8 કલાક પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની જેનિફર મિસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એક્ટ્રેસે શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલમાં જ તેમણે દિલીપ જોશી જે જેઠાલાલના રોલમાં છે તે અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
એક્ટ્રેસે દિલીપ જોશી વિશે મોટો ઘટસ્ફોટ કર્યો અને કહ્યું કે એકવાર તેમણે શો છોડવાની ધમકી આપી હતી. જેનિફરે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ શોની જ એક ઘટના વિશે વાત કરી હતી કે કેવી રીતે દિલીપ જોશીનો શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી સાથે ઝઘડો થઇ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે સોહેલે દિલીપ પર ખુરસી પણ ફેંકી દીધી હતી. આ ઘટનાની અસર એવી થઇ હતી કે દિલીપ જોશી ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયા હતા.
દિલીપે એ સમયે કહ્યું હતું કે જો સોહેલ શોમાં રહેશે તો તે આ શોને અલવિદા કહી દેશે. એ બાદ સોહેલને દિલીપથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ મામલો લગભગ 2 વર્ષ સુધી ચાલ્યો હતો. આ ઘટના બાદ શોના અન્ય કલાકારોએ પણ સોહેલના આ વર્તન સામે અવાજ ઉઠાવ્યો હતો.
હવે જેનિફરે કરેલા આ ખુલાસા બાદ સોહેલ રામાણીએ પણ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું – જેનિફરને શો અને તેના નિર્માતાઓ સાથે ઘણી સમસ્યાઓ હતી. તો પછી તે 2016માં કેમ પાછી આવી? તેમણે અસિત મોદીને કેમ મેસેજ કર્યો કે હું પહેલાં કરતાં હવે સુધરી ગઈ છું? તે આ શોમાં પોતાની મરજીથી પાછી આવી હતી, તેમને કોઈએ ફોર્સ કર્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જેનિફરે શોના પ્રોડ્યુસર અસિત મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેમાં તેમની જીત થઇ હતી.
આવો… જાણીએ શું હતી સમગ્ર ઘટના
જેનિફરે ગત વર્ષે ‘દિવ્ય ભાસ્કર’ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના ભૂતકાળ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અસિત મોદી તેના હોઠનાં વખાણ કરતાં હતાં. તેમને વારંવાર રૂમમાં બોલાવીને વાંધાજનક મેસેજ મોકલતા હતા. જેનિફરે કહ્યું- તે મને વારંવાર ફોન કરતા અને તેના રૂમમાં બોલાવતા. જ્યારે મેં ના પાડી તો તે કહેતા કે તે મજાક કરી રહ્યો છે, પરંતુ તે આવું સતત કરતા રહ્યા.
તે બધાની સામે બેસીને મારા હોઠનાં વખાણ કરતાં હતાં, જે મને બિલકુલ પણ પસંદ ન હતું. તે મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું સતત નજરઅંદાજ કરતી હતી. તે આડકતરી રીતે મારી પાસે આવતો હતો.