મુંબઈ56 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠી
- કૉપી લિંક
જો તમારે આ ઈન્ડસ્ટ્રીમાં સન્માન મેળવવું હોય તો પહેલા તમારી જાતને માન આપતા શીખો.
આ વાત દિગ્ગજ એક્ટર મુકેશ ખન્ના કહી રહ્યા છે. લગભગ 50 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે પૈસા કરતાં આદર્શો અને સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. કરોડો રૂપિયાની ઓફર ફગાવી દીધી. કોઈ ફિલ્મ નિર્માતાના દરવાજે કામ માગવા ગયા નથી. સાઈડ હીરોનો રોલ નહોતો જોઈતો એટલે વર્ષો સુધી કામ વગર ઘરે બેસી રહ્યા.
ત્યારબાદ 1988માં બી.આર. ચોપરાએ ટીવી શો ‘મહાભારત’ બનાવ્યો હતો. તે શોમાં મુકેશ ખન્ના ભીષ્મ પિતામહના રોલમાં જોવા મળ્યા હતા. આ શો પછી ઈન્ડસ્ટ્રીને તેની ક્ષમતાઓ વિશે ખબર પડી. 1997માં, તેમણે ‘શક્તિમાન’ દ્વારા ટેલિવિઝન પર બીજી ઇનિંગ શરૂ કરી. આ શોએ તેમને યુવા પેઢી, ખાસ કરીને બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત કર્યા.
પ્લાસ્ટિક એન્જિનિયર બનવા માગતા હતા, અભિનયમાં કોઈ રસ નહોતો મુકેશ ખન્નાના પૂર્વજો મુલતાન (હવે પાકિસ્તાનમાં)ના રહેવાસી હતા. 1947માં ભાગલા પછી તેમનો પરિવાર બોમ્બે (મુંબઈ) આવ્યો. તેમનો જન્મ 23 જૂન, 1958ના રોજ થયો હતો. ચાર ભાઈઓમાં તે સૌથી નાના હતા. ઘર મરીન ડ્રાઈવ, મુંબઈ પર હતું. સંયુક્ત કુટુંબ હતું, બધા સાથે રહેતા હતા.
મુકેશ ખન્નાને અભિનયમાં કોઈ રસ નહોતો. તેમણે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કરવું હતું. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએસસી કર્યું.અભ્યાસ સાથે તેઓ ક્રિકેટ પણ રમતા હતા.ઇનસ્વિંગ બોલિંગ નાખતા. કપિલ દેવ સાથે પોતાની સરખામણી કરતા હતા.
મુકેશ ખન્નાએ પોતાની કરિયરમાં 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે
મોટા ભાઈએ મને અભિનય ક્ષેત્રમાં આવવાની સલાહ આપી મુકેશ ખન્ના નહીં પરંતુ તેમના મોટા ભાઈને એક્ટિંગનો શોખ હતો. તેનું નામ જગ્ગી ખન્ના હતું. તે એક્ટિંગ કરવા માગતા હતા, પરંતુ પરિવારે તેમના લગ્ન કરી નાખ્યા. પછી તેમણે ભાઈ મુકેશને આ ક્ષેત્રમાં આવવા પ્રેરિત કર્યા.
ખન્નાના બીજા ભાઈએ તેમને લૉ કૉલેજમાં જોડાવાની સલાહ આપી. ત્યાં તેમણે એલએલબીનો અભ્યાસ કર્યો. ત્રણ વર્ષના કોર્સ દરમિયાન કોલેજમાં નાટકોમાં ભાગ લીધો હતો. ત્યાં મુકેશ ખન્નાને પહેલીવાર લાગ્યું કે તેઓ અભિનય કરી શકશે. આ પછી તેમણે પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં એડમિશન લીધું.
હવે મુકેશ ખન્નાની સક્સેસ સ્ટોરી તેમના જ શબ્દોમાં. ‘ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી પાસ આઉટ થયા પછી મને 1978માં ‘ખૂની’ ફિલ્મ મળી, પરંતુ તે ક્યારેય રિલીઝ થઈ નહીં. જો કે, તેના કારણે, ઇન્ડસ્ટ્રીના લોકોને ખબર પડી કે એક ઊંચો અને મજબૂત કદકાઠીનો એક્ટર બજારમાં આવ્યો છે. પછી એક સાથે અનેક ફિલ્મો સાઈન કરી. બાદમાં 1981માં ‘રૂહી’ નામની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ‘રૂહી’ મારી સાઈન કરેલી 15મી ફિલ્મ હતી, પરંતુ તે રિલીઝ થનારી પહેલી ફિલ્મ હતી.’
લોકોએ કહ્યું- અમિતાભ બચ્ચનની નકલ કરે છે ‘મેં ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે લોકો મારી સરખામણી અમિતાભ બચ્ચન સાથે નકારાત્મક રીતે કરવા લાગ્યા હતા. લોકો કહેવા લાગ્યા કે મારો અવાજ અને શરીર અમિતાભ બચ્ચન જેવું છે. હું તેમની નકલ કરું છું. તે સમયે તેમને કોણ સમજાવે કે મારી પાસે મારું પોતાનું શરીર છે, મારો પોતાનો અવાજ છે અને મારી પોતાની પ્રતિભા છે. શા માટે હું બીજી વ્યક્તિની નકલ કરીશ?’
નજીકના લોકો કહેતા હતા – બોલિવૂડ પાર્ટીઓમાં જાઓ, ત્યાં સંપર્ક કરો ઈન્ડસ્ટ્રીમાં જોડાતાંની સાથે જ મેં એક અઠવાડિયામાં 5 ફિલ્મો સાઈન કરી. મોટાભાગની ફિલ્મો ફ્લોપ ગઈ. મને બોલિવૂડની પાર્ટીઓમાં જવાની સલાહ મળવા લાગી.
મારા નજીકના લોકો કહેતા હતા કે, પાર્ટીઓમાં હાજરી આપો, તો જ તમે લોકોને ઓળખશો. પછી તમને સારા પ્રોજેક્ટ્સ મળશે. હું હંમેશા માનતો હતો કે કામ માટે કોઈની સામે હાથ ન ફેલાવવો જોઈએ. મને સાઈડ હીરોનો રોલ સરળતાથી મળી શક્યો હોત. જો કે, મારે તેવા રોલ કરવા નહોતા.
યશ ચોપરાની વાત ખરાબ લાગી ‘એકવાર મોટા ભાઈ જગ્ગી મારા શોની રીલ લઈને યશ ચોપરાને બતાવવા ગયા હતા. તે શો રીલમાં મારા અભિનયને લગતી ક્લિપ્સ હતી. યશ ચોપરાને મારું કામ ગમ્યું, પરંતુ તેમણે કંઈક એવું કહ્યું જે ન કહેવું જોઈતું હતું. તેમણે કહ્યું કે જ્યારે આપણને વિદેશી દારૂ મળી રહ્યો છે તો આપણે દેશી દારૂ શા માટે ખરીદવો જોઈએ? તેમનો કહેવાનો અર્થ એ હતો કે જ્યારે મારી પાસે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના જેવા સ્ટાર્સ છે તો હું મારી ફિલ્મમાં મુકેશ ખન્ના જેવા નવા અભિનેતાને કેમ કાસ્ટ કરું.’
બસ, આજે તમે એ જ મુકેશ ખન્નાનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છો.
મહાભારત મેળવ્યા પહેલા 2 વર્ષ નિષ્ક્રિય બેઠા ‘1978માં ડેબ્યૂથી લઈને 1985 સુધીમાં મેં ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું. તેના પછી બે-ત્રણ વર્ષ સુધી ઘરે રહ્યો. 1988માં મને ટીવી સિરિયલ ‘મહાભારતની’ ઓફર મળી હતી. મને એ વાતનું દુઃખ છે કે મારો ભાઈ જગ્ગી ‘મહાભારત’ ન જોઈ શક્યો. સિરિયલ આવે તે પહેલા જ તેણે આ દુનિયા છોડી દીધી હતી.’
દુર્યોધનની ભૂમિકાને નકારી કાઢી, પછી ભીષ્મ બન્યા મને મહાભારત માટે ગૂફી પેન્ટલનો ફોન આવ્યો હતો. એક્ટર હોવા ઉપરાંત તેઓ કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા. ગૂફી પેન્ટલ અને શો મેકર બી.આર. ચોપરા ઈચ્છતા હતા કે હું દુર્યોધનનો રોલ કરું. મેં નેગેટિવ રોલ કરવાની ના પાડી. મને અર્જુન કે કર્ણનો રોલ જોઈતો હતો. જો કે, આ બંને ભૂમિકાઓ અન્ય કોઈને આપવામાં આવી હતી. પછી મને ભીષ્મ પિતામહનો રોલ મળ્યો. એ પછી જે થયું એનો ઈતિહાસ સાક્ષી છે.
પડદા પર સ્ત્રી બનવું મંજૂર નથી ‘મને લાગે છે કે હું અર્જુનનો રોલ વધુ સારી રીતે નિભાવી શક્યો હોત કારણ કે મેં આખું મહાભારત વાંચ્યું છે. હું દરેક પાત્રનો સાર જાણું છું. જો કે, જે પણ થાય છે, તેની પાછળ એક કારણ છે. જો મેં અર્જુનનું પાત્ર ભજવ્યું હોત તો મારે એક જ ક્રમમાં બૃહન્નલા બનવું પડત. જે સ્ત્રીના પોશાકમાં જોવા મળે એ મને બિલકુલ સ્વીકાર્ય ન હતું. એટલે જે થયું તે બરાબર થયું.’
મહાભારતની કથા અનુસાર બૃહન્નલા અર્જુનનું નપુંસક સ્વરૂપ હતું. અર્જુને વનવાસ દરમિયાન બૃહન્નલાનું રૂપ ધારણ કર્યું હતું. તસવીરમાં દેખાતો વ્યક્તિ એક્ટર ફિરોઝ ખાન છે. તેણે મહાભારત સિરિયલમાં અર્જુનનું પાત્ર ભજવ્યું હતું.
મારી પાસે શાહરુખ અને આમિર જેટલા પૈસા નથી, પરંતુ ગુડવીલ તેમના કરતા વધારે છે ‘મેં હંમેશા પૈસા કરતાં સિદ્ધાંતો અને આદર્શોને પ્રાધાન્ય આપ્યું છે. શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા મોટા સ્ટાર્સ પાસે કરોડો અને અબજો રૂપિયા હશે. મારી પાસે આટલા પૈસા ભલે ન હોય, પણ મેં અબજો રૂપિયાની ગુડવીલ કમાઈ છે, જે તેમની પાસે નથી. જ્યારે આપણે આ દુનિયા છોડીશું ત્યારે આ ગુડવીલ આપણી સાથે હશે.’
‘કામ મેળવવા માટે મારે જી હઝૂરી નથી કરવી’ ‘લોકો મને અહંકારી માને છે. કહેવાય છે કે મારી અંદર ઘમંડ ઘણો છે. જો કે, એવું કંઈ નથી. હું મારા સ્વાભિમાનને બીજા બધાથી ઉપર રાખું છું, તેથી મારા શબ્દો થોડા ઘણા ખરાબ લાગે છે. હું કામ મેળવવા માટે કોઈની સામે હાથ ફેલાવી શકતો નથી. લોકો કહે છે કે આ રીતે બધાની સામે બોલવું જોઈએ નહીં. ઉદ્યોગમાંથી બહિષ્કાર કરવામાં આવશે.’
‘હું તેમને કહું છું કે જેમને કામની લાલચ હશે તેમનો બહિષ્કાર થશે. કોઈ મને કામ આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નથી. આજે પણ મારા પોતાના દમ પર ફિલ્મો બનાવવાની ક્ષમતા છે.’
‘બાકી જેને માન આપવું હોય તેને હું આપું જ છું. કોઈ મને કહેશે કે મુકેશ ખન્નાએ ક્યારેય દિલીપ કુમાર વિશે કંઈ ખોટું કહ્યું હોય? મેં હંમેશા તેમનો આદર કર્યો છે. તેમણે પણ મારા કામને મહત્ત્વ આપ્યું. ‘મહાભારત’માં મને ભીષ્મના રોલમાં જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેંમણે મારા વખાણ પણ કર્યા.’
75 લાખ ઉધાર લઈને બનાવવામાં આવી હતી ‘શક્તિમાન’, શોએ તોડ્યો રેકોર્ડ ભીષ્મ પિતામહ પછી મુકેશ ખન્નાની કારકિર્દીની સૌથી મોટી ખાસિયત ટીવી શો ‘શક્તિમાન’ હતી. શક્તિમાનના નિર્માણ પાછળ એક રસપ્રદ વાર્તા છે.
મુકેશ ખન્નાએ કહ્યું, ‘મારા પાડોશમાં રહેતું એક બાળક આખો દિવસ સુપરહીરો જેવા નાના-નાના રમકડાંથી રમતું હતું. તે તેને નવડાવે- ધોવડાવે પણ. મને આશ્ચર્ય થયું કે શા માટે આપણી પાસે અહીં કોઈ સુપરહીરો પાત્રો નથી. ત્યારે મારા અને મારા એક મિત્રના મગજમાં ‘શક્તિમાન’નો ખ્યાલ આવ્યો. જોકે, મારી પાસે તેને બનાવવા માટે પૈસા નહોતા. સુપરહીરો શોનું બજેટ વધારે હતું.’
‘પછી હું એક સજ્જનને મળ્યો. મેં તેમની પાસેથી 75 લાખ ઉછીના લીધા હતા. તેમણે મારી પાસેથી કોઈ વ્યાજ લીધું ન હતું. એક-બે વર્ષમાં મેં તેમના પૈસા ચૂકવી દીધા.’
આ શોએ વ્યૂઅરશિપના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. ખાસ કરીને બાળકોને તે ખૂબ ગમ્યો. એટલો ક્રેઝ હતો કે બાળકો ‘શક્તિમાન’ જેવા બનવાની કોશિશ કરવા લાગ્યા. જેના કારણે દુર્ઘટનાઓ પણ બનવા લાગી. બાદમાં મુકેશ ખન્નાએ પોતે સામે આવીને ખુલાસો કરવો પડ્યો હતો.
‘મહાભારત’ અને ‘રામાયણ’ પછી શક્તિમાનને દૂરદર્શન પર સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી
1997માં ટેલિકાસ્ટ, 104 એપિસોડ પછી શો અચાનક બંધ થઈ ગયો શક્તિમાનનું પ્રસારણ 27 વર્ષ પહેલા 1997માં શરૂ થયું હતું. તે 2005 માં અચાનક બંધ થઈ ગયું હતું. શો બંધ કરવા પાછળનું કારણ મુકેશ ખન્ના અને દૂરદર્શન વચ્ચે પૈસાને લઈને વિવાદ હતો.
મુકેશ ખન્નાએ એક વખત કહ્યું હતું કે દૂરદર્શનના લોકોએ તેમની પાસેથી ઘણા પૈસા લેવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેમને નુકસાન થવા લાગ્યું. વાસ્તવમાં, અગાઉ નિર્માતાઓએ દૂરદર્શન પર સિરિયલો ચલાવવા માટે પ્રોડ્યૂસરને પૈસા ચૂકવવા પડતા હતા.
કેટલા પૈસા લેવા તે દૂરદર્શન નક્કી કરતું હતું. 104 એપિસોડ પૂરા થયા પછી, દૂરદર્શને ચાર્જ વધારીને રૂ. 10.8 લાખ કર્યો. શરૂઆતમાં આ રકમ 2.8 લાખ હતી. ખન્ના માટે આ ખોટનો સોદો સાબિત થવા લાગ્યો, તેથી તેમણે શોને અચાનક સમાપ્ત કરવાનું નક્કી કર્યું.