2 કલાક પેહલા
- કૉપી લિંક
સિંગર દિલજીત દોસાંઝ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો જણાય છે. દિલજીતે 31 ડિસેમ્બરે લુધિયાણામાં લાઈવ કોન્સર્ટ કર્યો હતો. આ શોમાં તેણે દારૂને પ્રમોટ કરતા કેટલાંક ગીતો ગાયાં હતાં. પંજાબના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ સંબંધમાં લુધિયાણાના જિલ્લા કમિશ્નરને પહેલેથી જ નોટિસ પાઠવી હતી કે ગાયકને દારૂ અને ડ્રગ્સવાળા ગીતો ગાવાથી રોકવામાં આવે.
આરોપ છે કે પ્રતિબંધ હોવા છતાં દિલજીતે દારૂ અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતાં ગીતો ગાયાં હતાં. આ અંગે ચંદીગઢના આસિસ્ટન્ટ પ્રોફેસર પંડિતરાવ ધરેનવારે કહ્યું કે જો આ મામલે કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાયક વિરુદ્ધ કોર્ટમાં જવાની તૈયારી કરશે.
પંડિતરાવ ધરનવરે કહ્યું કે, ‘વર્ષ 2019માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયમાં પોલીસને જાહેર કાર્યક્રમોમાં દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન વગાડવાની સૂચના આપવામાં આવી હતી.’
નોંધનીય છે કે, દિલજીતે 17 નવેમ્બરે અમદાવાદમાં એક કોન્સર્ટમાં કહ્યું હતું કે, જો ભારત સરકાર દારૂ પર પ્રતિબંધ મૂકશે તો તે તેના પર ગીતો બનાવવાનું બંધ કરી દેશે.
તેમ છતાં, લુધિયાણાની પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કોન્સર્ટમાં દિલજીતે ‘ઠેકે’, ‘કેસ’, ‘પટિયાલા પેગ’ જેવા ગીતો થોડા ફેરફાર સાથે ગાયા. દિલજીતને ચિલ્ડ્રન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર તરફથી ઔપચારિક નોટિસ મળી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ગાયકને 31 ડિસેમ્બરે લાઈવ શોમાં ડ્રગ્સ કે હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની વિનંતી કરવામાં આવી હતી. આ હોવા છતાં, તેણે કોન્સર્ટમાં તે ગીતો ગાવાનું ચાલુ રાખ્યું.
અગાઉ, તેલંગાણાના જિલ્લા કલ્યાણ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં, ગાયકને લાઇવ શો દરમિયાન ‘પટિયાલા પેગ…’ અને ‘પંજ તારા…’ જેવાં ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું.
તેના જવાબમાં ગાયકે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો ભારત સરકાર દારૂ પર પ્રતિબંધ મૂકશે તો તે દારૂ વિશે ગીતો બનાવવાનું બંધ કરી દેશે. તેમણે કહ્યું હતું કે જો તમામ રાજ્યો પોતાને દારૂ મુક્ત રાજ્ય જાહેર કરે તો હું વચન આપું છું કે હું ક્યારેય દારૂ વિશે ગીત નહીં ગાઉં.