58 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુન્નવર ફારૂકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુન્નવર ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, મુન્નવરને મિનારા મસ્જિદની એક રેસ્ટોરાંમાં ઇફ્તારી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ મુન્નવર નજીકમાં જ અન્ય સ્થળે જમવા ગયો હતો. આ જોઈને રેસ્ટોરાં માલિક ગુસ્સે થઈ ગયો હતો. તેથી મુન્નવર પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો 8મી એપ્રિલનો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં મુન્નવર ફારુકી રેસ્ટોરાંના માલિક પર ગુસ્સે જોવા મળે છે. તેની આસપાસ ભારે ભીડ પણ જોવા મળે છે. મુન્નવરને તેના સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા પકડી રાખવામાં આવે છે.
એક મીડિયાના રિપોર્ટ અનુસાર, રેસ્ટોરાંના માલિક અને તેના પાંચ સ્ટાફ સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે મુન્નવર તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. થોડા દિવસો પહેલાં મુંબઈ પોલીસે એક હુક્કા પાર્લરમાં દરોડા પાડીને મુન્નવર ફારૂકી અને અન્ય 13 લોકોની અટકાયત કરી હતી. આ તમામને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા છે. તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસને એક બાતમી મળી
ફોર્ટ વિસ્તારની હોટેલ સબલાન હુક્કા પાર્લરમાં પડેલા દરોડા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ‘પોલીસને માહિતી મળી હતી કે આ હુક્કા પાર્લરમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. આ પછી પોલીસ દરોડો પાડવા ત્યાં પહોંચી અને 13 લોકોને કસ્ટડીમાં લીધા. આ લોકોમાં મુન્નવર ફારૂકીનો પણ સમાવેશ થાય છે.’
13,500ની કિંમતની 9 હુક્કા
પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા આ હુક્કા પાર્લરમાં દરોડો પાડી રૂ.4,400 રોકડા અને રૂ.13,500ની કિંમતની 9 હુક્કા કબજે કર્યા હતા. સિગારેટ અને અન્ય ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઘણા રિયાલિટી શો જીત્યા છે
વિવાદોમાં આવ્યા બાદ મુન્નવરે પહેલીવાર 2022માં કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં ભાગ લીધો હતો. તે તેની સીઝન 1 નો વિજેતા પણ હતો. આ પછી તે ગયા વર્ષે ‘બિગ બોસ 17’નો વિજેતા પણ બન્યો હતો.