1 કલાક પેહલા
- કૉપી લિંક
2023માં લોકોને સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મનું બોક્સ ઓફિસમાં પણ સારું કલેક્શન રહ્યું હતું. હવે ‘ગદર 2’ ની સફળતા બાદ ‘ગદર 3’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગદરના નિર્દેશક અનિલ શર્માએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો ઝી સ્ટુડિયો, અનિલ શર્મા અને સની દેઓલ વચ્ચેનું પેપરવર્ક પણ પૂરું થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં જ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ શરૂ થશે.
‘ગદર-3’ના બેઝિક આઈડિયા ઉપર કામ પૂરું થઇ ચૂક્યું છે
પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનિલ શર્માએ જણાવ્યું કે ફિલ્મ માટે પેપરવર્કનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે. ‘ગદર-2’ રિલીઝ થયા બાદ ફિલ્મના નિર્માતાઓએ ‘ગદર-3’ની વાર્તા પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ગદરના પહેલા બે ભાગની જેમ ત્રીજા ભાગની વાર્તા પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હશે. જોકે, તે કહે છે કે આ વખતે વાર્તા પહેલાં કરતા એકદમ અલગ જ હશે. ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થઈ શકે છે.
‘ગદર-2’ની કુલ કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મે બોક્સ ઓફિસમાં 525.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સની દેઓલના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે.
તારા સિંહ ફરી પાછા આવશે : અનિલ શર્મા
અનિલ શર્માએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હા તારા સિંહ પરત આવશે. કારણ કે અમે ‘ગદર-3’નો મૂળ વિચાર તૈયાર કરી લીધો છે. કોઈપણ રીતે અત્યારે હું નાના પાટેકર અને ઉત્કર્ષ સાથે બીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે મારી આગામી ફિલ્મ ‘ગદર-3’ જ હશે. હું ટૂંક સમયમાં ફિલ્મની અંતિમ સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરીશ.
‘ગદર’માં તારા સિંહના પુત્ર જીતનું પાત્ર નિર્દેશક અનિલના પુત્ર ઉત્કર્ષે ભજવ્યું હતું. ‘ગદર-2’માં પણ ઉત્કર્ષએ સનીના પુત્રનો રોલ કર્યો છે. આ સાથે જ ‘ગદર-3’માં પણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સની દેઓલ ફેબ્રુઆરીમાં ‘લાહોરઃ 1947’નું શૂટિંગ શરૂ કરશે. આ પછી સની ફિલ્મ ‘રામાયણ’માં પોતાનો ભાગ શૂટ કરી શકે છે. 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ના પાર્ટ 2 અંગે સમાચાર આવ્યા હતા પરંતુ હજુ પૃષ્ટિ થઇ શકી નથી.