(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧ હજાર હિંદી ફિલ્મોની ઓરિજિનલ રીલ અને કેન ગુમાવી દીધા છે અથવા તો નષ્ટ થઇ ગયા છે. એનએફઆઇની સ્થાપના ૧૯૬૪માં માહિતી અને પ્રસારણ મંત્રાલયે કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય સિનેમાની ધરોહર સંભાળીને રાખવાનો હતો.
કેગ હેઠળ આવનાર ઓડિટ વિભાગે મે-૨૦૧૫થી સપ્ટેમ્બર-૨૦૧૭ની વચ્ચે એનએફએઆઇના રેકોર્ડર્સ તપાસ્યા. સૂચના અધિકાર હેઠળ કેગની તપાસમાં આ જાણકારી મળી છે, જેમાં જાણવા મળ્યું કે પુસ્તકોની ભૌતિક ખરાઇ કરાઇ હતી, પરંતુ ઓડિયો સીડી, ડિસ્ક રેકોર્ડ અને વીડિયો રેકોર્ડ્સની તપાસ કરાઇ નથી.
એનએફએઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૬થી ૨૦૧૭માં એક લાખ ૩૨ હજાર ફિલ્મોની રિલના કેન હતાં, પરંતુ બાદમાં માત્ર ૧૦૦૩૭૭ રિલનાં કેન બચ્યાં હતાં. તેના પરથી સ્પષ્ટ થયું છે કે ફિલ્મોના ૩૧,૨૬૩ રિલ અને કેન ખોવાઇ ગયાં કે બરબાદ થયાં છે. એનએફએઆઇમાં હિંદી સિનેમાનો ૧૦૬ વર્ષનો ઇતિહાસ રાખેલો હતો. તેમાં પુસ્તકો, વીડિયો, ઓડિયો કેસેટ, પોસ્ટર, ફોટો, ટ્રેસ ક્લિપ, સ્લાઇડ અને ડિસ્ક રેકોર્ડ રખાયાં હતાં.