55 મિનિટ પેહલાલેખક: કવિતા રાજપૂત
- કૉપી લિંક
કે શિવરામુ. આખું નામ શિવરામુ કેમ્પૈયા. આજે વણકહી વાર્તા તેમના વિશે છે. તેઓ ભારતીય સિનેમાના પ્રથમ એક્ટર છે, જેઓ IAS હતા. હા, તેમનું નામ ઈતિહાસમાં નોંધાયેલું છે, કારણ કે તેઓ કન્નડ ભાષામાં UPSC પાસ કરનારી પ્રથમ વ્યક્તિ હતા.
સામાન્ય રીતે લોકો ફિલ્મોમાં આવવા માટે પોતાનો અભ્યાસ છોડી દે છે, પરંતુ શિવરામુ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમનું સપનું IAS બનવાનું હતું, જે તેમણે પૂરું પણ કર્યું હતું.
આ પછી,જ્યારે તેઓ નોકરીથી કંટાળી ગયા ત્યારે તેઓ એક્ટિંગ તરફ વળ્યા હતા, પરંતુ આ અંગેના વિવાદ થયો ત્યારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.
જ્યારે તેઓ 2013માં બેંગલુરુના પ્રાદેશિક કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા ત્યારે તેઓ રાજકારણમાં જોડાયા હતા.
ચાલો IASમાંથી હીરો બનેલા શિવરામુની રસપ્રદ કહાની પર એક નજર કરીએ…
નાનપણથી જ IAS બનવાની ઈચ્છા હતી
6 એપ્રિલ, 1953, સ્થળ ઉરગલ્લી, કર્ણાટક. જાણીતા ડ્રામા માસ્ટર એસ. કેમ્પૈયાને એક પુત્ર થયો, જેનું નામ શિવરામુ કેમ્પૈયા હતું. લોકો તેમને પ્રેમથી શિવરામ કહેતા હતા. બાદમાં શિવરામુ પણ કહેવા લાગ્યા હતા.
તેઓ નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા અને તેમને ફિલ્મોમાં કોઈ રસ નહોતો. પિતા લોકોને નાટક શીખવતા, પણ શિવરામનું મન માત્રને માત્ર અભ્યાસમાં જ કેન્દ્રિત હતું. તેઓ બાળપણથી જ સ્પષ્ટ હતા કે તે જીવનમાં શું કરવા માગે છે.
શાળામાં અભ્યાસ કરતી વખતે તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તે ભવિષ્યમાં IAS બનવા માગે છે. પરિવારના સભ્યો શિવરામુના સમર્પણ અને મહેનતથી ખૂબ જ ખુશ હતા, તેથી તેમને પ્રેમ અને સ્નેહની સાથે તેમનો સંપૂર્ણ સહયોગ મળ્યો.
પરિવારના સભ્યોએ એ સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી કે શિવરામુને સારું શિક્ષણ મળે અને ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેમના પિતાએ શિવરામુને બેંગલુરુ મોકલ્યા, જ્યાં તેમણે મલ્લેશ્વરમ સરકારી શાળામાંથી હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
તેમના IAS કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલી તસવીરમાં શિવરામુ
શિવરામુ દિવસ દરમિયાન કામ કરતા અને સાંજે કોલેજ જતા હતા
1972માં હાઈસ્કૂલ પાસ કર્યા પછી તરત જ શિવરામુએ અંગ્રેજી અને કન્નડ ટાઈપિંગ શીખ્યા અને સરકારી નોકરીમાં પસંદગી પામ્યા. સરકારી નોકરી મળ્યા પછી પણ તેઓ શાંતિથી આરામ કરતા નહોતા અને મે 1973માં તેઓ પોલીસ રિપોર્ટર તરીકે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગમાં જોડાયા હતા.
નોકરી મળવા છતાં તેમણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો. નોકરીમાં તેમણે વી.વી. પુરમ ઇવનિંગ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સમાંથી બી.એ.ની ડિગ્રી લીધી. તેઓ સવારે કામ કરતા હતા અને સાંજે ક્લાસમાં જતા હતા.
1982ની આસપાસ તેમણે દિવસ દરમિયાન કામ કરતા અને સાંજે અભ્યાસ કરતા. મૈસૂરની ઓપન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમએ પણ કર્યું. આ સાથે તેઓ સિવિલ સર્વિસ માટે પણ તૈયારી કરતા હતા. 1985માં જ્યારે તેમણે કર્ણાટક વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી ત્યારે તેમની મહેનતનું ફળ મળ્યું. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ નાયબ પોલીસ અધીક્ષક બન્યા હતા.
કન્નડમાં UPSC પાસ કરનારી પ્રથમ વ્યક્તિ હતા
શિવરામુ એક પછી એક સફળતાની સીડીઓ સર કરતા રહ્યા હતા. 1986માં તેમણે અનુસૂચિત જાતિ વર્ગમાંથી કર્ણાટક વહીવટી સેવા પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો અને સહાયક પોલીસ કમિશનર તરીકે પસંદગી પામ્યા હતા.
આ પછી કર્ણાટક પોલીસ એકેડમીમાં તેમની તાલીમ દરમિયાન તેઓ UPSCમાં પસંદગી પામ્યા અને IAS બન્યા હતા. તેમનું સપનું બાળપણથી જ આઈએએસ બનવાનું હતું અને તેમણે એ પૂરું કર્યું હતું. આ સાથે તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું, કારણ કે તેઓ કન્નડ ભાષામાં UPSC પાસ કરનારી પ્રથમ વ્યક્તિ હતા.
IAS બન્યા પછી નોકરશાહીમાં તેમના લાંબા કરિયરમાં તેમણે બીજાપુર, બેંગલુરુ, મૈસૂર, કોપ્પલ અને દાવણગેરે જેવાં સ્થળોએ કામ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે માસ એજ્યુકેશન કમિશનર, ફૂડ કમિશનર અને મૈસૂર સેલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના એમડી જેવા હોદ્દા પર હતા.
નોકરશાહીથી મન ભરાઈ ગયું તો એક્ટર બન્યા
તેમના જીવનની ખાસ વાત એ હતી કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી તેઓ હંમેશાં કંઈક નવું શીખવાનો આગ્રહ રાખતા હતા. એક જગ્યાએ અટકતા ન હતા. એક સિદ્ધિ હાંસલ કરી અને પછી એક મોટો બેન્ચમાર્ક બનાવવા માટે પ્રયાણ કર્યું. આ જ કારણ છે કે જ્યારે તેઓ નોકરીથી કંટાળ્યા ત્યારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવી લીધું હતું. IAS તરીકે તેમની લોકપ્રિયતા કોઈ સ્ટાર કરતાં ઓછી નહોતી.
વ્યક્તિત્વમાં પણ તેમની સામે સાઉથ સ્ટાર પાણી ભરતા હતા. આ જ કારણ હતું કે તેમણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું. અહીં પણ નસીબે તેમને સાથ આપ્યો અને તેમને તેમની પ્રથમ ફિલ્મની ઓફર મળી. તેમની પહેલી ફિલ્મ ‘બા નલે મધુચંદ્રકે’ 1993માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શિવરામૂ પહેલીવાર હીરો તરીકે જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેનું કામ પસંદ આવ્યું અને ફિલ્મ હિટ સાબિત થઈ.
શિવરામુ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા હતા. તેમણે ‘વસંત કાવ્ય’, ‘સાંગલિયાના પાર્ટ-3’, ‘પ્રતિભાને’, ‘ખલનાયક’, ‘યારીગે બેડા દુદ્દુ’, ‘ગેમ ફોર લવ’, ‘નાગા’, ‘ઓ પ્રેમા દેવતે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
એક્ટિંગમાં આગળ વધ્યા તો વિવાદ થયો
નોકરીમાં કામ કરતી વખતે તેમની એક્ટિંગ અંગે ઘણો વિવાદ થયો હતો. હકીકતમાં વર્ષ 2004માં કર્ણાટક સરકારે આદેશ બહાર પાડ્યો હતો કે નોકરિયાતો અથવા સરકારી કર્મચારીઓ ફિલ્મોમાં અભિનય નહીં કરી શકે.
તેમણે રાજ્ય સરકારના આ નિર્ણયને તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવીને કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સેવામાં રહીને ફિલ્મોમાં કામ કરવું ખોટું છે. સરકારી અધિકારી પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈપણ વ્યવસાય સાહસમાં ભાગ લઈને પૈસા કમાઈ શકતા નથી.
આ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે શિવરામુ ઈચ્છવા છતાં પોતાની ફિલ્મી કારકિર્દી આગળ વધારી શક્યા નહીં. તેમણે જે ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું એ સરળ રીતે પૂર્ણ કર્યું અને પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને બ્યૂરોક્રેસીમાં પરત ફર્યા હતા.
રાજકારણમાં ઉતાર-ચઢાવની કારકિર્દી
2013માં બેંગલુરુ પ્રાદેશિક કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને કોંગ્રેસમાં જોડાયા. રાજકારણમાં શિવરામુની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી.
એક વર્ષની અંદર તેઓ કોંગ્રેસ છોડીને જનતા દળ (સેક્યુલર)માં જોડાયા અને બીજાપુરથી લોકસભાની ચૂંટણી લડ્યા, જોકે તેઓ ચૂંટણી હારી ગયા.
શિવરામુ બીજેપીમાં કર્ણાટક સ્ટેટ કોમ્યુનિટી એક્ઝિક્યુટિવના સભ્ય હતા
તેઓ હાર સહન ન કરી શક્યા, તેથી તેમણે ફરીથી પાર્ટી બદલી અને ફરીથી કોંગ્રેસમાં જોડાયા. તેઓ 2014 થી 2016 સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા, પરંતુ આ પછી તેમણે ફરી એકવાર પાર્ટી છોડી દીધી અને આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પછી તેણે કર્ણાટક સ્ટેટ કોમ્યુનિટી એક્ઝિક્યુટિવના સભ્ય તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમના નવરાશના સમયમાં તેમને પુસ્તકો વાંચવાનો, ઘોડેસવારી કરવાનો અને મુસાફરી કરવાનો ખૂબ જ શોખ હતો.
શિવરામુને IAS તરીકે ઘણા એવોર્ડ મળ્યા હતા.
‘ટાઈગર’ છેલ્લી ફિલ્મ હતી
2017માં તેઓ 10 વર્ષ પછી ફિલ્મોમાં પણ પરત ફર્યા અને ફિલ્મ ‘ટાઈગર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શિવરામ નાયકના રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ તેમના જમાઈ પ્રદીપ બોગાડીએ બનાવી હતી.
તેઓ એક અમલદાર, એક્ટર અને રાજકારણી હતા, જેમનું અંગત જીવન ક્યારેય ચર્ચાનો વિષય નહોતું. તેના લગ્ન વાણી નામની મહિલા સાથે થયા હતા, જે ગૃહિણી છે. બંનેને એક પુત્રી હતી જેનું નામ ઇન્ચારા શિવરામ હતું. તેમને કન્નડ અભિનેતા પ્રદીપ સાથે લગ્ન કર્યા હતા.
પત્ની વાણી સાથે શિવરામુ.
2024માં અવસાન થયું
કે. શિવરામુ સમયની સાથે અનેક રોગોથી ઘેરાયેલા હતા. 2023થી તેમની તબિયત બગડવા લાગી. આખરે 29 ફેબ્રુઆરી 2024ના રોજ 70 વર્ષની વયે હાર્ટ-એટેકથી તેમનું અવસાન થયું.