11 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીપિકા પાદુકોણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. પરંતુ તેમ છતાં તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ એક ચેટ શો દરમિયાન દીપિકાએ જણાવ્યું હતું કે, જ્યારે તેની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તેના એક્સેન્ટ(ઉચ્ચારણ) અને એક્ટિંગની મજાક ઉડાવવામાં આવી હતી. જો કે, તે નેગેટિવિટીમાંથી ઘણું શીખી છે અને પોતાનામાં સુધારો કર્યો છે.
‘લાઈવ લવ લાફ લેક્ચર’ સિરીઝમાં, દીપિકા પાદુકોણે તેની ડેબ્યૂ ફિલ્મ વિશે વાત કરી. આ દરમિયાન દીપિકાએ કહ્યું, ‘જ્યારે મારી પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ રિલીઝ થઈ હતી. તે સમયે મારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ મારા ઉચ્ચાર અને મારા અભિનયની મજાક ઉડાવી.’

દીપિકાએ કહ્યું, ‘નેગેટિવિટી ક્યારેક સારો અનુભવ હોય છે. તે તમારા પર નિર્ભર છે કે, તમે તે ટીકાઓનો કેવી રીતે સામનો કરો છો. જેમ કે તે બધી ખરાબ સમીક્ષાઓએ મને વધુ પ્રોત્સાહિત કરી છે. મને સખત મહેનત કરવા અને મારી જાતને સુધારવાની પ્રેરણા આપી છે. નિષ્ફળતાએ પણ મને ઘણું શીખવ્યું છે’
ફારાહ ખાને પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘દીપિકા પાદુકોણનો અવાજ પહેલા ખૂબ જ ખરાબ હતો. ‘યે જવાની હૈ દીવાની’ દરમિયાન તે બરાબર બોલી શકતી નહોતી. પરંતુ જ્યારે દીપિકા ગાતી ત્યારે તેનો ચહેરો ચમકી જતો.’

નોંધનીય છે કે,દીપિકાને ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.ઉપરાંત તેને શ્રેષ્ઠ અભિનેત્રી માટે નોમિનેશન પણ મળ્યું. ફિલ્મમાં દીપિકાનો અવાજ ડબિંગ આર્ટિસ્ટ મોના ઘોષ શેટ્ટીએ આપ્યો હતો.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, રણવીર સિંહ જેવા સ્ટાર્સ પણ સામેલ છે. આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થશે.