1 કલાક પેહલા
- કૉપી લિંક
7 માર્ચ, 1955
શિયાળાની કડકડતી ઠંડીમાં રાતે 9 વાગ્યા હતા. લગભગ બધા જ લોકો રેડિયો ઉપર આકાશવાણીના પ્રોગ્રામની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. પ્રોગ્રામ શરૂ થતા જ જાહેરાત કરવામાં આવી કાર્યક્રમ શરૂ થતાંની સાથે જ એક જાહેરાત થઈ, તમે સાંભળી રહ્યા છો આકાશવાણી, એટલામાં લેડી રીડિંગ હૉસ્પિટલના ડિલિવરી રૂમમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો.
દુલારી ખેરે તે રૂમમાં પુત્રને જન્મ આપ્યો હતો. થોડા સમય પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા પુષ્કર નાથ ખેર તેમની પત્નીની ખબર-અંતર પૂછવા રૂમમાં આવ્યા અને થોડી વાર પછી એક નર્સ રૂમમાં દાખલ થઈ હતી. માતાએ બાળકના ચહેરા તરફ જોયું અને તેમની આંખો ભીની થઈ ગઈ, આ દરમિયાન નજીકમાં ઉભેલી નર્સે તેને અંગ્રેજીમાં પૂછ્યું, મિસિસ ખેર, ઇઝ ધીસ યોર ફર્સ્ટ ચાઈલ્ડ (શું આ તમારું પહેલું બાળક છે?)
દુલારી ખેરના પતિએ મક્કમતાથી જવાબ આપ્યો, ‘હા, પણ કેમ?.’
પછી નર્સે દુલારી તરફ જોયું અને અંગ્રેજીમાં કહ્યું, ‘મિસિસ ખેર, તમે માત્ર 19 વર્ષના છો, તમે હજુ ઘણાં બાળકોને જન્મ આપી શકશો.’
મિસિસ ખેરે પછી તેમના પતિ તરફ જોયું અને તેમણે જવાબ આપ્યો, ‘હા, પણ શા માટે?.’
ત્યારે નર્સે કહ્યું, ‘મિસિસ ખેર, મારે કોઈ બાળક નથી, શું હું તમારા પુત્રને દત્તક લઈ શકું?’
અંગ્રેજ નર્સના શબ્દો સાંભળીને મિસ્ટર એન્ડ મિસિસ ખેર સ્તબ્ધ થઈ ગયા, પરંતુ તેઓએ બાળકને આપ્યું નહીં. આ ઘટનાના વર્ષો પછી આ બાળક આજે આખા દેશમાં અનુપમ ખેરના નામથી ઓળખાય છે. તેમણે પોતે ‘આપ કી અદાલત’માં ખૂબ જ ગર્વ સાથે આ વાર્તા સંભળાવી અને કહ્યું કે જન્મની થોડી જ મિનિટોમાં હું ડિમાન્ડમાં આવ્યો હતો.
આજે આ જ અનુપમ ખેર 69 વર્ષના થઈ ચૂક્યા છે, આજે તેમના ખાસ દિવસે જાણીએ અનુપમ ખેરની જાણી-અજાણી વાતો
અનુપમ એક રૂમમાં 14 લોકો સાથે રહેતા હતા
અનુપમ ખેરના માતા-પિતા કાશ્મીરી હતા. ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા પછી કાશ્મીરની સ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને કાશ્મીરી પંડિતોને મારીને ત્યાંથી ભગાડવા લાગ્યા. રમખાણો વચ્ચે અનુપમ ખેરના માતા-પિતા કાશ્મીરથી આવ્યા અને શિમલામાં સ્થાયી થયા, જ્યાં અનુપમ ખેરનો જન્મ થયો. અનુપમને પરિવારના સભ્યો પ્રેમથી ‘બિટ્ટુ’ કહે છે.
મોટા કલાકારો માટે એવું કહેવાય છે કે, તેઓ અભિનયની હથોટી સાથે જન્મતા હોય છે. પરંતુ અનુપમ ખેર સાથે આવું ન બન્યું. શિમલામાં કાશ્મીરી પંડિતોના પરિવારમાં જન્મેલા અનુપમ ખેરનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. પિતાનો પગાર માત્ર 90 રૂપિયા હતો અને એક રૂમના મકાનમાં 14 લોકો રહેતા હતા. અનુપમનું એડમિશન શિમલાની ડીએવી સ્કૂલમાં થયું.
અનુપમ પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત સ્ટેજનો સામનો કર્યો હતો. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૃથ્વીરાજ ચૌહાણ પર નાટક ભજવવાનું હતું. અનુપમ તેમના વર્ગમાં સૌથી સુંદર હતા, તેથી તેમને નાટકમાં પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા આપવામાં આવી હતી.તેઓ બહુ જ પાતળા હતા, જ્યારે તેમના કરતાં 5 ગણા મોટા નંદ કિશોરને જયચંદની ભૂમિકા માટે લેવામાં આવ્યા હતા.
સ્ક્રિપ્ટ મુજબ, અનુપમે નંદ કિશોરને ઉપાડીને ફેંકવાના હતા, પરંતુ આ શક્ય ન બન્યું. નાટક શરૂ થયું ત્યારે અનુપમના કહેવા પર નંદ કિશોર બે વાર સ્ટેજ પર પડ્યા હતા, પરંતુ જ્યારે અનુપમે ત્રીજી વાર કહ્યું, પડો, ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા નંદ કિશોરના પિતા ઊભા થઈ ગયા અને બૂમ પાડી, નંદ કિશોર, જો હવે તમે પડ્યા તો ઘરે ન આવતા. આ સાંભળીને નંદ કિશોરને ખબર નહીં કે શું થયું તેમણે અનુપમને ઉપાડ્યા અને પ્રેક્ષકોમાં ફેંકી દીધા હતા અને આમ તેનું પ્રથમ સ્ટેજ નાટક ખરાબ રીતે ફ્લોપ થયું.
માંડ-માંડ અંગ્રેજી નાટકમાં કામ મળ્યું, ડાયલોગ્સ ન આવડ્યા તો સ્ટેજ ઉપર જ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા
હિન્દી માધ્યમની શાળામાં ભણેલા અનુપમ પાસે હરદર્શન નામના અંગ્રેજી શિક્ષક હતા. તેઓ હંમેશા અંગ્રેજી નાટકનું સપનું જોતા હતા. તે વર્ષે જ્યારે અંગ્રેજી માધ્યમમાં નાપાસ થયેલા લગભગ 7-8 બાળકોએ તેમના વર્ગમાં પ્રવેશ લીધો, ત્યારે હરદર્શન સરએ શેક્સપિયરની ‘મર્ચન્ટ ઑફ વેનિસ કહાની’ પર પ્લે નક્કી કર્યું. તે નાટકમાં અનુપમને કોર્ટના ક્લાર્કનો રોલ મળ્યો હતો, જે કોર્ટમાં જજ દ્વારા લખેલા આદેશો સંભળાવતો હતો. જ્યારે ડ્રેસ રિહર્સલ થયું ત્યારે અનુપમે 8 લાઈનમાં 27 ભૂલો કરી
ડેપ્યુટી કમિશનર સહિત ઘણા મોટા લોકો એ નાટક જોવા આવવાના હતા, તેથી ગડબડના ડરથી સરે અનુપમને નાટકમાંથી કાઢી મૂક્યા હતા.
અનુપમે આજીજી શરૂ કરી અને તેમના શિક્ષકના પગ પકડીને કહ્યું કે, મને નાટકમાંથી બહાર ન કાઢો, મારા પરિવારના સભ્યો નાટક જોવા આવશે, જો હું નાટકમાં નહીં હોઉં તો મારું ખૂબ અપમાન થશે.
શિક્ષક સંમત થયા,પરંતુ અનુપમના તમામ ડાયલોગ્સ ન્યાયાધીશની ભૂમિકા ભજવી રહેલા છોકરાને આપવામાં આવ્યા અને તેમને ફક્ત માથું હલાવવાનું કહેવામાં આવ્યું.
બીજે દિવસે નાટક શરૂ થયું ત્યારે જજ બનેલા છોકરાએ બધાની સામે કહ્યું કે, હવે કોર્ટનો કારકુન જ બધા આદેશ આપશે. અનુપમને અંગ્રેજી ડાયલોગ્સપણ યાદ નહોતા તેથી તે ગભરાટમાં ચુપચાપ માથું હલાવવા લાગ્યા હતા. ત્યારે ન્યાયાધીશે કહ્યું, કોર્ટના ક્લાર્ક આદેશ સંભળાવશે. આ સાંભળીને અનુપમ ગભરાટમાં રડવા લાગ્યો અને કહ્યું, ‘પ્રિન્સિપાલ સાહેબે કહ્યું હતું કે તું કંઈ ન બોલતો, માત્ર માથું હલાવજે’.
આ જોઈને સ્ટેજની પાછળ ઊભેલા સરે વાંચવાનો ઈશારો કર્યો, તો અનુપમે તૂટેલા અંગ્રેજીમાં કહ્યું, ‘યુ બાસ્ટર્ડ શાયલોક, વ્હોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ, યુ વોન્ટ મની, મૈં જૂતા ઉઠાકર મારૂંગા.’
આ તે ક્ષણ હતી જ્યારે ‘મર્ચન્ટ ઑફ વેનિસ’નું નાટક જોઈને શાંતિથી બેઠેલા પ્રેક્ષકો હસીને લોટ-પોટ થઇ ગયા હતા અને આખું ઓડિટોરિયમ તાળીઓ અને હાસ્યથી ભરાઈ ગયું હતું. આ નાટકમાં અનુપમને સૌથી વધુ પ્રશંસા મળી હતી.
થિયેટરમાં સાથે બેઠેલી યુવતીનો હાથ પકડ્યો, બીજા દિવસે ઘરે લવલેટર આવ્યો
અનુપમ ખેરને બાળપણથી જ ફિલ્મોનો ઘણો શોખ હતો. તે દિવસોમાં આખા શિમલામાં માત્ર 4 સિનેમા હોલ હતા, જ્યાં ફિલ્મો જોનારાઓની ભીડ રહેતી હતી. એ ચાર થિયેટરોમાં અનુપમની હાજરી ચોક્કસ J રહેતી. મોટાભાગની ફિલ્મો દારા સિંહ અને મનોજ કુમારની હતી.
એક દિવસ અનુપમ મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’ જોવા ગયા હતા. ફિલ્મમાં હીરોએ હિરોઈનનો હાથ પકડતા જ અનુપમે તેની સાથે બેઠેલી યુવતીનો હાથ પકડી લીધો હતો. જો કે અનુપમ ખેરનું કહેવું છે કે, તેમણે આ કૃત્ય જાણી જોઈને કર્યું હતું. બસ, ફિલ્મ પૂરી થઈ અને બંને પોતપોતાના ઘરે ગયા.
બીજા દિવસે અમે ઘરે બેઠા હતા ત્યારે અચાનક છોકરીએ તેમના નાના ભાઈ સાથે પ્રેમપત્ર મોકલ્યો. યુવતીએ તેમના ભાઈને માત્ર જવાબ લઈને આવવા કહ્યું હતું.
એ પ્રેમપત્રમાં લખ્યું હતું, ‘પ્રિય અનુપમ, મેં તને જ્યારથી જોયો છે ત્યારથી ન તો રાતમાં ઊંઘ આવે છે અને ન દિવસે શાંતિ.’
અનુપમ ખેરે પણ જવાબ મોકલ્યો અને આમ બંને વચ્ચે પત્રોનો સિલસિલો શરૂ થયો. એક દિવસ અનુપમે છોકરીને મોકલવા માટે કેટલાક ફોટા પડાવ્યા હતા. એ ફોટા પ્રેમપત્રો સાથે રાખ્યા હતા. જ્યારે તેમના માતાના હાથમાં એ પ્રેમ પત્રો અને ફોટા આવ્યા. તો ઘરમાં સખત મારપીટ કરવામાં આવી હતી અને આમ અનુપમનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો હતો.
જોકે મારપીટનો આ પહેલો કિસ્સો નહોતો. માતા દુલારી અનુપમને ખૂબ મારતી હતી. ક્યારેક 3 પૈસા માટે અનુપમના કપડાં ઉતારીને મારતા અને ઘરની બહાર ઉભા રાખતા હતા અને ક્યારેક તો એટલા માર માર્યા હતા કે ડોક્ટર પાસે જવું પડતું.
અનુપમ ખેરે પ્રથમ ફિલ્મમાં ભીડ તરીકે હાજરી આપી હતી
ડીએવી સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી, અનુપમ ખેરે અર્થશાસ્ત્રમાં સ્નાતક થવા માટે સરકારી કોલેજ, સંજોલીમાં પ્રવેશ લીધો હતો. કોલેજના દિવસોમાં તેઓ નાટકોનો ભાગ બનતા હતા. એક દિવસ ‘ઉંમર કેદ’નું શૂટિંગ શિમલામાં થયું હતું, જેમાં વિનોદ મહેરા, જિતેન્દ્ર, સુનીલ દત્ત, રીના રોય લીડ રોલમાં હતા. એ શૂટિંગ માટે ફિલ્મ નિર્માતાઓને ભીડમાં ઊભેલા લોકોની જરૂર હતી. આવી સ્થિતિમાં એક વ્યક્તિ અનુપમ ખેરને શોધતો કોલેજ આવ્યો. અનુપમને સેટ પર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને કોઈ કામ આપવામાં આવ્યું ન હતું. તે રોજ સેટ પર જતા અને એક બાજુ બેસી જતા હતા. જ્યારે શૂટિંગ પૂરું થયા બાદ અનુપમ બહાર આવતા હતા ત્યારે બધા પૂછતા હતા કે અંદર શું થયું છે, તો અનુપમ બધાને કહેતા હતા કે, ‘મને લીડ રોલ આપવામાં આવ્યો છે. જીતેન્દ્ર જી, તે મારા હાથે જ ભોજન ખાય છે. અસરાની સાહેબ મારા જોક્સ પર હસી પડે છે.’ હું પણ ગાવાનો શોખ રાખું છું. અનુપમ પોતાની ઈજ્જત બચાવવા આ બધા જુઠ્ઠાણા બોલતા હતો.
એક દિવસ અનુપમ તેમના મિત્રો સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે અચાનક ફિલ્મના તમામ મોટા કલાકારો સામેથી આવતા જોવા મળ્યા. અનુપમના મિત્રોએ તેમને કહ્યું, ‘અરે જુઓ, તમારા મિત્રો આવી રહ્યા છે.’
અનુપમ ગભરાઈ ગયા કારણ કે તેણે આજ સુધી કોઈની સાથે વાત પણ કરી ન હતી. ગભરાયેલા અનુપમ ડરીને આગળ વધી રહ્યા હતા ત્યારે અસરાનીએ તેમને જોયા અને પૂછ્યું, “કેમ છો?” અસરાનીએ અનુપમને સેટ પર બેઠેલા જોયા હશે અને તેમની યાદશક્તિએ તે દિવસે અનુપમનું સન્માન બચાવ્યું.
એક દિવસ અનુપમ ખેર એક્ટર કિશન ધવનને સેટ પર મળ્યા. તેમણે કહ્યું કે હું ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાં પણ એડમિશન લેવા ઈચ્છું છું. કૃપા કરીને મારી પસંદગી માટે કોઈની સાથે વાત કરો. તેના જવાબમાં તેણે તેના પુત્ર દિલીપ ધવનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ‘હું તેને પ્રવેશ અપાવીશ. તમારી મદદ ન કરી શકું.’
ફિલ્મ ‘ઉંમર કેદ’ થોડા મહિના પછી રિલીઝ થઈ ત્યારે અનુપમ ખેરને ડર હતો કે ફિલ્મ જોયા પછી બધા સમજી જશે કે તેમને કોઈ રોલ આપવામાં આવ્યો નથી. એ જમાનામાં ફિલ્મો મોટા શહેરોમાં અને 5 મહિના પછી શિમલામાં દેખાતી હતી. અનુપમના તમામ મિત્રો તે ફિલ્મ જોવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા. તેમની આખી કોલેજ પણ સાથે ગઈ. અનુપમે મોર્નિંગ શોમાં ચોરીછૂપીથી ફિલ્મ જોઈ અને ચહેરો બચાવવા કહ્યું, ફિલ્મમાંથી મારો રોલ કાપી નાખવામાં આવ્યો છે, કારણ કે દિગ્દર્શકે કહ્યું છે કે તેઓ મને આ રીતે ભીડમાં ઊભો કરીને મારો રોલ ખરાબ કરવા માગતા નથી, તેઓ મને સ્ટાર બનાવશે.
ઓડિશન આપવા માટે મંદિરમાંથી 100 રૂપિયાની ચોરી કરી, ઘરે આવી હતી પોલીસ
કોલેજના દિવસોમાં અનુપમે થિયેટર કોટામાં એપ્લાઇ કર્યું હતું. તેઓ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે કોલ આવ્યો અને ચંદીગઢ જઈને ઓડિશન આપવું પડ્યું. તેની પાસે ન તો ચંદીગઢ જવાના પૈસા હતા અને ન તો તેના ગરીબ પિતા પાસેથી પૈસા માગવાની હિંમત હતી.
એક દિવસ પૈસા માટે અનુપમ ઘરમાં બનેલા મંદિરે ગયા. તેમની માતા દરરોજ તે મંદિરમાં પૈસા રાખતા હતા, જેના કારણે એક વર્ષમાં 108 રૂપિયા ત્યાં જમા થઈ ગયા. અનુપમે ત્યાંથી 100 રૂપિયાની ચોરી કરી અને 8 રૂપિયા મંદિરમાં જ છોડી દીધા.
અનુપમે પરિવારને કહ્યું કે તે મિત્રો સાથે પિકનિક માટે જઈ રહ્યો છે અને સાંજે પરત આવશે. તેમણે સવારે બસ લીધી અને ચંદીગઢમાં ઓડિશન આપ્યું અને સાંજે ઘરે પરત ફર્યા.
ઘરે આવીને જોયું તો ઘરમાં હંગામો મચી ગયો હતો. 100 રૂપિયાની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી અને ઘરમાં પોલીસનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ ઘટનાના બે દિવસ બાદ અનુપમના પિતા તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, ચોરીના દિવસે તું ક્યાં ગયો હતો. અનુપમ તેમના પિતાની કડકાઈથી ડરી ગયા અને તેણે આખી હકીકત જણાવી અને કહ્યું, હું એક્ટર બનવા માટે ઇન્ટરવ્યૂ આપવા ચંદીગઢ ગયો હતો. તેમના શબ્દો સાંભળીને રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આ દરમિયાન માતાએ પૂછ્યું, પૈસા ક્યાંથી લાવ્યા?
જેવા અનુપમે કહ્યું કે, મેં મંદિરમાંથી ચોરી કરી છે, માતાએ કંઈપણ બોલ્યા વિના તેમને જોરથી થપ્પડ મારી દીધી.
બધા ગુસ્સામાં હતા, એટલામાં પિતા પણ તેમની તરફ આવવા લાગ્યા, અનુપમ વધુ ડરી ગયા.
આ જોઈને અનુપમે આજીજી કરવા માંડી અને કહ્યું, ‘મને માફ કરો, હું એક્ટર નહીં બનીશ, હું ચૂપચાપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક બની જઈશ. મારાથી ભૂલ થઈ છે.’
પિતાએ ઊંચા અવાજે કહ્યું, ચૂપ રહો. તમારી પસંદગી થઈ ગઈ છે. તેમણે પોતાના હાથનો પત્ર અનુપમને બતાવ્યો.
માતાએ પાછળથી ગુસ્સામાં કહ્યું, મારા 100 રૂપિયાનું શું થશે.
પિતાએ જવાબ આપ્યો, ‘તેમને 100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે, જેમાંથી તમે 100 રૂપિયા રાખજો’.
આમ, 27 જુલાઈ 1974ના રોજ અનુપમ ખેર શિમલા છોડીને ચંદીગઢ આવ્યા અને થિયેટર વિભાગમાં જોડાયા.
એક વર્ષના ડિપ્લોમા પછી તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી 3 વર્ષ માટે ડિપ્લોમા પણ કર્યો. તેમના અભ્યાસ વચ્ચે, 1979માં તેમના પરિવારે અનુપમ ખેરના લગ્ન મધુમાલતી કપૂર સાથે કરાવ્યા. તેમની પત્ની મોટાભાગે શિમલામાં રહેતી હતી, જ્યારે અનુપમ અભ્યાસ માટે દિલ્હીમાં રહેતા હતા. થોડા સમય પછી અનુપમની મુલાકાત એનએસડીમાં અભ્યાસ કરતી વખતે કિરણ ખેર સાથે થઈ. બંને સાથે ભણતા હતા, જ્યારે કિરણ પણ પરિણીત હતી અને એક બાળકની માતા (સિકંદર ખેર). તેમના પતિ ગૌતમ બેરી એક બિઝનેસમેન હતા.
37 રૂપિયા લઈને મુંબઈ પહોંચ્યા, એક મહિના સુધી સ્ટેશનમાં રાત વિતાવી
એનએસડીમાં અનુપમ ખેર સાથે ભણેલા સતીશ કૌશિક સહિત ઘણા વિદ્યાર્થીઓ મુંબઈ જઈને નામ કમાઈ રહ્યા હતા. એક દિવસ તેમણે અખબારમાં એક જાહેરાત વાંચી કે મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં શિક્ષકની જરૂર છે, જ્યાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શબાના આઝમી પણ શિક્ષક હતા. અનુપમે અરજી કરી અને પસંદગી પામી. 5000 રૂપિયા પગાર અને રહેવાની સગવડ પણ આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું.
તે 3 જૂન, 1981નો દિવસ હતો અનુપમે પોતાનો સામાન પેક કર્યો અને ખિસ્સામાં માત્ર 37 રૂપિયા લઈને મુંબઈ જવા રવાના થયા. રહેવાની જગ્યા ન હોવાથી શરૂઆતના દિવસોમાં રેલવે સ્ટેશન પર અખબારો ફેલાવીને સૂતા હતા. જોકે, જ્યારે તેમને પહેલો પગાર મળ્યો ત્યારે તેમણે એક નાનકડો રૂમ ભાડે લીધો. અભિનય શિક્ષક હોવા ઉપરાંત અનુપમ કેટલાક પરિચિતોની મદદથી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ પણ મેળવતા હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘આગમન’ હતી, જેમાં નાના રોલ માટે તેમને 2 દિવસમાં એક હજાર રૂપિયા મળ્યા હતા. બાદમાં તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.
જ્યારે પરણિત અનુપમને કિરણ ખેર સાથે પ્રેમ થયો, લગ્ન કર્યા અને કિરણના પુત્રને પોતાનું નામ આપ્યું
સંઘર્ષના દિવસો દરમિયાન અનુપમ ખેર ફરી કિરણ ખેરને મળ્યા, જે ફિલ્મોમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેને નાદિરા બબ્બરના નાટક ‘ચાંદપરી કી ચંપાબાઈ’માં સાથે કામ મળ્યું. બંને આ માટે કોલકાતા ગયા હતા, જ્યાં અનુપમે કિરણને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. કિરણ તરત જ રાજી થયા હતા અને બંનેએ છૂટાછેડા લઈ 1985માં લગ્ન કરી લીધા. અનુપમે કિરણ ખેરના પુત્ર સિકંદરને પણ દત્તક લીધો હતો અને તેમને પોતાની અટક આપી હતી. કિરણ અને અનુપમને પોતાનું કોઈ સંતાન નથી.
19 વર્ષની ઉંમરમાં જ વાળ ખરવા લાગ્યા હતા, ટાલિયાપણું રોકવા માટે ઊંટનો પેશાબ લગાવ્યો
અનુપમ ખેર માત્ર 19 વર્ષના હતા ત્યારે તેમના વાળ ખરવા લાગ્યા હતા. તેના પિતા અને કાકાને પણ નાની ઉંમરે ટાલ પડી હતી, પરંતુ મુંબઈમાં હીરો બનવા આવેલા અનુપમ માટે વાળ ખરવા ચિંતાનો વિષય હતો. વાળ એટલા ઝડપથી ખરી રહ્યા હતા કે અનુપમ તેને કાંસકો કરતા ડરતા હતા, પંખાની સામે ઊભા રહેવાનું ટાળતા હતા અને ટેક્સીમાં હંમેશા બારી બંધ રાખતા હતા. તેમણે પોતાના વાળ બચાવવા માટે ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યો. કેટલીકવાર તે 4-4 દિવસ સુધી અરીઠા લગાવતા હતા.
એક દિવસ કોઈએ તેમને કહ્યું કે ઊંટનો પેશાબ લગાવવાથી વાળ પાછા વધે છે. આવી સ્થિતિમાં અનુપમ પ્લાસ્ટિકની બોટલ લઈને જુહુ બીચ પર પહોંચ્યા, જ્યાં ઊંટ સૂતા હતા. તે કલાકો સુધી ઊંટની પાછળ બોટલ લઈને ઊભો રહેતા હતા. આખરે તે ઊંટનું પેશાબ એકત્ર કરવામાં સફળ થયા હતા. તેમણે ઘણા દિવસો સુધી માથામાં પેશાબ લગાવ્યો, પરંતુ તેનાથી ફાયદો થયો નહીં. આ પછી અનુપમે ફરીથી વાળ ઉગવાની આશા છોડી દીધી અને ટાલ પડવાની સાથે પણ ફિલ્મોમાં જગ્યા બનાવી.
મહેશ ભટ્ટને તેમની પ્રથમ ફિલ્મ માટે શાપ આપ્યો
વર્ષોના સંઘર્ષ પછી મહેશ ભટ્ટે 29 વર્ષીય અનુપમ ખેરને 1984માં આવેલી ફિલ્મ ‘સારાંશ’માં 65 વર્ષના વ્યક્તિની ભૂમિકા આપી હતી. તેમની પ્રથમ ફિલ્મ માટે અનુપમે 6 મહિના પહેલા જ વૃદ્ધ વ્યક્તિની જેમ ચાલવા અને બોલવાનું શરૂ કર્યું. શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે 10 દિવસ પહેલાં તેમને એક મિત્ર દ્વારા ખબર પડી કે રાજશ્રી પ્રોડક્શન્સે તેમને ફિલ્મમાંથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ હવે સંજીવ કુમાર ફિલ્મમાં હશે.
આ સાંભળીને અનુપમે સીધો મહેશ ભટ્ટને ફોન કર્યો અને જવાબ મળ્યો કે તે નવા લોકો સાથે જોખમ ન લઈ શકે. આ રિજેક્શનથી તેઓ ભાંગી પડ્યા અને મુંબઈ છોડવાનું નક્કી કર્યું. જતા પહેલાં અનુપમ ખેર મહેશ ભટ્ટને મળવા આવ્યા હતા.
અનુપમ તેમને મળતાં જ તેમણે મહેશ પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘તમે બહુ મોટો ફ્રોડ કર્યો છે, છેલ્લી ક્ષણે કોઈને ફિલ્મમાંથી કેવી રીતે દૂર કરી શકે. હું બ્રાહ્મણ છું અને તમને શાપ આપું છું.’
અનુપમ ખેરને ગુસ્સામાં જોઈને મહેશ ભટ્ટ એટલા પ્રભાવિત થયા કે, તેમને સંજીવ કુમારની જગ્યાએ ફરીથી કાસ્ટ કર્યા. આવું એટલા માટે પણ થયું કારણ કે ફિલ્મ ‘સારાંશમાં અનુપમને એક એવા માણસની ભૂમિકા આપવામાં આવી હતી જે વિદેશમાં મૃત્યુ પછી પોતાના પુત્રની રાખ કસ્ટમ અધિકારીઓ પાસેથી મેળવવા માટે સંઘર્ષ કરે છે.
ફિલ્મ ‘સારાંશ’ રિલીઝ થતા જ એક અઠવાડિયામાં 57 ફિલ્મો સાઈન કરી ’સારાંશ’ ફિલ્મ 25 મે, 1984ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેમના શાનદાર અભિનયને કારણે અનુપમ ખેરને માત્ર એક જ સપ્તાહમાં 57 ફિલ્મોની ઓફર મળી હતી. વિવેચકોના વખાણ સાથે તેમને ફિલ્મ માટે ‘બેસ્ટ એક્ટર’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
તેમણે તેઝાબ (1988), ડેડી (1989), રામ લખન (1989), નિગાહેં (1989) જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને 80-90 યુગના શ્રેષ્ઠ સહાયક કલાકારોમાં પોતાને સ્થાપિત કર્યા.
જ્યારે આમિર ખાનને અનુપમની એક્ટિંગ સામે વાંધો હતો
અનુપમ ખેરને 1991માં આવેલી ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’માં આમિર ખાન અને પૂજા ભટ્ટની સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. એક દિવસ આમિર ખાને અનુપમ ખેરને સેટ પર એક્ટિંગ કરતા જોયા હતા અને સીધા મહેશ ભટ્ટને ફરિયાદ કરવા ગયા હતા. તેમણે કહ્યું કે અનુપમ ખૂબ લાઉડ એક્ટર છે, સીન બગડશે. જો કે, મહેશ ભટ્ટે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી અને અનુપમને તેમની ઈચ્છા મુજબ કરવાની મંજૂરી આપી હતી. આ ફિલ્મ માટે અનુપમને બેસ્ટ કોમેડિયન માટે નોમિનેશન મળ્યું હતું.
અનુપમને ફિલ્મ ‘વિજય’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, ફિલ્મ ‘ડેડી’ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક અને ‘રામ લખન’ માટે બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો હતો.