31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ દલજીત કૌરનું લગ્નજીવન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા વર્ષે કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન માત્ર 8 મહિનામાં જ તૂટી ગયા હતા. અભિનેત્રીએ તેના પતિ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે અભિનેત્રીએ તેના પતિ નિખિલ પટેલ વિરુદ્ધ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નિખિલ પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ 85 અને 316 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર દલજીત સાથે ક્રૂરતા અને વિશ્વાસઘાતનો આરોપ છે.
આ સમાચારને સમર્થન આપતાં દલજીતે જોઈન્ટ કમિશનર અનિલ પારસકરનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે તે પોલીસ સ્ટેશનમાં પ્રવેશતી વખતે ડરી ગઈ હતી, પરંતુ બધાના સમર્થનથી હવે તેને વિશ્વાસ છે કે તેની સાથે ન્યાય થશે.

નિખિલ પટેલ ગર્લ ફ્રેન્ડ સાથે મુંબઈ પહોંચ્યો હતો
1 ઓગસ્ટના રોજ, નિખિલ પટેલ તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. નિખિલનો જન્મદિવસ 2જી ઓગસ્ટે હતો, જે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે મુંબઈમાં સેલિબ્રેટ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
અભિનેત્રી દલજીત કૌરે માર્ચ 2023માં કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પુત્ર જોર્ડન સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ. જોર્ડન તેના પહેલા પતિ શાલિન ભનોટ અને તેનો પુત્ર છે.. બંનેના લગ્ન 2015માં સમાપ્ત થયા હતા.
કેન્યા શિફ્ટ થયાના 8 મહિના પછી દલજીત તેના પુત્ર સાથે ભારત પરત ફરી. ભારત આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડા લેવાનો સંકેત આપ્યો હતો, ત્યારથી તેના અને નિખિલ વચ્ચે અલગ-અલગ ઈન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિવાદ ચાલુ છે. નિખિલે એક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, દલજીત કેન્યામાં એડજસ્ટ થઈ શકી નહોતી. તે ભારતને ખૂબ જ મિસ કરી રહી હતી. તેના પુત્રની શાળાને ટાંકીને, તેએ ભારત પરત ફરવાની વાત કરી અને બીજા જ દિવસે તેણે તેની વસ્તુઓ પેક કરી અને ભારત આવી.’ નિખિલના કહેવા પ્રમાણે, જે દિવસે દલજીત ભારત પરત ફરી હતી, તે દિવસે તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.’

દલજીત કૌરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેનો પતિ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. જોકે, સોશિયલ મીડિયા પર નિખિલ પર ખુલ્લેઆમ આરોપ લગાવવો અભિનેત્રી માટે મોંઘો સાબિત થયો હતો. નિખિલે કેન્યાથી અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલીને ચેતવણી આપી હતી કે જો તે હવે તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે તો તે તેની સામે કડક કાર્યવાહી કરશે. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેનો સામાન તેના ઘરેથી લઈ જાઓ, નહીં તો તે બધો સામાન દાન કરી દેશે. લીગલ નોટિસ મળ્યા બાદ દલજીતે કેન્યાના નૈરોબી શહેરની મિલિમાની કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લીધો હતો.