી. બુરખા પહેરેલા એક પુરુષ અને સ્ત્રી તેની નજીક આવ્યા અને તેને ધમકાવીને લોરેન્સને બોલાવવાનું કહ્યું. તાજેતરમાં તેમના મિત્ર અને રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સલમાન ખાનને કાળિયારની હત્યાના સંદર્ભમાં બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે.
કંગના રનૌતને જૂન મહિનામાં એરપોર્ટ પર લાફો પડ્યો એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌત સાથે એક ઘટના ઘટી હતી. ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કોન્સ્ટેબલે કહ્યું કે કંગનાએ એકવાર ખેડૂતોના આંદોલન દરમિયાન કંઈક એવું કહ્યું હતું જેનાથી તેને ઠેસ પહોંચી હતી. જોકે, આ મામલા બાદ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. કંગના સાથે થયેલા આ અકસ્માતે ઈન્ડસ્ટ્રીમાં પણ બધાને હચમચાવી દીધા હતા. ઘણા લોકો માનતા હતા કે તેની સાથે જે થયું તે યોગ્ય નથી.
પૂનમ પાંડેએ પોતાના જ મૃત્યુનું તરકટ રચ્યું હતું આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ખૂબ જ ઝડપથી વાઇરલ થયા હતા. પૂનમ મૃત્યુ પામી છે એ વાત કોઈ માનતું જ નહોતું. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ બીજા દિવસે આવ્યો જ્યારે અચાનક પૂનમે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણી સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાની વાત કરી રહી હતી.લોકોએ એક્ટ્રેસને પીઆર સ્ટંટ કહીને ઘણી ટ્રોલ કરી, પરંતુ તે પછી પૂનમ વધુ લાઇમલાઇટમાં આવી.
પ્રભાસને ‘જોકર’ કહેવાના કારણે અરશદ ખુબ ટ્રોલ થયો અરશદ વારસીએ પ્રભાસને ‘જોકર’ કહ્યો હતો, જે બોલિવૂડમાં ‘સર્કિટ’ના રોલ માટે ફેમસ થયો હતો, તે પણ પોતાના એક નિવેદનને કારણે લોકોના ટ્રોલિંગનો શિકાર બન્યો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ પર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં પ્રભાસને ‘જોકર’ની જેમ બતાવવામાં આવ્યો છે. અરશદના આ નિવેદનથી ઘણા લોકો નારાજ થયા હતા, તેઓએ અરશદને ખૂબ ટ્રોલ પણ કર્યો હતો. જોકે, થોડા સમય પછી અરશદે સ્પષ્ટતા કરી હતી કે તેણે પ્રભાસને નહીં પરંતુ તેના પાત્રને જોકર તરીકે કહ્યો હતો.
કરન જોહર VS દિવ્યા ખોસલા કરન જોહર વિરુદ્ધ દિવ્યા ખોસલા બોલિવૂડ ફિલ્મ ‘જીગરા’ ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ એટલી પસંદ ન આવી. પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે ફિલ્મમાં આલિયા ભટ્ટનું કામ ઘણું સારું હતું. ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી હતી અને ફિલ્મના નિર્માતાઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના કલેક્શનના સમાચાર પોસ્ટ કરી રહ્યા હતા. પરંતુ ત્યારપછી એક દિવસ અભિનેત્રી દિવ્યા ખોસલાએ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત એક ફોટો શેર કર્યો હતો. તેણે કહ્યું કે ફિલ્મ ‘જીગરા’ની વાર્તા તેની ફિલ્મ ‘સાવી’ સાથે ઘણી મળતી આવે છે. તેણે નકલી બોક્સ ઓફિસ કલેક્શનને લઈને ‘જીગરા’ના નિર્માતા કરન જોહર પર પણ નિશાન સાધ્યું હતું. જે બાદ કરણ જોહરે પણ પોતાનો જવાબ આપ્યો હતો.
સાઉથ સ્ટાર્સ અને ફિલ્મ ફૂટેજનો વિવાદ નયનતારા-ધનુષ વિવાદ આ વર્ષે સાઉથની એક્ટ્રેસ નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલ’ ઘણા વિવાદોમાં ફસાઈ હતી. અભિનેત્રીએ તેની ડોક્યુમેન્ટ્રીમાં ઘણા ખુલાસા કર્યા છે. પરંતુ એક વિવાદ એવો હતો જેણે ઘણો વેગ પકડ્યો હતો. સાઉથ એક્ટર ધનુષે નયનતારા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કારણ કે નયનતારાએ 2015માં રિલીઝ થયેલી તેની અને અભિનેતાની ફિલ્મના સીનનો ઉપયોગ પરવાનગી વગર કર્યો હતો. નયનતારાએ ધનુષ પર ઇરાદાપૂર્વક સંમતિ રોકવાનો આરોપ લગાવ્યો અને તેને ‘અત્યાચારી’ કહ્યો. તેણે તેના સોશિયલ મીડિયા પર આ મામલે એક લાંબી પોસ્ટ શેર કરી છે.
સિંગરના ડિવોર્સ-લિંકઅપ 19 નવેમ્બરના રોજ, એ.આર.રહેમાન અને તેની પત્ની સાયરા બાનુએ તેમના 29 વર્ષના લગ્નજીવનના અંતની જાહેરાત કરી અને છૂટાછેડાની જાહેરાતના થોડા કલાકો પછી, તેમના ગ્રુપની બાસ ગિટારિસ્ટ મોહિની ડેએ પણ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી. આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે શું રહેમાનના છૂટાછેડાને મોહિની સાથે કોઈ સંબંધ છે?.જોકે બાદમાં એ.આર.રહેમાનની પત્ની સાયરા બાનુના વકીલે આ અટકળો પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું- બંનેના છૂટાછેડા વચ્ચે કોઈ સંબંધ નથી. સાયરા અને રહેમાને આ નિર્ણય જાતે લીધો છે.
ડેપ્યુટી સ્પીકર પર ભડક્યા જયા ભાદુરી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે ગૃહમાં જયા બચ્ચનને ‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન જી’ કહીને સંબોધ્યા હતા. આના પર જયા ગૃહમાં ડેપ્યુટી સ્પીકર પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું- સર, જયા બચ્ચન જ કહ્યું હોત તો પણ પૂરતું હતું. જેના જવાબમાં રાજયસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે, ‘મારી પાસે રહેલા ડોક્યુમેન્ટ્સમાં જયા અમિતાભ બચ્ચન લખેલું છે, માટે મેં તમને તે નામથી સંબોધિત કર્યા’.જયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેના પર ઘણા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા હતા.
અભિષેક- એશ્વર્યા ડિવોર્સની ચર્ચા જુલાઈમાં બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અભિષેક બચ્ચન તેના પરિવાર સાથે પહોંચ્યા હતા, જોકે ઐશ્વર્યા રાય તેની સાથે ક્યાંય જોવા મળી ન હતી. બચ્ચન પરિવારે રેડ કાર્પેટ પર ફેમિલી ફોટોઝ માટે પોઝ આપ્યા હતા, જ્યારે તેમની એન્ટ્રીના થોડા સમય બાદ ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે લગ્નમાં પહોંચી હતી અને એકલા પોઝ આપ્યા હતા. એન્ટ્રી સિવાય બંને લગ્ન દરમિયાન એકબીજાથી અલગ જોવા મળ્યા હતા.
થોડા સમય પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર ગઈ, આ સમયે પણ અભિષેક તેની સાથે નહોતો. ત્યારથી દંપતીના છૂટાછેડાના અહેવાલો આવ્યા હતા.અને સમગ્ર વર્ષ દરમિયાન આ મુદ્દો ચર્ચામાં રહ્યો અને તાજેતરમાં જ તેમની પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં સાથે ગયા હતા. આ દરમિયાન અભિષેક તેની પત્ની ઐશ્વર્યાનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
હાર્દિક-નતાશાના ડિવોર્સ અને અફેરની અફવા હેડલાઈનમાં રહી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ મે 2020માં લગ્ન કર્યા અને ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં. આ વર્ષે જુલાઈએ બંને અલગ થયા હતા, નતાશાથી અલગ થયા પછી, હાર્દિક સિંગર જેસ્મિન વાલિયાને ડેટ કરતો હોવાની અફવાઓ છે. બંને સાથે હોવાની તસવીરો પણ વાઇરલ થઈ રહી હતી.
સ્ટ્રગલ..સ્ટારડમ..રિટાયરમેન્ટ અને 24 કલાકમાં યુ-ટર્ન વિક્રાંત મેસ્સીએ અચાનક એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. એક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ સમાચાર બહાર આવતાની સાથે જ વિક્રાંતના ચાહકો ચોંકી ગયા અને નિરાશ થઈ ગયા હતા.ખાસ કરીને તેની તાજેતરની ફિલ્મોએ જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી. જો કે, તેના ચાહકો જે વિચારતા હતા કે તે રિટાયરમેન્ટ છે પરંતુ વાસ્તવમાં તે એક લાંબો બ્રેક હતો, આ વાત વિક્રાંતે પાછળથી કહી હતી.
‘પુષ્પા 2’ સ્ક્રીનિંગ વિવાદ વર્ષ 2024 ના અંત સુધીમાં, સાઉથ એકટર અલ્લુ અર્જુને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક મોટી ફિલ્મ આપી. તેની ફિલ્મ પુષ્પા 2 એ ખૂબ જ ઓછા સમયમાં લગભગ તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ્સ તોડી નાખ્યા. પોતાની ફિલ્મની સફળતાનો આનંદ માણી રહેલા એક્ટર અલ્લુ અર્જુનને 13મી ડિસેમ્બરે જેલમાં જવું પડ્યું, હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. સંધ્યા થિયેટરની બહાર નાસભાગના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે તે ફિલ્મની સ્ક્રીનિંગ માટે જાણ કાર્ય વગર થિયેટરમાં ગયો હતો,
જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. નાસભાગ થયા બાદ જ્યારે એક મહિલાનું મોત થયું ત્યારે અલ્લુ અર્જૂને પીડિત પરિવારની માફી માંગી હતી અને પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા હતા તે સિવાય ઘાયલ લોકોની સારવારની બાંહેધરી પણ આપી હતી.