53 મિનિટ પેહલા
- કૉપી લિંક
કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા બાદ તેની કારકિર્દીની બે સૌથી મોટી ફિલ્મો સાઈન કરવાની વાત કરી હતી. તેણે જણાવ્યું કે દર્શકો તેના વૈવાહિક દરજ્જાને કેવી રીતે સ્વીકારી રહ્યા છે.
કિયારાએ તેની કારકિર્દીની 2 સૌથી મોટી ફિલ્મો સાઈન કરી છે
કિયારા અડવાણી આજકાલ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. ગયા વર્ષે કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાના લગ્ન અને કરિયર વિશે ખૂલીને વાત કરી હતી. કિયારાએ કહ્યું,’જ્યારે સિદ્ધાર્થ અને મારા લગ્ન થઈ રહ્યા હતા, તે સમયે કેટલીક વાતો સાંભળવા મળી રહી હતી. લોકોએ કહ્યું, હે ભગવાન! તે શા માટે લગ્ન કરી રહી છે? અત્યારે તે પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચી રહી છે અને આવી સ્થિતિમાં લગ્ન શા માટે?’ પરંતુ મને લાગે છે કે, હવે અમારા દર્શકોને એ વાતની પરવા નથી કે અભિનેત્રી પરિણીત છે કે નહીં’.
કિયારાએ કહ્યું ‘અમારા દર્શકો હવે પરિપક્વ થયા છે’
કિયારાએ કહ્યું,’ભલે કોઈ પરિણીત હોય, માતા હોય, પુત્રી હોય કે બીજું કંઈ હોય, હવે તેને દર્શકો સાથે કોઈ લેવાદેવા નથી. હું કહી શકું છું કે લગ્ન પછી મેં મારી કારકિર્દીની બે સૌથી મોટી ફિલ્મો સાઈન કરી છે. જો તમે જુઓ તો આજે પરિણીત અભિનેત્રીઓ આપણા ઈન્ડસ્ટ્રીમાં ટોપ પર છે. આ પોતે જ બોલે છે કે સમય બદલાઈ ગયો છે. સાચું કહું તો આ ખૂબ જ સકારાત્મક પરિવર્તન છે’.
‘ડોન 3’માં રણવીર સાથે જોવા મળશે કિયારા
કિયારા અડવાણીએ તેની આગામી ફિલ્મ ‘ડોન 3’ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, હું આ ફિલ્મ માટે ઉત્સાહિત છું. હું ઘણા સમયથી કંઈક અલગ કરવા ઇચ્છતી હતી. ‘ડોન 3’ એક એવી ફિલ્મ છે જેમાં મને ચોક્કસ કંઈક અલગ કરવા મળશે. તેથી હું ખૂબ ખુશ છું. મને એ ખૂબ જ રોમાંચક લાગે છે કે એક એક્ટર તરીકે તમને હંમેશા અલગ-અલગ પાત્રો ભજવવાની તક મળે છે. હું જાણું છું કે ફિલ્મની તૈયારી માટે મારે સખત મહેનત કરવી પડશે. હા, મારી પાસે પણ તૈયારી કરવાનો સમય છે. જો કે મેં ક્યારેય કોઈ એક્શન ફિલ્મ કરી નથી, પરંતુ હવે ચોક્કસ એક્શન કરવાનો સમય આવી ગયો છે.