- Gujarati News
- Entertainment
- Actress Rozlyn Khan Sent A Legal Notice To Navjot Singh Sidhu Kapil Sharma And Netflix Regarding Sidhu False Claims About Battling Cancer In Show
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. એક્ટ્રેસ રોઝલિન ખાને નવજોત સિંહ સિદ્ધુ, કપિલ શર્મા અને નેટફ્લિક્સને કાનૂની નોટિસ મોકલી છે, જેમાં તેણે સિદ્ધુ અને શોની ટીમ પાસેથી જાહેરમાં માફી માંગવાની માગ કરી છે. આરોપ છે કે શોમાં કેન્સર સંબંધિત ખોટી માહિતી શેર કરવામાં આવી હતી, જે ગેરમાર્ગે દોરી શકે છે.
દિવ્ય ભાસ્કરે રોઝલિનના વકીલ અલી કાસિફ ખાન દેશમુખ સાથે વાત કરી, જેમણે કહ્યું કે તેને શંકા છે કે આ સમગ્ર મામલાની પાછળ કોઈ રાજકીય એજન્ડા હોઈ શકે છે. વાતચીતના કેટલાક મુખ્ય અંશો વાંચો:
કપિલ શર્મા, નવજોત સિંહ સિદ્ધુ અને નેટફ્લિક્સને મોકલવામાં આવેલી નોટિસમાં રોઝલિન ખાને કયા આરોપો લગાવ્યાં છે? નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે કેન્સર સામેની લડાઈ દરમિયાન તેની પત્નીએ પાણીમાં ઉકાળેલા લીમડાના પાનનો ઉપયોગ કર્યો હતો અને તેને બીમારીને હરાવવામાં મદદ મળી હતી. જોકે, આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને મેડિકલ સાયન્સની વિરુદ્ધ છે. રોઝલિન જે પોતે કેન્સર સર્વાઈવર છે, કહે છે કે આવા ખોટા દાવાઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને અન્ય વિશ્વસનીય સંસ્થાઓએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે.
શું કેન્સર સંબંધિત નવજોત સિંહ સિદ્ધુના દાવાઓનો હેતુ રાજકીય માઈલેજ મેળવવાનો હોઈ શકે છે? હા, અમે માનીએ છીએ કે નવજોત સિંહ સિદ્ધુ આવા દાવા કરીને કેન્સર જેવી ગંભીર બીમારીનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે તેનો ઉપયોગ જનતાની સહાનુભૂતિ અને મતદારોને આકર્ષવા માટે કરી રહ્યા છે. પરંતુ આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને આવા ખોટા નિવેદનોથી લોકો મેડિકલ સાયન્સને બદલે અવૈજ્ઞાનિક ઉપાયો પર આધાર રાખે છે.
નેટફ્લિક્સ અને કપિલ શર્માને આ મામલે કેમ ખેંચવામાં આવ્યા છે અને તેની સાથે તેમનો શું સંબંધ છે? આ દાવો કપિલ શર્મા શોમાં પણ કરવામાં આવ્યો હતો અને પછી તેને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. જ્યારે આવી ખોટી સામગ્રી કોઈપણ શો અથવા પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે, ત્યારે તે લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી અમે ત્રણ મુખ્ય માગણીઓ કરી છે:
1. માફીની માગ: નવજોત સિંહ સિદ્ધુ અને કપિલ શર્માએ એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જાહેરમાં માફી માગવી જોઈએ.
2. કન્ટેન્ટ દૂર કરવાની માંગ: Netflix એ એપિસોડને તરત જ દૂર કરવો જોઈએ જેમાં આ દાવો બતાવવામાં આવ્યો છે.
3. ભવિષ્ય માટે સાવધાની: કપિલ શર્મા શોએ આવા ખોટા દાવાઓને પ્રોત્સાહન આપવાનું ટાળવું જોઈએ.
અમે તેમને 14 દિવસનો સમય આપ્યો છે. જો તેઓ આ માગણીઓ પૂરી નહીં કરે તો અમે મામલો કોર્ટમાં લઈ જઈશું.
શું આ અંગે કોઈ કાયદો ટાંકવામાં આવ્યો છે? હા, ભારતમાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ છે, જે આવા ખોટા અને અચોક્કસ દાવાઓને પ્રતિબંધિત કરે છે. કાયદા હેઠળ તમે જાદુઈ ઉપાયો અથવા ખોટી દવાઓને પ્રોત્સાહન આપી શકતા નથી. આ નોટિસ દ્વારા, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે આવા બેજવાબદાર દાવાઓથી કોઈ જનતાને ગેરમાર્ગે દોરે નહીં. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે – આવા ખોટા દાવાઓનો અંત લાવવાનો જેથી લોકોને કેન્સર જેવા ગંભીર મુદ્દાઓ પર સચોટ અને વિશ્વસનીય માહિતી મળે.
Netflixની લીગલ ટીમને આ નોટિસ મળી છે. જો કે, આ અંગે કોઈ નિવેદન આપવું ખૂબ જ વહેલું ગણાશે. અમે આ કાનૂની નોટિસ પર કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.