8 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં જ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હેમા કમિટીનો રિપોર્ટ આવ્યો છે, જેણે સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. આ રિપોર્ટમાં ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થઈ રહેલા જાતીય સતામણી અને કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર મામલા સામે આવ્યા છે. આ રિપોર્ટ બાદ ફરી સવાલો ઊઠી રહ્યા છે કે #Metoo આંદોલનથી શું બદલાયું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન, #Metoo દરમિયાન ખૂલીને વાત કરનાર સિંગર-કમ્પોઝર સોના મહાપાત્રા અને અભિનેત્રી અહાના કુમરાએ આ રિપોર્ટ પર તેમની આકરી પ્રતિક્રિયા આપી હતી. બંનેએ બોલિવૂડમાં #Metooના આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.
‘સૌથી ચોંકાવનારી વાત એ છે કે…’
સોના મહાપાત્રાએ કહ્યું, ‘મને આ જોઈને આઘાત લાગ્યો છે કે સૌથી વધુ નારીવાદી ફિલ્મો માટે જાણીતી ઈન્ડસ્ટ્રીમાં આવી ભયંકર ઘટનાઓ બની રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ અહેવાલો એવા મલયાલમ ઉદ્યોગમાંથી આવી રહ્યા છે, જે શક્તિશાળી નારીવાદી ફિલ્મો માટે પ્રખ્યાત છે.’
સોનાએ મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં 2017માં બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક એક્ટ્રેસ પર ચાલતી કારમાં બળાત્કાર થયો હતો અને તેમાં એક્ટર દિલીપનું નામ સામે આવ્યું હતું. તેણે કહ્યું, ‘આ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે કે આવા ગુનેગારો મુક્તપણે ફરે છે અને તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા દિલીપ જેવા લોકો આજે પણ સમાજમાં નિર્ભયપણે ફરતા હોય છે અને તે સામાન્ય બાબત તરીકે સ્વીકારવામાં આવી છે.’
‘#Metooના આરોપીઓ બોલિવૂડમાં આરામથી કામ કરી રહ્યા છે’
સોનાએ બોલિવૂડની સત્યતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, ‘#Metooના આરોપીઓ બોલિવૂડમાં આરામથી કામ કરી રહ્યા છે, અને આ ઉદ્યોગની વાસ્તવિકતા છતી કરે છે. તે ખૂબ જ નિરાશાજનક છે કે જે લોકો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા હતા તેઓ કોઈ પણ સજા વિના ફરે છે અને મુક્તપણે કામ કરી રહ્યા છે. તે જ સમયે, મને કામ પર પાછી બોલાવવામાં આવી ન હતી, પરંતુ તરત જ ટીવી શોમાંથી કાઢી મૂકવામાં આવી હતો, કારણ કે મેં સત્ય કહ્યું હતું. અમને એવું લાગ્યું કે અમારું કામ બંધ થઈ ગયું છે.’
‘સાજિદ ખાન જેવા લોકોને હજુ પણ કામ મળી રહ્યું છે’
અનુ મલિકને વારંવાર જજ તરીકે લેવામાં આવી રહ્યા છે. ઘણી મહિલાઓ સાથે અન્યાય કરનાર સાજિદ ખાન આજે પણ બિગ બોસમાં જોવા મળે છે અને મુક્તપણે ફરતો જોવા મળે છે. એ જ રીતે, ફિલ્મ ‘ક્વીન’ના દિગ્દર્શક વિકાસ બહલ, જેમની સામે ઘણા આરોપો છે, તેઓ ફરીથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, જ્યારે સત્ય બોલનારાઓને ‘ટ્રબલમેકર્સ’ કહીને ચૂપ કરવામાં આવે છે.’
‘#Metoo ચળવળ પછી, અમારા માટે કામની તકો બંધ થઈ ગઈ. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મેં જોયું છે કે જો તમે જાતે પ્રયાસ નહીં કરો તો કોઈ મદદ કરશે નહીં. લોકો એમ જ કહે છે કે, ‘અરે, જૂની વાત છે, તમે તેને વારંવાર કેમ લાવો છો? મેં સોશિયલ મીડિયા પર જોયું કે મારા કેટલાક મિત્રો અને સહકર્મીઓએ #Metoo ના આરોપીઓ સાથે ફોટા પોસ્ટ કર્યા છે. મેં તેમને મેસેજ કર્યો, ‘તમને યાદ નથી, 12-13 છોકરીઓએ તેના વિશે શું કહ્યું?’
‘હું મારી પોતાની તકો સર્જી રહી છું’
સોનાએ જણાવ્યું કે કેવી રીતે કામ ન મળવા છતાં તે પોતાના માટે તકો ઊભી કરી રહી છે. ‘મેં ‘ધ લાલપરી મસ્તાની શો’ નામનો શો શરૂ કર્યો, જેમાં મેં મારી બધી બચતનું રોકાણ કર્યું. હું મારા પોતાના પૈસાથી મારા પોતાના ગીતો, વીડિયો અને શો બનાવું છું. તે મુશ્કેલ છે, પરંતુ હું હાર માનતી નથી. હું મારું પોતાનું કામ કરી રહી છું અને મને ગર્વ છે કે મેં આ રસ્તો પસંદ કર્યો.’
#Metoo મૂવમેન્ટ એક મજાક હતી: અહાના કુમરા
અહનાએ આ બાબતે ગુસ્સામાં કહ્યું, ‘બોલિવૂડમાં #Metoo મૂવમેન્ટ કોઈ મજાકથી ઓછું ન હતું. જે લોકો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા હતા તેઓ આજે પણ કોઈપણ ડર વગર ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.
હું બોલું કે ન બોલું તેનાથી તેમને કોઈ ફરક પડતો ન હતો, કારણ કે જેમને કામ આપવાનું હતું તેઓ ગમે તેમ કરીને આપવાના ન હતા. આ આંદોલનનો અસલી હેતુ ક્યાંક ખોવાઈ ગયો હતો અને જેમની સામે અવાજ ઉઠાવ્યો હતો તેઓ આજે પણ એ જ બેદરકારીથી કામ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે આપણા દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેટલી મોટી સમસ્યા છે.’
‘આ માત્ર મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં, દરેક જગ્યાએ થઈ રહ્યું છે’
અહાનાએ એમ પણ કહ્યું કે જાતીય શોષણ અને ઉત્પીડનની ઘટનાઓ માત્ર મલયાલમ ઈન્ડસ્ટ્રી સુધી મર્યાદિત નથી. તેએ કહ્યું, ‘આ સમસ્યા માત્ર એક ઉદ્યોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક ઉદ્યોગમાં મહિલાઓ સમાન સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાના હોય કે મોટા શહેરો, દરેક જગ્યાએ મહિલાઓને સમાન પડકારોનો સામનો કરવો પડે છે. આ કોઈ નાના કે મોટા શહેરનો મુદ્દો નથી,પરંતુ આ દેશવ્યાપી સમસ્યા છે. મહિલાઓની સુરક્ષા અને અધિકારોને લઈને આપણા સમાજમાં ઘણું મોટું અંતર છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ.’
‘અહાનાએ #Metoo મૂવમેન્ટને લઈને પોતાની નિરાશા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘Me Too ખરેખર આ દેશમાં મજાક બની ગયું છે, કારણ કે જે લોકો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા હતા તેઓ હજુ પણ આરામથી કામ કરી રહ્યા છે.’